<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

ભારતીય મૂળના નાસાના અવકાશયાત્રી અનિલ મેનન આઇએસએસ જવા રવાના : રશિયાના સોયુઝ રોકેટ દ્વારા આઠ મહિનાના મિશનનો પ્રારંભ : જુઓ વિડીયો

કઝાકિસ્તાનના બૈકોનુર કોસ્મોડ્રોમ પરથી બે રશિયન અવકાશયાત્રીઓ પ્યોત્ર દુબ્રોવ અને અન્ના કિકિના સાથે અવકાશમાં ભરી સફળ ઉડાન : મેડિકલ ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર અને માનવ શરીર પર માઇક્રોગ્રેવિટીની અસરોના સંશોધન માટે એપ્રિલ ૨૦૨૭ સુધી સ્પેસ સ્ટેશન પર રહેશે

બૈકોનુર: ભારતીય મૂળના નાસાના અવકાશયાત્રી અનિલ મેનન મંગળવારે પોતાની પ્રથમ અવકાશયાત્રા પર રવાના થયા છે. તેઓ રશિયાની સ્પેસ એજન્સી રોસકોસ્મોસના સોયુઝ એમએસ-૨૯ (Soyuz MS-29) સ્પેસક્રાફ્ટ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે સફળતાપૂર્વક રવાના થયા છે, જ્યાં તેઓ આશરે આઠ મહિનાના લાંબા મિશનનો પ્રારંભ કરશે. આ લોન્ચિંગ સાથે જ તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના એક્સપિડિશન ૭૫ ક્રૂ મેમ્બર્સનો હિસ્સો બન્યા છે.

 

 કઝાકિસ્તાનથી ભારતીય સમય અનુસાર રાત્રે ૮:૧૭ વાગ્યે થયું સફળ લોન્ચિંગ:

આ ઐતિહાસિક સ્પેસક્રાફ્ટ કઝાકિસ્તાનના બૈકોનુર કોસ્મોડ્રોમ પરથી ભારતીય સમય અનુસાર રાત્રે ૮:૧૭ વાગ્યે (૧૦:૪૭ સવારે ઇડીટી) સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનમાં ૪૯ વર્ષીય અનિલ મેનનની સાથે રશિયાના બે અનુભવી કોસ્મોનટ્સ પ્યોત્ર દુબ્રોવ અને અન્ના કિકિના પણ જોડાયા છે. સોયુઝ સ્પેસક્રાફ્ટ પોતાની બે ભ્રમણકક્ષાની, ત્રણ કલાકની ટૂંકી મુસાફરી પૂર્ણ કર્યા બાદ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના 'પ્રિચાલ' મોડ્યુલ સાથે ઓટોમેટિકલી ડોક એટલે કે જોડાણ કરવા માટે સુનિશ્ચિત થયેલું છે. અનિલ મેનનનો જન્મ મિનેપોલિસમાં ભારતીય પિતા અને યુક્રેનિયન માતાને ત્યાં થયો હતો. તેઓ કટોકટીની દવાના નિષ્ણાત ચિકિત્સક (ઇમરજન્સી મેડિસિન ફિઝિશિયન) હોવાની સાથે યુએસ સ્પેસ ફોર્સના કર્નલ છે અને વર્ષ ૨૦૨૧માં નાસાના અવકાશયાત્રી તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી.

 

 સ્પેસ સ્ટેશન પર હાથ ધરાશે અત્યંત મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધનો:

અનિલ મેનન અને તેમના ક્રૂ સાથીઓ અવકાશમાં સ્ટેશન દરમિયાન એક્સપિડિશન ૭૪ અને ૭૫ને પોતાનો ટેકો આપશે. પરિક્રમા કરતી આ પ્રયોગશાળામાં માનવજાતના ભવિષ્યના લાંબા ગાળાના સ્પેસ મિશનને સફળ બનાવવા માટે અનેક વૈજ્ઞાનિક પ્રયોગો અને ટેક્નોલોજીના પ્રદર્શનો કરવામાં આવશે. અનિલ મેનનના આ મિશનનો મુખ્ય હેતુ લાંબા સમય સુધી માઇક્રોગ્રેવિટી (શૂન્યાવકાશ)માં રહેવાથી માનવ શરીર પર શું અસરો થાય છે તે સમજવાનો છે. તેઓ માનવ શરીરમાં રક્ત પ્રવાહ, નસોની સંરચના અને લોહીના બંધારણમાં થતા ફેરફારોનો અભ્યાસ કરશે, જેથી ભવિષ્યના ચંદ્ર અને મંગળ મિશન પર જનારા અવકાશયાત્રીઓનું રક્ષણ કરી શકાય.

 

 એઆઈ સંચાલિત અલ્ટ્રાસાઉન્ડ અને સેમિકન્ડક્ટર પર થશે સંશોધન:

આ મિશન દરમિયાન સ્પેસ સ્ટેશનના પીવાના પાણીના પુરવઠાનો ઉપયોગ કરીને ઇન્ટ્રાવેનસ (IV) પ્રવાહી એટલે કે બોટલ ચડાવવા માટેનું પ્રવાહી તૈયાર કરી શકે તેવી સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવશે, જે ઊંડા અવકાશના મિશન માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, માઇક્રોગ્રેવિટીમાં સેમિકન્ડક્ટર ક્રિસ્ટલ્સના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેનાથી પૃથ્વી પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ અને અદ્યતન તબીબી ઉપકરણોના ઘટકોનું ઉત્પાદન સુધારી શકાશે. પૃથ્વી પરના ડોક્ટરોના વાસ્તવિક સમયના માર્ગદર્શન વિના પણ અવકાશયાત્રીઓ જટિલ તબીબી તપાસ જાતે કરી શકે તે માટે ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આસિસ્ટેડ અલ્ટ્રાસાઉન્ડ ટેક્નોલોજીનું મૂલ્યાંકન કરાશે. અનિલ મેનન માઇક્રોગ્રેવિટીમાં વેસ્ક્યુલર પેશીના બાયોપ્રિન્ટિંગ પરના સંશોધનમાં પણ ભાગ લેશે, જે ભવિષ્યની પુનર્જીવિત થેરાપીઓ અને ઉંમર વધવાની પ્રક્રિયાના અભ્યાસમાં મદદ કરશે.

 

 યુક્રેન યુદ્ધના તણાવ વચ્ચે પણ અમેરિકા અને રશિયાનું સહકાર્ય:

ભૂ-રાજકીય તણાવ અને ખાસ કરીને યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે પણ, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અમેરિકાની નાસા અને રશિયાની રોસકોસ્મોસ એજન્સી વચ્ચે સતત સહકાર જોવા મળી રહ્યો છે. નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેન પોતે કઝાકિસ્તાનમાં આ લોન્ચિંગ દરમિયાન વ્યક્તિગત રીતે હાજર રહ્યા હતા. સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા પછી, અનિલ મેનન, પ્યોત્ર દુબ્રોવ અને અન્ના કિકિના ત્યાં અગાઉથી જ વસવાટ કરી રહેલા સાત અવકાશયાત્રીઓ સાથે જોડાશે. આ સંશોધન મિશન પૂર્ણ કરીને તેઓ એપ્રિલ ૨૦૨૭માં પૃથ્વી પર પરત ફરશે.

(10:24 PM IST)