<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

અમેરિકાના મૈનેમાં ભારતીય મૂળના નીરવ શાહનો ડંકો: ગવર્નરની રેસમાં સૌથી આગળ, સર્વેમાં વિરોધીઓને પછાડી મેળવી ૯ પોઈન્ટની લીડ

વ્હાઇટ હાઉસ બાદ હવે ગવર્નર હાઉસ પર નજર: કોરોના કાળમાં લોકપ્રિય બનેલા પૂર્વ સ્વાસ્થ્ય અધિકારી નીરવ શાહ મૈનેના પ્રથમ ભારતીય અમેરિકન ગવર્નર બનવા તરફ અગ્રેસર

ઓગસ્ટા (મૈને) : અમેરિકાના મૈને રાજ્યમાં આગામી ગવર્નરની ચૂંટણી માટેનો માહોલ ગરમાયો છે, જેમાં ભારતીય મૂળના ડેમોક્રેટિક ઉમેદવાર નીરવ શાહ અત્યારે સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. તેમના અભિયાન દ્વારા જારી કરવામાં આવેલા લેટેસ્ટ ઓપિનિયન પોલ અનુસાર, નીરવ શાહ પોતાના તમામ હરીફો કરતાં નોંધપાત્ર સરસાઈ ભોગવી રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન મૈને સીડીસીના ડિરેક્ટર તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર શાહ હવે રાજ્યના સર્વોચ્ચ પદ માટે મેદાનમાં છે.
 
સર્વેમાં નીરવ શાહની એકતરફી સરસાઈ
શોએન કૂપરમેન રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેમાં નીરવ શાહને ૨૮ ટકા મતદારોનું સમર્થન મળ્યું છે. આ યાદીમાં બીજા ક્રમે રહેલા એંગસ કિંગ (તૃતીય) ને ૧૯ ટકા સમર્થન મળ્યું છે, જ્યારે શેન્ના બેલોઝ અને હેન્ના પિંગરી ૧૬ ટકા સાથે ત્રીજા સ્થાને છે. આમ, નીરવ શાહે પોતાના નજીકના પ્રતિસ્પર્ધી કરતા ૯ પોઈન્ટની મજબૂત લીડ મેળવી લીધી છે, જે ચૂંટણીના આખરી દિવસોમાં ખૂબ જ નિર્ણાયક માનવામાં આવે છે.
 
કોરોના કાળના ‘હીરો’ થી ગવર્નર પદના ઉમેદવાર સુધીની સફર
નીરવ શાહ મૈનેના લોકો માટે જાણીતો ચહેરો છે. મૈને સીડીસીના ડિરેક્ટર તરીકે રોગચાળા દરમિયાન તેમણે દરરોજ જાહેર બ્રીફિંગ દ્વારા લોકોને માર્ગદર્શન આપ્યું હતું, જેનાથી તેમને રાજ્યવ્યાપી લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ તેમણે યુએસ સીડીસી (વ્હાઇટ હાઉસ સ્તર) ના મુખ્ય ડેપ્યુટી ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી. હવે તેઓ વર્તમાન ગવર્નર જેનેટ મિલ્સનું સ્થાન લેવા માટે ડેમોક્રેટિક નોમિનેશન મેળવવાની રેસમાં છે.
 
મુખ્ય મુદ્દાઓ: આવાસ, આરોગ્ય અને અર્થતંત્ર
નીરવ શાહનું અભિયાન સામાન્ય લોકોના પ્રશ્નો પર કેન્દ્રિત છે. તેમણે મૈનેના નાગરિકો માટે સસ્તા આવાસ (Affordable Housing), આરોગ્ય સુવિધાઓમાં સુધારો, આર્થિક વૃદ્ધિ અને ખાદ્ય સુરક્ષા જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપી છે. સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું કે, "છેલ્લા છ મહિનામાં હજારો લોકો સાથે મેં સીધો સંવાદ કર્યો છે. હું આ રાજ્યને પ્રેમ કરું છું અને મૈનેના લોકો માટે હંમેશા ઉભો રહીશ."
 
નાણાકીય પીઠબળ અને સમર્થન
ચૂંટણી ફાઇલિંગ મુજબ, નીરવ શાહ પાસે પ્રચાર માટે પૂરતું ભંડોળ પણ ઉપલબ્ધ છે. તેમણે અત્યાર સુધીમાં ૮,૩૦,૦૦૦ ડોલરથી વધુનું ફંડ એકત્ર કર્યું છે. ઉપરાંત, લેવિસ્ટનના મેયર અને અસંખ્ય આરોગ્યસંભાળ કાર્યકરોએ પણ તેમને જાહેર સમર્થન જાહેર કર્યું છે. મૈનેના ડેમોક્રેટિક ગવર્નરની પ્રાથમિક ચૂંટણી ૯ જૂને યોજાવાની છે, જે નક્કી કરશે કે નીરવ શાહ ઈતિહાસ રચશે કે કેમ.
જો નીરવ શાહ આ ચૂંટણી જીતે છે, તો તે મૈને રાજ્યના ઇતિહાસમાં પ્રથમ ભારતીય અમેરિકન ગવર્નર બનીને નવો ઈતિહાસ રચશે.

(7:55 PM IST)