<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

વર્જિનિયામાં ભારતીય મૂળના સુહાસ સુબ્રમણ્‍યમે વિજયધ્‍વજ લહેરાવ્‍યો

ભારે બહુમતી સાથે યુએસ હાઉસમાં ફરી ચૂંટાયા રિપબ્‍લિકન પ્રતિસ્‍પર્ધીને ભારે માર્જિનથી પરાજય આપીને ૧૦મા કોંગ્રેસનલ ડિસ્‍ટ્રિક્‍ટમાં પોતાનું વર્ચસ્‍વ જાળવી રાખ્‍યું

વોશિંગ્‍ટન, તા.૪: અમેરિકાની મધ્‍યવર્તી ચૂંટણીઓમાં ભારતીય મૂળના લોકપ્રિય નેતા અને ડેમોક્રેટિક સાંસદ સુહાસ સુબ્રમણ્‍યમે વર્જિનિયાના ૧૦મા કોંગ્રેસનલ ડિસ્‍ટ્રિક્‍ટમાંથી ભવ્‍ય વિજય મેળવીને પોતાની રાજકીય પકડ વધુ મજબૂત બનાવી છે. તેમણે રિપબ્‍લિકન પાર્ટીના ઉમેદવાર ડેવ ટી. બેકવિથ સામે અત્‍યંત સ્‍પષ્ટ અને મોટું માર્જિન મેળવીને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્‍ટેટિવ્‍સમાં સતત બીજી વખત પ્રવેશ કર્યો છે. વર્જિનિયામાં વધતી જતી રાજકીય રસાકસી વચ્‍ચે સુબ્રમણ્‍યમની આ આંકડાકીય અને નૈતિક જીત ભારતીય-અમેરિકન સમુદાય માટે અત્‍યંત ગૌરવપૂર્ણ ક્ષણ બની રહી છે.

સુબ્રમણ્‍યમનો આ વિજય ચૂંટણીના આંકડાઓમાં પણ સ્‍પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. આ ચૂંટણી જંગમાં તેમણે પોતાના હરીફ ડેવ ટી. બેકવિથ સામે મજબૂત સરસાઈ મેળવીને વિજયી હેટ્રિક જેવો માહોલ ઊભો કર્યો હતો. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર અહેસાન મુજીબ મલિક પણ ચૂંટણી મેદાનમાં હતા, જેઓ ત્રીજા સ્‍થાને રહ્યા હતા. ચૂંટણીમાં સ્‍પષ્ટ જનાદેશ મેળવ્‍યા બાદ સુબ્રમણ્‍યમે મતદારોનો આભાર માન્‍યો હતો અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી બદલ સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો.

મતદાનના દિવસે માનાસાસ ખાતેના મતદાન મથકેથી દેશવાસીઓને સંબોધતા સુબ્રમણ્‍યમે જણાવ્‍યું હતું કે, અમેરિકા અને આપણા સમુદાયમાં જ્‍યારે નફરત અને ભેદભાવનું પ્રમાણ વધી રહ્યું છે, ત્‍યારે દરેક નાગરિકનો મત વધુ નિર્ણાયક બની જાય છે. તેમણે ભારતીય મૂળના નાગરિકોને રાજકારણમાં ડગ માંડવા માટે પ્રેરણા આપતા ઉમેર્યું કે, જો તેઓ પોતે ચૂંટણી લડીને જીતી શકતા હોય તો અન્‍ય યુવાનો પણ આ ક્ષેત્રમાં પોતાનો અવાજ બુલંદ કરી શકે છે. સુબ્રમણ્‍યમ અગાઉ વર્જિનિયા હાઉસ ઓફ ડેલિગેટ્‍સ અને સ્‍ટેટ સેનેટમાં સેવાઓ આપી ચૂકયા છે. તેમની માતા બેંગલુરુથી છે અને પિતા ચેન્નાઈ-સિકંદરાબાદ સાથે સંબંધ ધરાવે છે, જેના કારણે ભારતીય સમુદાય પણ તેમની આ સફળતાને ઉત્‍સાહભેર વધાવી રહ્યો છે.

(3:36 PM IST)