News of Wednesday, 4th November 2026
ફલોરિડામાં શિક્ષિકામાંથી નેતા બનેલાં ભારતીય મૂળનાં પિયા ડાંડિયાની ભવ્ય જીત
ડેમોક્રેટસ માટે અત્યંત મુશ્કેલ ગણાતી ૨૨મી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં રિપબ્લિકન ઉમેદવાર કેસી અસકરને હરાવ્યા

વોશિંગ્ટન, તા.૪: અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીના આજના જાહેર થયેલા પરિણામોમાં ફ્લોરિડા રાજ્યના રાજકારણમાં એક અભૂતપૂર્વ અને યુગપ્રવર્તક મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતીય મૂળના પ્રગતિશીલ મહિલા નેતા અને પૂર્વ શિક્ષિકા પિયા ડાંડિયાએ ફ્લોરિડાની અત્યંત મહત્વપૂર્ણ અને પડકારજનક ૨૨મી કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ બેઠક પર ભવ્ય અને ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતાં પિયાએ પોતાના નજીકના હરીફ, રિપબ્લિકન પક્ષના ઉમેદવાર અને ભૂતપૂર્વ સૈનિક કૅસી અસકરને એક કડક અને રોમાંચક જંગમાં પરાજય આપ્યો છે. પિયા ડાંડિયાએ ૧,૫૧,૯૨૬ મત (૫૧.૯%) પ્રાપ્ત કરીને અમેરિકી સંસદના નીચલા ગળહ એટલે કે પ્રતિનિધિ સભા ની ટિકિટ મેળવીને નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. પિયા ડાંડિયાની આ જીત માત્ર એક રાજકીય સફળતા નથી પણ એક પ્રેરણાદાયી જીવનયાત્રાનું પરિણામ છે. પામ બીચ કાઉન્ટીમાં ભારતીય સ્થળાંતરિત માતા-પિતાના ઘરે જન્મેલાં પિયાએ માત્ર ૨૮ વર્ષની નાની વયે મિડલ સ્કૂલમાં એક સામાન્ય શિક્ષિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે હાર્લેમમાં એક નવી હાઈસ્કૂલની સ્થાપના કરી અને તે શાળામાં સૌથી નાની વયના પ્રિન્સિપાલ બનવાનું બહુમાન મેળવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે અદભુત પ્રદાન આપવા ઉપરાંત તેમણે વ્હાઇટ હાઉસ ફેલો તરીકે સરકારી નીતિઓમાં અને વૈશ્વિક ટેકનોલોજી કંપની એપલમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળીને ખાનગી ક્ષેત્રે પોતાની બહુમુખી પ્રતિભા સાબિત કરી છે.
પોતાના વિદ્યાર્થીઓ અને પોતાના પુત્રના શ્રેષ્ઠ ભવિષ્યનું સ્વપ્ન લઈને રાજકારણમાં ડગ માંડનારાં પિયા ડાંડિયાએ ચૂંટણી પ્રચાર દરમિયાન સામાન્ય નાગરિકોને સ્પર્શતા મુદ્દાઓને કેન્દ્રમાં રાખ્યા હતા. તેમણે મોંઘવારી ઘટાડવા, સાર્વત્રિક આરોગ્ય સંભાળ, સોશિયલ સિકયોરિટી અને ભૂતપૂર્વ સૈનિકો માટેના કલ્યાણકારી સહાય યોજનાઓને મજબૂત બનાવવાનું વચન આપ્યું હતું. આ મિડ-ટર્મ ચૂંટણીમાં ભારતીય મૂળના અનેક નેતાઓ ચમકી રહ્યા છે, જેમાં વિવેક રામાસ્વામી અને ડૉ. અમીશ શાહ જેવા નામ પણ ચર્ચામાં છે, પરંતુ ફ્લોરિડામાં પિયા ડાંડિયાની આ જીતે ભારતીય-અમેરિકન સમુદાયનું શિર ગૌરવથી વધુ ઊંચું કરી દીધું છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
