<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

જીવના જોખમે બહાદુરીપૂર્વક, દુબઈથી ઇઝરાયલ જતી ફ્લાઇટ બચાવનાર ભારતીય પાઇલટ સ્મિત મચ્છરના સન્માનમાં અમેરિકી સંસદમાં ઠરાવ

કોકપિટમાં ઘાાતક હુમલો થવા છતાં મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને અમેરિકાની સલામ

દુબઈથી ઇઝરાયલ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બનેલી ગંભીર ઘટના બાદ ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ રહી છે. અમેરિકી પ્રતિનિધિ સભામાં કેપ્ટન મચ્છર, ક્રૂ અને મુસાફરોની હિંમતને સન્માનિત કરતો ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. સત્તાવાર રેકોર્ડ મુજબ આ ઠરાવ પાંચ ઓક્ટોબરે રજૂ થયા બાદ વિદેશ બાબતોની સમિતિને મોકલવામાં આવ્યો છે.
ઠરાવમાં જણાવાયું છે કે ત્રીસ સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટમાં અંદાજે એકસો ચુંમોતેર મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગના ઇઝરાયેલી નાગરિકો, ચાર અમેરિકી નાગરિકો અને સત્તાવીસ બાળકોનો સમાવેશ થતો હતો. ઉડાન દરમિયાન ફર્સ્ટ ઓફિસરે કોકપિટમાં કેપ્ટન પર વિમાનની ઇમરજન્સી કુહાડીથી હુમલો કર્યો અને વિમાનનું નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ઘાયલ અવસ્થામાં પણ કેપ્ટન સ્મિત મચ્છરે કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી, જેથી ઓફ-ડ્યુટી પાઇલટો, ક્રૂ અને મુસાફરોની મદદ મળી શકી. ઠરાવમાં ઉલ્લેખ છે કે વિમાન ખૂબ ઓછી વારમાં ચૌદ હજાર ફૂટથી વધુ નીચે આવ્યું હતું, છતાં અંતે સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત ઉતારવામાં આવ્યું અને તમામ મુસાફરો તથા ક્રૂ બચી ગયા.
ઠરાવમાં આ ઘટનાને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન પર આતંકવાદી હુમલાનો પ્રયાસ ગણાવી નિંદા કરવામાં આવી છે. કેપ્ટન મચ્છર અને અન્ય ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત તરફથી ઝડપી અને સંપૂર્ણ તપાસ થાય તથા અમેરિકા અને ઇઝરાયલને તપાસથી માહિતગાર રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

(11:15 PM IST)