News of Saturday, 11th July 2026
₹13 લાખ કરોડના વૈશ્વિક માર્કેટ પર ભારતીય વિદ્યાર્થીઓનો કબ્જો: જે કામ દુનિયાના વિજ્ઞાનીઓ ન કરી શક્યા તે દેશની યુનિવર્સિટીઓએ કરી બતાવ્યું!
ચીન અને પશ્ચિમી દેશોની સેમિકન્ડક્ટર મોનોપોલી તોડવા માટે ભારતના યુવા મગજોએ કમર કસી; 315થી વધુ યુનિવર્સિટીઓમાં રાત-દિવસ ડિઝાઈન થઈ રહી છે અતિ-આધુનિક ચિપ્સ અને મોહાલીની લેબોરેટરીમાં તેનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું

નવી દિલ્હી: ભારતને ટેકનોલોજીના ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક એવો ઐતિહાસિક સીમાચિહ્ન સર થયો છે, જેણે વૈશ્વિક સ્તરે હલચલ મચાવી દીધી છે. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સનસનાટીભર્યો ખુલાસો કરતા જણાવ્યું છે કે, જે સેમિકન્ડક્ટર (ચિપ) ટેકનોલોજી વિકસાવવા માટે દુનિયાભરના અગ્રણી વિજ્ઞાનીઓ વર્ષોથી માથા પટકી રહ્યા છે, તે અશક્ય લાગતું કામ હવે ભારતના સામાન્ય વિદ્યાર્થીઓએ કરી બતાવ્યું છે. દેશમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની વધતી માંગને કારણે અત્યાર સુધી કરોડો રૂપિયાની ચિપ્સ વિદેશથી આયાત કરવી પડતી હતી, પરંતુ હવે દેશની 315થી વધુ યુનિવર્સિટીઓના હજારો વિદ્યાર્થીઓ સ્વદેશી સેમિકન્ડક્ટર ડિઝાઈન પર કામ કરી રહ્યા છે. આ કોઈ સામાન્ય પ્રોજેક્ટ નથી, પરંતુ ₹13 લાખ કરોડથી વધુના ટર્નઓવર ધરાવતા વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ભારતનો દબદબો સ્થાપિત કરનારી એક ક્રાંતિ છે.
આ સરકારી અભિયાન માત્ર કાગળ પર નથી, પરંતુ જમીની સ્તરે તેના પરિણામો દેખાવા લાગ્યા છે. ઈલેક્ટ્રોનિક ડિઝાઈન ઓટોમેશન હેઠળ શરૂ કરાયેલા 'ચિપ ટુ સ્ટાર્ટઅપ' પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી આ ચિપ્સનું મોહાલી સ્થિત પ્રતિષ્ઠિત સેમિકન્ડક્ટર લેબોરેટરી (SCL) ખાતે વાસ્તવિક ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ મોહાલી લેબની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, જુદી જુદી 17 શૈક્ષણિક સંસ્થાઓના તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઈન કરાયેલી 56 ચિપ્સના પ્રોડક્શન પર હાલમાં પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે આ મોહાલી લેબોરેટરીને દુનિયાની શ્રેષ્ઠ લેબ બનાવવા અને તેને સંપૂર્ણ આધુનિક મશીનરીથી સજ્જ કરવા માટે ₹4,500 કરોડના તોતિંગ ભંડોળની મંજૂરી પણ આપી દીધી છે, જેથી વિદ્યાર્થીઓને ડિઝાઈનિંગથી લઈને ટેસ્ટિંગ સુધીનો લાઈવ અનુભવ મળી શકે.
ભારત વર્ષ 2047 સુધીમાં વૈશ્વિક ટેકનોલોજી સુપરપાવર બનવાના રોડમેપ સાથે આગળ વધી રહ્યું છે, જેમાં (AI) અને સેમિકન્ડક્ટર્સ સૌથી મોટા હથિયાર સાબિત થશે. હાલમાં ભારતનું ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્ર ₹13 લાખ કરોડના આંકને વટાવી ચૂક્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોબાઈલ ફોન ભારતની સૌથી મોટી સિંગલ નિકાસ પ્રોડક્ટ બની ગઈ છે. આ વેગને જાળવી રાખવા માટે સરકારે IIT હૈદરાબાદ ખાતે એક વિશેષ 'ડેટા ટ્રસ્ટ' પાયલોટ પ્રોજેક્ટ પ્રસ્તાવિત કર્યો છે, જે આપણા સંશોધકો અને સ્ટાર્ટઅપ્સને ભારતીય ડેટા સુરક્ષિત રીતે એક્સેસ કરવાની સુવિધા આપશે. કેન્દ્રીય મંત્રીએ દેશના આઈટી ઉદ્યોગોને પણ અપીલ કરી છે કે તેઓ કોલેજો સાથે સીધો સમન્વય સાધીને માર્કેટની જરૂરિયાતો મુજબનો જ અભ્યાસક્રમ તૈયાર કરે, જેથી ભારતીય યુવા ધન વૈશ્વિક ટેકનોલોજી લીડર તરીકે ઉભરી આવે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
