<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

કેનેડામાં ભારતીય પ્રતિભાનો ડંકો: ચાર ભારતીય મૂળના સામાજિક કાર્યકરોને પ્રતિષ્ઠિત ‘વોલેન્ટિયર એવોર્ડ’થી નવાજવામાં આવ્યા

ભરત રુદ્ર સહિતના વિજેતાઓએ માનવતાની મહેક ફેલાવી; પરોપકારી કાર્યો માટે પસંદગીની સંસ્થાઓને $10,000 સુધીની ગ્રાન્ટ એનાયત કરાશે

ઓટ્ટાવા: કેનેડાની ધરતી પર ભારતીયોએ માત્ર વેપાર-ધંધામાં જ નહીં, પરંતુ સામાજિક સેવા અને પરોપકારમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ૨૨ એપ્રિલના રોજ કેનેડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ‘કેનેડા સ્વયંસેવક પુરસ્કારો’માં ભારતીય મૂળના ચાર સામાજિક કાર્યકરોએ બાજી મારી છે. આ એવોર્ડ વિજેતાઓને તેમની પસંદગીની બિન-નફાકારક સંસ્થાઓને $2,500 થી $10,000 (આશરે 8.30 લાખ રૂપિયા સુધી) ની ગ્રાન્ટ આપવાની તક પણ મળશે.
ભરત રુદ્ર: ઉદ્યોગસાહસિકતાના પ્રણેતા
ઓટ્ટાવાના ભરત રુદ્ર ૧૯ પુરસ્કાર વિજેતાઓની યાદીમાં ટોચ પર રહ્યા છે. છેલ્લા ૨૦ વર્ષથી તેઓ પોતાની નેતૃત્વ કુશળતા દ્વારા સેવાનું કાર્ય કરી રહ્યા છે. ‘ધ ઇન્ડસ એન્ટરપ્રેન્યોર’ (TiE) ઓટ્ટાવાના સહ-સ્થાપક તરીકે તેમણે ૧,૦૦૦થી વધુ લોકોને ઉદ્યોગસાહસિક બનાવવામાં માર્ગદર્શન આપ્યું છે. ખાસ કરીને ટેલિકોમ સેક્ટરમાં નોકરી ગુમાવનારા વ્યાવસાયિકો માટે તેઓ આશાનું કિરણ બન્યા હતા.
ડૉ. રાજ ખાનુજા: મફત ડેન્ટલ સેવાનો યજ્ઞ
ઓન્ટારિયોના જાણીતા ડેન્ટલ સર્જન ડૉ. રાજ ખાનુજાએ જોયું કે વીમો ન હોવાને કારણે ઘણા ગરીબ લોકો દાંતની સારવાર કરાવી શકતા નથી. આ માટે તેમણે "ડુઇંગ પોઝિટિવ ઇન માય બેકયાર્ડ" નામની પહેલ શરૂ કરી. તેઓ પોતાનો સમય અને સાધનો દાન આપીને નિઃશુલ્ક સફાઈ, ફિલિંગ અને અન્ય ડેન્ટલ સેવાઓ પૂરી પાડે છે, જેણે સેંકડો જરૂરિયાતમંદોને રાહત આપી છે.
શિવેન તનેજા અને અમનદીપ બોપરાઈ: યુવા શક્તિનો પરચો
•    શિવેન તનેજા (ઓન્ટારિયો): કોવિડ-૧૯ દરમિયાન શિવેને હવામાંથી વાયરસ દૂર કરતા DIY એર ક્લીનર (CR બોક્સ) બનાવીને વૃદ્ધોના સ્વાસ્થ્યની રક્ષા કરી હતી. તેમણે આ ટેકનોલોજી ઓછા ખર્ચે સામાન્ય લોકો સુધી પહોંચાડી.
•    અમનદીપ બોપરાઈ (બ્રિટિશ કોલંબિયા): SPARK ફાઉન્ડેશનના ચીફ તરીકે અમનદીપે ૫,૦૦૦થી વધુ યુવાનોમાં આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણો વિકસાવવાનું કામ કર્યું છે.
કેનેડાના મંત્રી પેટી હાજડુએ આ વિજેતાઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, "આ સ્વયંસેવકો કેનેડિયનોના જીવનમાં મોટું પરિવર્તન લાવી રહ્યા છે. તેમનું સમર્પણ દર્શાવે છે કે સાચો કેનેડિયન હોવાનો અર્થ શું છે." આ પુરસ્કારો માનસિક સ્વાસ્થ્ય, વિવિધતા અને ગરીબ પરિવારોને મદદ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવ્યા છે.

(6:32 PM IST)