તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
ગ્લોબલ સ્ટેજ પર ભારતીય પ્રતિભાનો દબદબો: TIME 2026 ના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં 5 ભારતીય-અમેરિકનોએ મારી બાજી!
સુંદર પિચાઈથી લઈ વિકાસ ખન્ના સુધીના દિગ્ગજોએ મેળવ્યું સ્થાન; બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય અભિનેતા બન્યા.

ન્યૂયોર્ક, તા. 16: વિશ્વના સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી વ્યક્તિઓની ઓળખ આપતી TIME 100 ની 2026 ની યાદી જાહેર થઈ ગઈ છે. આ વર્ષે ફરી એકવાર ભારતીય મૂળના પ્રતિભાશાળી વ્યક્તિઓએ સાબિત કરી દીધું છે કે ટેકનોલોજી, વિજ્ઞાન, રાજકારણ અને કળાના ક્ષેત્રમાં તેમનો કોઈ પર્યાય નથી. આ પ્રતિષ્ઠિત યાદીમાં પાંચ ભારતીય-અમેરિકનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ આજે વૈશ્વિક સ્તરે મોટા પરિવર્તનોના પ્રણેતા બન્યા છે.
ટેક-જગતના બે 'મોટા' માથાઓનો સમાવેશ
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને 'ટાટઈન્સ' શ્રેણીમાં સ્થાન મળ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં 'જેમિની' જેવા ટૂલ્સ દ્વારા ગૂગલને નવી ઊંચાઈએ લઈ જવા અને AI ને અબજો લોકોના હાથ સુધી પહોંચાડવા બદલ તેમની પ્રશંસા કરવામાં આવી છે. તેમની સાથે જ યુટ્યુબ (YouTube) ના સીઈઓ નીલ મોહનને પણ 'ઇનોવેટર્સ' શ્રેણીમાં સ્થાન મળ્યું છે. નીલ મોહનના નેતૃત્વમાં યુટ્યુબ આજે માત્ર વીડિયો પ્લેટફોર્મ મટીને મનોરંજન અને લાઈવ સ્પોર્ટ્સનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે.
રસોઈ કળા અને વિજ્ઞાનનો અનોખો સંગમ
વિખ્યાત શેફ વિકાસ ખન્નાને તેમના રાંધણ કૌશલ્ય અને માનવતાવાદી કાર્યો માટે ઓળખવામાં આવ્યા છે. TIME મેગેઝિને નોંધ્યું છે કે વિકાસ ખન્ના માત્ર સ્વાદિષ્ટ વાનગીઓ જ નથી બનાવતા, પણ ખોરાકના માધ્યમથી સંસ્કૃતિ અને વારસાની વાર્તાઓ વિશ્વને કહે છે. બીજી તરફ, મેડિકલ ક્ષેત્રે કાર્ડિયોલોજિસ્ટ કિરણ મુસુનુરુને 'પાયોનિયર્સ' શ્રેણીમાં સ્થાન મળ્યું છે. જનીન-સંપાદન (Gene-editing) દ્વારા હૃદય રોગની સારવારમાં તેમના સંશોધનો તબીબી વિજ્ઞાનમાં ક્રાંતિ લાવી રહ્યા છે.
રાજકારણ અને બોલિવૂડનો તડકો
ન્યુ યોર્ક સિટીના મેયર ઝોહરાન મામદાનીને 'લીડર્સ' કેટેગરીમાં સ્થાન મળ્યું છે. પાયાના સ્તરેથી રાજકારણમાં ઉતરેલા મામદાની મફત બસ સેવા અને બાળ સંભાળ જેવી જનહિતની નીતિઓ માટે જાણીતા બન્યા છે. આ યાદીમાં ભારતથી જે એકમાત્ર મોટું નામ સામે આવ્યું છે, તે છે અભિનેતા રણબીર કપૂર. ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવા અને તેની સાંસ્કૃતિક પહોંચ બદલ રણબીરને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
TIME ના મુખ્ય સંપાદક સેમ જેકોબ્સે જણાવ્યું કે, આ યાદી એવા લોકોની છે જેમણે પોતાના ક્ષેત્રમાં સીમાચિહ્નો સ્થાપ્યા છે અને જેમના નિર્ણયોથી દુનિયાના અબજો લોકોના જીવન પર અસર પડે છે.
ગૌરવની ક્ષણ: 2026 ની આ યાદી દર્શાવે છે કે ભારત અને ભારતીય મૂળના લોકો આજે માત્ર કામદાર નથી, પણ દુનિયાના ભવિષ્યને આકાર આપનારા 'ડિઝાઇનર્સ' છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
