તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
ભારતીય મહિલા ક્રિકેટની 'કેપ્ટન કૂલ' હરમનપ્રીત કૌરને પદ્મશ્રી સન્માન: વર્લ્ડ કપ વિજય સાથે ઇતિહાસ રચનાર કેપ્ટનનું રાષ્ટ્રપતિ ભવનમાં ગૌરવશાળી સન્માન!
વિશ્વકપમાં ભારતનો ડંકો વગાડનાર હરમનપ્રીત કૌરને મળ્યું રાષ્ટ્રીય ગૌરવ: ભારતીય મહિલા ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જનાર કેપ્ટનનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સન્માન.

નવી દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ જગત માટે આજે ગૌરવવંતો દિવસ રહ્યો. નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ભવ્ય નાગરિક સન્માન સમારોહમાં, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રતિષ્ઠિત 'પદ્મશ્રી' એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. વર્ષ 2025માં ભારતને પ્રથમ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ અપાવીને દેશનું નામ રોશન કરનાર હરમનપ્રીત કૌર માટે આ સન્માન તેમની અદભૂત કારકિર્દીનું એક શિખર સમાન છે.
આ સિદ્ધિ સાથે હરમનપ્રીત કૌર વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કેપ્ટન બની છે. એમ.એસ. ધોની બાદ ઘરઆંગણે વર્લ્ડ કપ જીતનારી તે ભારતની બીજી કેપ્ટન છે, જેણે નવી મુંબઈ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની ઐતિહાસિક ફાઇનલમાં ભારતને વિજય અપાવ્યો હતો. હરમનપ્રીતનું નેતૃત્વ અને મેદાન પરની તેમની આક્રમક રમત માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પ્રશંસા પામી છે.
હરમનપ્રીતના આંતરરાષ્ટ્રીય આંકડાઓ તેમની સફળતાની સાક્ષી પૂરે છે. તેમણે ભારત માટે અત્યાર સુધી 164 વનડે મેચમાં 4,541 રન બનાવ્યા છે, જેમાં સાત શાનદાર સદી અને 24 અડધી સદીઓનો સમાવેશ થાય છે. ટી-20 ફોર્મેટમાં પણ તેમનું પ્રભુત્વ અકબંધ છે, જ્યાં તેમણે 195 મેચોમાં એક સદી અને 16 અડધી સદી સાથે 3,991 રન ફટકાર્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ તેમણે પોતાની ઉપયોગીતા સાબિત કરી છે.
આ સમારોહમાં માત્ર હરમનપ્રીત જ નહીં, પરંતુ રમતગમત જગતના અનેક દિગ્ગજોનું સન્માન કરવામાં આવ્યું હતું. પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા, પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રવીણ કુમાર અને હોકીની દીવાલ ગણાતી સવિતા પુનિયાને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત વિજય અમૃતરાજને પદ્મ ભૂષણ અને અન્ય રમતવીરોને તેમના અમૂલ્ય યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. હરમનપ્રીત કૌરનું આ સન્માન માત્ર તેમનું અંગત નથી, પરંતુ ભારતીય મહિલા ક્રિકેટના વધતા જતા પ્રભુત્વ અને મહિલા સશક્તિકરણનું પણ પ્રતીક છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
