તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
ઇઝરાયેલમાં એક ભારતીય કામદારનો લોહીથી લથબથ મૃતદેહ મળ્યો
પ્રાથમિક તપાસમાં ભારતીય કામદારની હત્યાની શંકા: પોલીસે એક ઇઝરાયેલી નાગરિકની ધરપકડ કરી

ઇઝરાયેલમાં એક ભારતીય કામદારનો મૃતદેહ મળ્યો છે. મૃતક ભારતમાંથી કામ કરવા માટે ઇઝરાયેલ ગયો હતો, જેનો લોહીથી લથપથ મૃતદેહ યરુશલેમના કટામોન વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. પોલીસને પોતાની પ્રાથમિક તપાસમાં ભારતીય કામદારની હત્યાની શંકા છે. આ મામલે પોલીસે એક ઇઝરાયેલી નાગરિકની ધરપકડ કરી છે.
આ ઘટનાથી ઇઝરાયેલમાં કામ કરી રહેલા અથવા ત્યાં જવાની તૈયારી કરી રહેલા ભારતીયોની સુરક્ષા અંગેની ચિંતાઓ વધી છે. તાજેતરના વર્ષોમાં ભારત અને ઇઝરાયેલ વચ્ચે એવા કરારો થયા છે, જેના કારણે ભારતીય કામદારો માટે ત્યાં રોજગારના અવસર ખુલ્યા છે.
‘ટાઇમ્સ ઑફ ઇઝરાયેલ’એ પોલીસના હવાલાથી જણાવ્યું છે કે 40 વર્ષીય ભારતીય કામદારનો મૃતદેહ ઘરના ફ્લોર પર લોહીથી લથપથ હાલતમાં મળ્યો હતો. મોરિયાહ સ્ટેશનના પ્રમુખ યુવલ રૂવેનએ જણાવ્યું કે જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે મૃતદેહની આસપાસ મોટી માત્રામાં લોહી ફેલાયેલું હતું.
ઇઝરાયેલી પોલીસ અધિકારીઓએ મૃતકની ઓળખ જાહેર કરી નથી. પોલીસે જણાવ્યું છે કે ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે મૃત્યુનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે પોલીસને શંકા છે કે તેની હત્યા કરવામાં આવી છે.
ઇઝરાયેલી વેબસાઇટ વાયનેટે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે પોલીસની તપાસથી આ મૃત્યુ પાછળ ગુનાહિત પૃષ્ઠભૂમિના સંકેતો મળી રહ્યા છે. આ ગુનામાં સંડોવણીની શંકાના આધારે દક્ષિણના શહેર ઇલાતમાંથી 31 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ ચાલી રહી છે.
ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો તાજેતરના વર્ષોમાં વધુ મજબૂત બન્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયના આંકડા મુજબ ઓક્ટોબર 2024 સુધીમાં ઇઝરાયેલમાં અંદાજે 32,000 ભારતીય કામદારો વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત હતા. આગામી પાંચ વર્ષમાં વધુ 50,000 ભારતીય કામદારો ઇઝરાયેલ જઈ શકે છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
