News of Tuesday, 25th August 2026
MBBS કરવા રશિયા ગયો ભારતીય યુવક, જોઈને લટ્ટુ થઈ ગઈ રશિયન યુવતી, ડોક્ટરની જગ્યાએ બની ગયો પતિ
ગજબ કિસ્મત સોશિયલ મીડિયા પર હાલ એક લવ સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે આ સ્ટોરી ભારતના અમનની છે

મોસ્કો તા.૨૫: ભારતથી રશિયા MBBS કરવા ગયેલા યુવક અમનની જિદગી યુદ્ધને કારણે સંપૂર્ણપણે બદલાઈ ગઈ. તેનું સપનું ડોક્ટર બનવાનું અને પરિવારની આશાઓ પૂરી કરવાનું હતું, પરંતુ રશિયા-યુક્રેન સંઘર્ષે બધું જ બદલી નાખ્યું. આ દરમિયાન તે હોસ્ટેલમાં ફસાઈ ગયો હતો, પૈસા ખતમ થઈ ગયા અને ત્યારે તેની પ્રોફેસર નતાલિયાએ અણધારી રીતે તેની મદદ કરી હતી.
આ મદદ પ્રેમમાં બદલાઈ ગઈ. ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા અને આજે તેઓ સાથે મળીને સારવાર કેન્દ્ર ચલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ સ્ટોરી ઝડપથી વાયરલ થઈ રહી છે. જોકે, આ સ્ટોરી સાચી છે કે ખોટી તે જાણી શકાયું નથી, પરંતુ આ કિસ્સો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
અમનનું સપનું સ્પષ્ટ હતું. પરિવાર આર્થિક રીતે નબળો હતો, પરંતુ પુત્રને ડોક્ટર બનાવવાની ઈચ્છા હતી. ભારતમાં તબીબી શિક્ષણની બેઠકો મોંઘી હોવાની સાથે સ્પર્ધા પણ વધુ હોવાથી ઘણા વિદ્યાર્થીઓ રશિયા જેવા દેશો તરફ વળે છે. અમન પણ એ જ રસ્તે ગયો હતો. અભ્યાસ સારો ચાલી રહ્યો હતો, પરંતુ જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે વિદેશી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી ગઈ. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ પરત ફર્યા, જ્યારે કેટલાક ફસાઈ ગયા હતા. અમન પણ હોસ્ટેલમાં જાણે કેદ થઈ ગયો હતો. ખાવા-પીવાની વ્યવસ્થા બગડી ગઈ અને પૈસા પણ ખતમ થવા લાગ્યા હતા. આ મુશ્કેલ સમયમાં તેની પ્રોફેસર નતાલિયા આગળ આવી.
સ્ટોરી મુજબ, નતાલિયા છૂટાછેડા લઈ ચૂકી હતી. તેમણે અમનને જમવાનું, સુરક્ષિત જગ્યા અને આનાથી વિશેષ સંકટના સમયે તેનો સાથ આપ્યો હતો. શરૂઆતમાં આ માત્ર મદદ હતી. ધીમે-ધીમે વાતચીત વધી, વિશ્વાસ બંધાયો અને પછી પ્રેમ પાંગર્યો. યુદ્ધ જેવી ભયાનક પરિસ્થિતિમાં બે અલગ-અલગ સંસ્કૃતિના લોકો વચ્ચે આ સંબંધ વધુ ગાઢ બનતો ગયો અને અંતે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
સાંસ્કૃતિક તફાવત, ભાષાની અડચણ અને પરિવારની ચિતાઓ છતાં બંનેએ સાથે રહેવાનો માર્ગ પસંદ કર્યો હતો. આજે તેઓ ખુશીથી જીવન પસાર કરી રહ્યા છે અને પોતાના ટ્રીટમેન્ટ સેન્ટરમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. અમન ડોક્ટર બન્યો અને નતાલિયા પણ આ કામમાં તેની સાથે જોડાયેલી રહી. ડોક્ટર બનવાનું સપનું તો પૂરું થયું જ, પરંતુ સાથે જીવનસાથી પણ મળી ગયો. આ લવ સ્ટોરી ઇન્સ્ટાગ્રામ અને અન્ય માધ્યમો પર શેર કરવામાં આવી રહી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે અમન માત્ર કારકિર્દી બનાવવા ગયો હતો, જીવનસાથી શોધવા નહીં, પરંતુ યુદ્ધે બધું બદલી નાખ્યું.
લોકોની પ્રતિક્રિયાઓ અલગ-અલગ છે. ઘણા લોકો આ સ્ટોરીને રોમેન્ટિક અને પ્રેરણાદાયક ગણાવી રહ્યા છે. કોમેન્ટમાં 'પ્રેમને કોઈ સીમા નથી' અને 'આપત્તિમાં તક' જેવા શબ્દો લખવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોએ મજાકમાં કહ્યું કે, આ રશિયાની નાગરિકતા મેળવવાનો સરળ રસ્તો છે. કેટલાક લોકોએ સાંસ્કૃતિક પાસાઓ પર પણ ચર્ચા કરી હતી. રશિયામાં અભ્યાસ કરતા અને ત્યાં લગ્ન કરતા ભારતીય વિદ્યાર્થીઓની આવી ઘણી સ્ટોરીઓ અગાઉ પણ સામે આવી છે. કેટલાક યુગલો ભારત પરત ફર્યા, જ્યારે કેટલાક ત્યાં જ સ્થાયી થઈ ગયા.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
