<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર: "જે દેશ પોતાના જ સૈનિકોના લાશ છોડી ભાગ્યો, તે આજે આપણને ધાર્મિક સ્વતંત્રતાના પાઠ ભણાવે છે!"

કારગિલ યુદ્ધની કડવી યાદો તાજી કરાવીને ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર બેનકાબ કર્યું

નવી દિલ્હી,  તા. 23: સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતે આતંકવાદને ખુલ્લેઆમ સમર્થન આપવા અને લઘુમતીઓ પર અત્યાચાર ગુજારવા બદલ પાકિસ્તાનને આડે હાથ લીધું છે. યુએનમાં ભારતની પ્રથમ સચિવ ભાવિકા મંગલાનંદને પાકિસ્તાનને અરીસો બતાવતા 1999ના કારગિલ યુદ્ધની એક શરમજનક યાદ અપાવી હતી. તેમણે સવાલો ઉઠાવ્યા હતા કે જે દેશે યુદ્ધ દરમિયાન પોતાના જ માર્યા ગયેલા સૈનિકોના મૃતદેહો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો, તે આજે ભારતને ધાર્મિક આસ્થા, માનવાધિકારો અને અંતિમ સંસ્કારના અધિકારો પર ઉપદેશ આપી રહ્યો છે.

ભાવિકા મંગલાનંદને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારતીય સેનાએ તે સમયે પણ માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા અનેક પાકિસ્તાની સૈનિકોને લશ્કરી સન્માન સાથે અને ઇસ્લામિક રીતિ-રિવાજો મુજબ દફનાવ્યા હતા. પોતાના આ શક્તિશાળી નિવેદન દ્વારા ભારતે પાકિસ્તાનના દંભી ચહેરાને દુનિયા સામે ખુલ્લો પાડ્યો છે.

આતંકવાદ અને પીડિતોના અધિકારો પર સવાલ સંબોધન દરમિયાન મંગલાનંદને પાકિસ્તાનમાં પનાહ લેતા આતંકવાદીઓની ગતિવિધિઓ અને તેમના અંતિમ સંસ્કારની પદ્ધતિઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આતંકવાદીઓ માત્ર નિર્દોષ લોકોના જીવ જ નથી લેતા, પરંતુ સમગ્ર દેશની માનસિકતાને પણ નુકસાન પહોંચાડે છે. જ્યારે પણ આતંકવાદીઓના અધિકારોની વકીલાત કરવામાં આવે, ત્યારે તે નિર્દોષ પીડિતોના અધિકારોને પણ પ્રાથમિકતા આપવી જોઈએ જેઓ આતંકવાદી હુમલાઓમાં જીવ ગુમાવે છે.

જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ડાબા હાથે જવાબ ભારતે જમ્મુ-કાશ્મીર અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી વાહિયાત ટિપ્પણીઓને સદંતર ફગાવી દીધી હતી. ભારતીય રાજદ્વારીએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે તે ભારતના આંતરિક બાબતો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર પર ધ્યાન આપવાને બદલે પોતાના ગેરકાયદે કબજા હેઠળના વિસ્તારો (POK)માં થઈ રહેલા માનવાધિકારના ભંગ પર ધ્યાન કેન્દ્રિત કરે.

"જે દેશ લઘુમતીઓની સુરક્ષા ન કરી શકે, તેને બોલવાનો અધિકાર નથી" પોતાના સંબોધનના અંતમાં પાકિસ્તાનમાં લઘુમતીઓની દયનીય સ્થિતિનો ઉલ્લેખ કરતા ભાવિકા મંગલાનંદને કડક સંદેશ આપ્યો હતો કે, "જે દેશ પોતાના જ દેશની અંદર લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત નથી કરી શકતો, તેને ભારત જેવા લોકશાહી દેશને ઉપદેશ આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી."

(4:25 PM IST)