તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે ભારતનો ખેડૂતહિતમાં મોટો નિર્ણય: આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવા યુરિયા અને DAP નો પુરવઠો ઝડપથી વધારાયો
ચીન પર નિર્ભરતા ઘટાડી રશિયા, સાઉદી અને જર્મની સાથે કરાયા લાંબા ગાળાના કરાર; દેશમાં ખાતરની અછત પૂરી કરવા સરકાર એક્શન મોડમાં

નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઇનમાં સર્જાયેલા ભારે વિઘ્નો અને જીઓપોલિટિકલ તણાવ વચ્ચે ભારતે દેશના ખેડૂતો માટે યુરિયા અને DAP (ડાય-એમોનિયમ ફોસ્ફેટ) ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવા અત્યંત ઝડપી અને આક્રમક પગલાં લીધા છે. લોકસભામાં એક લેખિત જવાબ આપતાં કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન) ભારતે ૨૫.૦૮ લાખ ટન યુરિયા અને ૭.૧૧ લાખ ટન DAP ની સફળતાપૂર્વક આયાત કરી છે.
પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશી ઉત્પાદન અને આયાતનો સંગમ
સરકારી આંકડા અનુસાર, આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં દેશમાં કુલ ૧૧૫.૭૨ લાખ ટન ખાતરનું ઉત્પાદન થયું છે, જેમાં ૭૧.૫૫ લાખ ટન યુરિયા અને ૯.૮૪ લાખ ટન DAP નો સમાવેશ થાય છે.
ગયા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ભારતે કુલ ૫૧૭.૭૪ લાખ ટન ખાતરનું સ્થાનિક ઉત્પાદન કર્યું હતું, જ્યારે ૧૦૩.૫૦ લાખ ટન યુરિયા અને ૬૧.૯૪ લાખ ટન DAP ની આયાત કરી હતી.
ચીનનો દાવ નિષ્ફળ: વૈકલ્પિક સપ્લાયર્સ સાથે ભાગીદારી
ચીને ભારત તરફ વિશેષ ખાતરોની નિકાસ અટકાવી દેતાં ભારતે મુત્સદ્દીગીરી વાપરીને ચીન પરની નિર્ભરતા ત્વરિત ઘટાડી દીધી છે. ખાતર વિભાગે વિદેશી ભારતીય મિશનો સાથે મળીને બેલ્જિયમ, ઇજિપ્ત, જર્મની, મોરોક્કો અને યુએસએ જેવા વિકલ્પો શોધી કાઢ્યા છે.
વૈશ્વિક દિગ્ગજો સાથે લાંબા ગાળાના કરાર (LTA)
ખાતરનો અવિરત પુરવઠો ચાલુ રાખવા માટે ભારતીય ખાતર કંપનીઓએ આંતરરાષ્ટ્રીય સપ્લાયર્સ સાથે મહત્વપૂર્ણ કરારો કર્યા છે:
• સાઉદી અરેબિયા: વાર્ષિક આશરે ૩૧ લાખ ટન DAP મેળવવા માટે સાઉદી કંપનીઓ સાથે કરાર.
• રશિયા: આ વર્ષે આશરે ૨૬.૫૦ લાખ ટન DAP/NPK માટે રશિયન સપ્લાયર્સ સાથે ભાગીદારી.
• MOP (પોટાશ): રશિયા, જર્મની અને તુર્કમેનિસ્તાન પાસેથી ૪.૮૦ લાખ ટન પોટાશ આયાત કરવા માટે સોદા આખરી કરાયા.
આ વ્યૂહાત્મક પગલાંને કારણે દેશભરના ખેડૂતોને વાવણીની ઋતુમાં ખાતરની કોઈ અછતનો સામનો કરવો પડશે નહીં.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
