<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

બ્લુ ઈકોનોમીમાં ભારતની મોટી છલાંગ: જહાજ સમારકામ ક્ષેત્રે UAE સાથે મિશન મોડ પર ભાગીદારી, કોચી બનશે ગ્લોબલ મેરીટાઈમ હબ!

કોચીન શિપયાર્ડ અને દુબઈના ડ્રાયડોક્સ વર્લ્ડ વચ્ચે ૫૦:૫૦નું ઐતિહાસિક સંયુક્ત સાહસ; ડોલરમાં કમાણી વધશે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતનું પ્રભુત્વ મજબૂત થશે

નવી દિલ્હી : દરિયાઈ ક્ષેત્રે (Maritime Sector) પોતાના પગપેસારાને વધુ મજબૂત કરવા અને દેશની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ભારતે સંયુક્ત અરબ અમીરાત (UAE) સાથે મળીને એક અતિ મહત્વપૂર્ણ ડગલું ભર્યું છે. ભારત અને યુએઈ વચ્ચે રચાયેલા એક નવા સંયુક્ત સાહસ (Joint Venture) હેઠળ કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) અને દુબઈ સ્થિત પ્રસિદ્ધ 'ડ્રાયડોક્સ વર્લ્ડ' વચ્ચે ૫૦:૫૦ ની ભાગીદારી સાથે કોચી ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરની જહાજ સમારકામ (Ship Repair) ઈકોસિસ્ટમ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ગ્લોબલ પાર્ટનરશિપથી ભારતની દરિયાઈ અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે અને ડોલરમાં વિદેશી હૂંડિયામણની કમાણી થશે.

 

આ સંયુક્ત સાહસનો મુખ્ય ઉદ્દેશ્ય કોચીમાં સ્થિત શિપ રિપેર ફેસિલિટીનું સંચાલન અને વ્યાપક વિસ્તરણ કરવાનો છે, જેથી ભારત સમગ્ર હિંદ મહાસાગર ક્ષેત્રમાં જહાજોના સમારકામ અને સર્વિસિંગ માટેનું એક મુખ્ય વૈશ્વિક કેન્દ્ર બની શકે. આ પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કામાં જ ૮૦થી વધુ વિશાળ જહાજોનું રિપેરિંગ કામ હાથ ધરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ વિશાળ કાર્યને પહોંચી વળવા માટે કોચી ફેસિલિટી ખાતે વર્કસ્ટેશનની સંખ્યા ૬થી વધારીને સીધી ૧૬ કરવામાં આવશે, જેનાથી હજારો કુશળ યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઉભી થશે.

 

વિશ્વના સૌથી વ્યસ્ત વેપાર માર્ગોમાંથી એક એવા હિંદ મહાસાગરમાંથી પસાર થતા આંતરરાષ્ટ્રીય જહાજોને હવે ઉત્કૃષ્ટ અને આધુનિક સુવિધાઓ ભારતમાં જ મળી રહેશે. દુબઈના ડ્રાયડોક્સ વર્લ્ડના વૈશ્વિક અનુભવ અને કોચીન શિપયાર્ડની સ્વદેશી ક્ષમતાઓના આ સમન્વયથી ભારત આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ મેપ પર વધુ મજબૂત અને નિર્ણાયક ભૂમિકામાં ઊભરી આવશે.

 

(7:22 PM IST)