<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

વૈશ્વિક વેપારમાં ભારતનું વધુ એક મોટું પગલું: મત્સ્ય ઉદ્યોગ સબસિડી કરાર હેઠળ WTOના એગ્રીમેન્ટ ઓફ ફિશરીઝ સબસિડીઝનું સમર્થન કરી સત્તાવાર રીતે બન્યું સભ્ય

​ગેરકાયદેસર માછીમારી અને મત્સ્ય ભંડારના અતિશય શોષણને અટકાવવા તથા દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ કરવા માટે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની પહેલ; વિશ્વ વેપાર સંસ્થાના આ મહત્વપૂર્ણ કરારમાં જોડાનાર ભારત બન્યો ૧૨૩મો દેશ

​નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને દરિયાઈ સંસાધનોના રક્ષણની દિશામાં એક ઐતિહાસિક નિર્ણય લેતા ભારતે વિશ્વ વેપાર સંસ્થા (WTO) સમક્ષ ફિશરીઝ સબસિડીઝ કરાર (AFS) સંબંધિત પોતાનું સ્વીકૃતિપત્ર (ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેપ્ટન્સ) સત્તાવાર રીતે જમા કરાવ્યું છે. આ મહત્વપૂર્ણ પગલા સાથે જ ભારત હવે ડબલ્યુટીઓ ના આ મહત્વાકાંક્ષી કરારનું સત્તાવાર રીતે સહભાગી રાષ્ટ્ર બની ગયું છે, જે વૈશ્વિક સ્તરે માછીમારી ક્ષેત્રે પારદર્શિતા અને ટકાઉ વિકાસ લાવવામાં મદદ કરશે.

​કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, વિશ્વ વેપાર સંસ્થાનો આ વિશેષ કરાર સરકારો દ્વારા ગેરકાયદેસર, અઘોષિત અને અનિયમિત (IUU) માછીમારી પ્રવૃત્તિઓને અપાતી નાણાકીય સહાય કે સરકારી સમર્થન પર પ્રતિબંધ મૂકે છે. આ ઉપરાંત, દરિયાઈ મત્સ્ય ભંડારના અતિશય દોહન (ઓવરએક્સપ્લોઇટેશન) ઉપર અંકુશ લાવવા માટે પણ આ કરાર અત્યંત સીમાચિહ્નરૂપ સાબિત થશે, જેનાથી દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણનું લાંબા ગાળે સુરક્ષા ચક્ર મજબૂત બનશે.

​મંત્રાલયના અહેવાલ મુજબ, આ કરારને સ્વીકારવા અને તેને લાગુ કરવાની પ્રક્રિયામાં ભારત વિશ્વ વેપાર સંસ્થાનું ૧૨૩મું સભ્ય રાષ્ટ્ર બની ગયું છે. ભારત જેવા વિશાળ દરિયાકાંઠા ધરાવતા અને મત્સ્યપાલન ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા દેશ દ્વારા આ કરારનું અનુમોદન કરવાથી વૈશ્વિક સ્તરે ટકાઉ માછીમારીના ધોરણોને વધુ વેગ મળશે અને દરિયાઈ અર્થવ્યવસ્થાનું રક્ષણ સુનિશ્ચિત થશે.

(10:37 PM IST)