<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

હોર્મુઝ સંકટ સામે ભારતનું બ્રહ્માસ્ત્ર: ઓમાનથી ગુજરાત સુધી સમુદ્ર નીચે 2000 કિલોમીટર લાંબી ગેસ પાઇપલાઇન નાખશે

મધ્ય પૂર્વના દેશો સાથે સીધો સંપર્ક સાધવા માટે ₹40,000 કરોડના ખર્ચે આ વિશાળ મેગા પ્રોજેક્ટથી ભારતને ઓમાન, યુએઈ, સાઉદી અરેબિયા, ઈરાન અને કતાર જેવા દેશોના અંદાજે 2,500 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસના ભંડારનો લાભ મળશે.

નવી દિલ્હી :વૈશ્વિક સ્તરે ભભૂકી રહેલા યુદ્ધ અને હોર્મુજ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધીના કારણે ઉર્જા સંકટનો સામનો કરી રહેલા ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર મધ્ય પૂર્વના દેશો સાથે સીધો સંપર્ક સાધવા માટે ₹40,000 કરોડના ખર્ચે એક વિશાળ મેગા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ યોજના હેઠળ ઓમાનથી ગુજરાત સુધી સમુદ્રના નીચે 2000 કિલોમીટર લાંબી ગેસ પાઇપલાઇન નાખવાનું આયોજન છે.

 

28 ફેબ્રુઆરીથી મધ્ય પૂર્વમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઓઇલ બજાર ખોરવાયું છે. હોર્મુજ સ્ટ્રેટ, જે દુનિયાના 20 થી 25 ટકા ઓઇલ અને ગેસના વેપારનો મુખ્ય માર્ગ છે, ત્યાં હાલ અવરોધ ઊભો થયો છે. ભારત પોતાની જરૂરિયાતનું 80% એલપીજી અને 50% જેટલું કાચું તેલ આ માર્ગેથી મંગાવે છે. આ નાકાબંધીના કારણે ભારતમાં સીએનજી અને દૂધ જેવી ખાદ્ય સામગ્રીઓના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. આ ઉર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સરકારે હવે સીધો દરિયાઈ માર્ગ પસંદ કર્યો છે.

 

લંબાઈ અને ઊંડાઈ: આ પાઇપલાઇન અંદાજે 2000 કિમી લાંબી હશે અને અરબ સાગરના પેટાળમાં લગભગ 3,450 મીટરની ઊંડાઈએ બિછાવવામાં આવશે. તે વિશ્વની સૌથી ઊંડી પાઇપલાઇન્સમાંની એક ગણાશે.

ખર્ચ અને સમયગાળો: આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹40,000 કરોડ છે. જો તેને મંજૂરી મળે તો પૂર્ણ થતા 5 થી 7 વર્ષ લાગી શકે છે.

ટેકનિકલ સજ્જતા: સાઉથ એશિયા ગેસ એન્ટરપ્રાઇઝ (SAGE) એ સરકારને રિપોર્ટ સોંપ્યો છે કે તેમણે ₹25 કરોડના ખર્ચે દરિયાઈ માર્ગની તપાસ કરવા માટે 3000 મીટર લાંબી ટેસ્ટ પાઇપલાઇન સફળતાપૂર્વક બિછાવી દીધી છે.

આ પાઇપલાઇન ઓમાન અને યુએઈ (UAE) થઈને પસાર થશે, જે રાજકીય રીતે સંવેદનશીલ વિસ્તારોથી દૂર રહેશે. આ પ્રોજેક્ટ દ્વારા ભારતને ઓમાન, યુએઈ, સાઉદી અરેબિયા, ઈરાન અને કતાર જેવા દેશોના અંદાજે 2,500 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસના ભંડારનો લાભ મળશે. આનાથી ભારતની અન્ય દેશો પરની નિર્ભરતા ઘટશે અને સ્પર્ધાત્મક ભાવે ગેસ મળી રહેશે.

 

ભારતમાં કુદરતી ગેસની માંગ હાલમાં 190-195 mmscmd છે, જે 2030 સુધીમાં વધીને 300 mmscmd થવાની ધારણા છે. પેટ્રોલિયમ મંત્રાલય હવે ગેઈલ (GAIL), એન્જિનિયર્સ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓઈલ જેવી કંપનીઓને આ પ્રોજેક્ટ માટે વિગતવાર 'ફિઝિબિલિટી અસેસમેન્ટ' તૈયાર કરવાનું કામ સોંપવાની તૈયારીમાં છે.

આ મેગા પ્રોજેક્ટ માત્ર ઉર્જા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભારતના આર્થિક વિકાસ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. જો આ પ્રોજેક્ટ સફળ થાય છે, તો ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય તણાવની ભારતની ઉર્જા કિંમતો પર થતી અસર નહિવત થઈ જશે.

(10:20 PM IST)