News of Friday, 1st May 2026
ભારતની ચિંતામાં વધારો: પાકિસ્તાનના 'મિત્ર' તુર્કીએ બનાવ્યું ૧,૦૦૦ કિમીની રેન્જ ધરાવતું AI ડ્રોન ‘મિઝરક’
પાકિસ્તાન-તુર્કીની વધતી મિલીભગત વચ્ચે નવા ઘાતક હથિયારનો ધડાકો: AIથી સજ્જ કામિકાઝે ડ્રોન આંખના પલકારામાં દુશ્મનના ઠેકાણાઓ કરી દેશે ધ્વસ્ત : એન્ટી-જામિંગ ટેકનોલોજીને કારણે રડારમાં પકડાવું પણ મુશ્કેલ

ઈસ્તંબુલ: વૈશ્વિક સંરક્ષણ બજારમાં ડ્રોન ટેકનોલોજીના 'કિંગ' ગણાતા તુર્કીએ ફરી એકવાર દુનિયાને ચોંકાવી દીધી છે. પાકિસ્તાન સાથે ગાઢ સંરક્ષણ સંબંધો ધરાવતા તુર્કીએ તેના નવા AI-સંચાલિત કામિકાઝે ડ્રોન "મિઝરક" નું સફળ પરીક્ષણ પૂર્ણ કર્યું છે. આ ડ્રોન માત્ર એક હથિયાર નથી, પરંતુ આધુનિક યુદ્ધવિજ્ઞાનનો 'શિકારી' છે, જે ૧,૦૦૦ કિલોમીટરની પ્રચંડ રેન્જ ધરાવે છે. ઈસ્તંબુલમાં યોજાનારા SAHA એક્સ્પો ૨૦૨૬ માં તેને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે. ભારત માટે ચિંતાનો વિષય એ છે કે તુર્કી અને પાકિસ્તાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અત્યંત ઊંડી છે, અને આ પ્રકારની અદ્યતન ટેકનોલોજી ભવિષ્યમાં ભારતની સરહદો માટે મોટો પડકાર બની શકે છે.
'મિઝરક' ડ્રોનની વિશેષતાઓ તેને અત્યંત ઘાતક બનાવે છે. તે ૪૦ કિલોગ્રામ વિસ્ફોટકો સાથે સતત ૭ કલાક સુધી આકાશમાં પેટ્રોલિંગ કરી શકે છે અને ૧૮૫ કિમી/કલાકની ઝડપે દુશ્મન પર ત્રાટકે છે. સૌથી ખતરનાક બાબત તેનું 'AI મગજ' છે, જે સ્વાયત્ત રીતે લક્ષ્ય નક્કી કરવામાં અને સેન્સર ફ્યુઝન દ્વારા ચોક્કસ હુમલો કરવામાં સક્ષમ છે. જો દુશ્મન જીપીએસ (GPS) જામિંગ દ્વારા તેને રોકવાનો પ્રયાસ કરે, તો પણ તેની અદ્યતન એન્ટિ-જામિંગ સિસ્ટમ તેને લક્ષ્યથી ભટકવા દેતી નથી. આ ડ્રોન પાંચ મહાસત્તાઓની ટેકનોલોજીને ટક્કર આપે તેવું માનવામાં આવે છે, જે પશ્ચિમ એશિયા અને દક્ષિણ એશિયાના સૈન્ય સંતુલનને બદલી શકે છે.
તુર્કી અને પાકિસ્તાનનો સંરક્ષણ સોદો માત્ર વ્યવસાય પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભારત વિરોધી મોરચો મજબૂત કરવાની કોશિશ હોય તેમ જણાય છે. તુર્કી પહેલેથી જ પાકિસ્તાનને બાબર-ક્લાસ યુદ્ધ જહાજો અને બાયરાક્તાર ડ્રોન પૂરા પાડી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દે અવારનવાર પાકિસ્તાનની તરફેણ કરતું તુર્કી હવે ટેકનોલોજીના જોરે ભારતની દરિયાઈ અને હવાઈ સુરક્ષા માટે નવું જોખમ ઉભું કરી રહ્યું છે. જો આ 'મિઝરક' ડ્રોન પાકિસ્તાની સેનાના હાથમાં આવે છે, તો તે ભારતીય સંરક્ષણ પ્રણાલી માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
