તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
ભારતના વિકાસ પર જળ સંકટનું મોટું જોખમ: નબળા ચોમાસા અને પાણીની તીવ્ર અછતથી ખાદ્ય ફુગાવા અને ઔદ્યોગિક પ્રગતિ સામે સર્જાયું ગંભીર સંકટ!
'વિકસિત ભારત 2047' ના સ્વપ્ન સામે જળ સુરક્ષા બની સૌથી મોટો પડકાર : નીતિ આયોગના આંકડા મુજબ 2030 સુધીમાં પાણીની માંગ બમણી થવાથી જીડીપી ને 6% સુધીનું નુકસાન થવાની ભીતિ

નવી દિલ્હી : ભારત આજે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર હોવા છતાં, ગંભીર જળ સંકટ તેની આર્થિક પ્રગતિ અને 'વિકસિત ભારત 2047' ના લક્ષ્ય સામે એક મોટો અવરોધ બનીને ઉભર્યો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ના અહેવાલ મુજબ, વિશ્વની 18% વસ્તી ધરાવતા ભારતમાં વૈશ્વિક સ્તરે માત્ર 4% તાજા પાણીના સંસાધનો ઉપલબ્ધ છે. નબળા ચોમાસા અને અલ્પ વરસાદના કારણે દેશના અનેક ભાગોમાં, ખાસ કરીને મહારાષ્ટ્રના જાલના જેવા જિલ્લાઓમાં સરેરાશ 48% ઓછો વરસાદ નોંધાયો છે, જેના લીધે ખેતરોમાં ભેજનો અભાવ સર્જાયો છે. આ જળસંકટને કારણે ઘઉં, ચણા જેવા રવિ પાકોના વાવેતર પર માઠી અસર પડી છે, જે આગામી સમયમાં કઠોળ, ચોખા, ખાંડ અને શાકભાજીના ભાવમાં વધારો કરી સામાન્ય માનવીના રસોડાનું બજેટ વધુ વેરવિખેર કરી શકે છે.
કૃષિ ક્ષેત્ર ઉપરાંત આ જળ સંકટની સીધી અસર દેશના ઔદ્યોગિક અને ઉત્પાદન ક્ષેત્ર પર પણ પડી રહી છે. સ્ટીલ, રસાયણો, કાપડ જેવા પરંપરાગત ઉદ્યોગોથી માંડીને ભારતની આધુનિક સપનાના પ્રોજેક્ટ્સ જેવા કે સેમિકન્ડક્ટર ફેક્ટરીઓ, ફાર્માસ્યુટિકલ્સ અને ડેટા સેન્ટર્સ માટે પાણીની અનિવાર્ય આવશ્યકતા રહે છે. કેએપીએમજી (KPMG) ના ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વોટર સેક્ટર લીડ સુમુલેન્દ્ર ઘોષના જણાવ્યા અનુસાર, પાણી હવે ભારતના રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસને નક્કી કરનારું મુખ્ય નિર્ણાયક પરિબળ બની ગયું છે. બીજી તરફ, આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર લિગી ફિલિપના મતે આ પડકાર માત્ર પાણીની માંગ અને પુરવઠા વચ્ચેનું અસંતુલન નથી, પરંતુ પ્રાદેશિક સ્તરે પાણીની ગુણવત્તા અને વિશ્વસનિયતા સાથે પણ જોડાયેલો છે.
નીતિ આયોગના આંકડાઓ ચેતવણી આપે છે કે જો સ્થિતિ આવી જ રહી તો વર્ષ 2030 સુધીમાં દેશમાં પાણીની માંગ બમણી થઈ જશે, જેના પરિણામે દેશને કુલ જીડીપી (GDP) ના 6% સુધીનું મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. પાણીની અછતને કારણે અગાઉ પણ થર્મલ પાવર પ્લાન્ટ્સને મુશ્કેલીઓ પડી છે. આ બેવડા સંકટમાંથી બહાર આવવા માટે નિષ્ણાતો ભારપૂર્વક જણાવી રહ્યા છે કે માત્ર નવા જળ સ્ત્રોતો શોધવા પૂરતા નથી, પરંતુ મોટા પાયે પાણીનું યોગ્ય સંચાલન, તર્કસંગત કિંમત નિર્ધારણ અને ગટરના પાણીના રિસાયક્લિંગ જેવી પદ્ધતિઓ અપનાવવી અનિવાર્ય છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
