<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો: ઇન્ડોનેશિયામાં ખુલશે ભારતની પ્રતિષ્ઠિત IIM બેંગ્લોરનું પહેલું વિદેશી કેમ્પસ; પીએમ મોદીની ઐતિહાસિક મુલાકાતમાં ૧૪ મોટા કરારો પર મહોર

પીએમ મોદીને મળ્યું ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન: સંરક્ષણ, સસ્તી દવાઓ, સ્પેસ ક્રાફ્ટ અને ડિજિટલ ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે ભાગીદારીનો સુવર્ણ અધ્યાય શરૂ; 'આસિયાન' દેશોના યુવાનોને થશે મોટો ફાયદો

જકાર્તા, તા.૦૭: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ દેશોના (ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ) પ્રવાસના પ્રથમ તબક્કામાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અને સુવર્ણ ઇતિહાસ રચાયો છે. જકાર્તા પહોંચેલા પીએમ મોદીનું ત્યાં ભવ્ય અને શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ભારત અને ઇન્ડોનેશિયાએ સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો, દરિયાઈ સુરક્ષા, સ્પેસ ટેકનોલોજી અને શિક્ષણ સહિતના ૧૪ અત્યંત મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઐતિહાસિક કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે જ, પીએમ મોદીને ભારત-ઇન્ડોનેશિયાના સંબંધો મજબૂત કરવા બદલ ત્યાંના સર્વોચ્ચ નાગરિક સન્માન "બિન્ટાંગ આદિપૂર્ણા ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા" થી નવાજવામાં આવ્યા છે.
જાવા ટાપુ પર ગુંજશે ભારતીય મેનેજમેન્ટનો ડંકો
આ મુલાકાતની સૌથી મોટી અને ગર્વ લેવા જેવી જાહેરાત શિક્ષણ ક્ષેત્રે થઈ છે. પીએમ મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ' (IIM) બેંગ્લોર હવે ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા પ્રાંતમાં આવેલા સિંઘાસરી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં પોતાનું પ્રથમ વિદેશી કેમ્પસ સ્થાપિત કરવા જઈ રહી છે. પીએમ મોદીએ જણાવ્યું કે, આ કેમ્પસ ખુલવાથી માત્ર ઇન્ડોનેશિયા જ નહીં પરંતુ સમગ્ર ASEAN (દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોના સંગઠન) ક્ષેત્રના યુવાનોને વિશ્વસ્તરીય બિઝનેસ શિક્ષણ મળશે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગયા વર્ષે IIM અમદાવાદે દુબઈમાં પોતાનું કેમ્પસ ખોલ્યું હતું.
ઇન્ડોનેશિયાના લોકોને મળશે ભારતની સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ
આરોગ્ય ક્ષેત્રે બંને દેશો વચ્ચે એક ક્રાંતિકારી કરાર થયો છે. ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) અને ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય દવા અને ખાદ્ય નિયંત્રણ એજન્સી (BPOM) વચ્ચે મેડિકલ પ્રોડક્ટ્સના નિયમન અને બજાર એક્સેસ માટે મહત્વના કરાર થયા છે. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ કરાર બાદ ભારતની ઉચ્ચ-ગુણવત્તાવાળી અને અત્યંત સસ્તી દવાઓ ઇન્ડોનેશિયાના સામાન્ય નાગરિકો સુધી સરળતાથી પહોંચી શકશે. આ ઉપરાંત ભારતીય ડોક્ટરો ઇન્ડોનેશિયાના હેલ્થ પ્રોફેશનલ્સને વિશેષ ફેલોશિપ પ્રોગ્રામ હેઠળ ખાસ ટ્રેનિંગ અને ક્ષમતા નિર્માણમાં મદદ કરશે.
અંતરિક્ષ સંશોધનથી લઈને આપત્તિ વ્યવસ્થાપન સુધી મજબૂત જોડાણ
બંને ભાઈ સમાન રાષ્ટ્રો વચ્ચે માત્ર જમીન પર જ નહીં પરંતુ અંતરિક્ષમાં પણ સંયુક્ત કૂચ કરવાની કસમ ખાવામાં આવી છે. શાંતિપૂર્ણ હેતુઓ માટે બાહ્ય અવકાશ (Outer Space) ના સંશોધન અને ઉપયોગ કરવા માટેના કરારોને આગળ વધારવામાં આવ્યા છે. આ ઉપરાંત દરિયાઈ સલામતી, સંરક્ષણ અને સુરક્ષા સહયોગ વધારવા, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોનો વિકાસ કરવા, ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજી, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન (NDMA) વચ્ચે પરસ્પર સહયોગ અને ખનિજ તથા સ્ટીલ સપ્લાય ચેઈન ટેકનોલોજી મજબૂત કરવા માટે પણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વૈશ્વિક રાજનીતિ અને વ્યાપારિક દ્રષ્ટિએ આ મુલાકાત ભારત માટે એક માઇલસ્ટોન સાબિત થઈ રહી છે.

(5:54 PM IST)