<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

સમુદ્રમાં ભારતનો દબદબો વધશે: ભારત-જર્મની વચ્ચે ₹૭૦,૦૦૦ થી ₹૯૦,૦૦૦ કરોડની મેગા સબમરીન ડીલ ફાઇનલ; જર્મનીએ તમામ લીલી ઝંડી આપી

પ્રોજેક્ટ 75(I) હેઠળ MDL અને જર્મનની TKMS કંપની મળીને ભારતમાં જ છ અત્યાધુનિક AIP ટેકનોલોજી યુક્ત સ્ટીલ્થ સબમરીન બનાવશે: હવે માત્ર ભારત સરકારની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) ની અંતિમ મંજૂરીની રાહ: નૌકાદળની તાકાતમાં થશે અદ્ભુત વધારો

નવી દિલ્હી:  હિન્દ મહાસાગરમાં ચીનની વધતી સક્રિયતા અને વધતા સમુદ્રી પડકારો વચ્ચે ભારતીય નૌકાદળની પ્રહાર ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જવા માટે એક મોટો સંરક્ષણ સોદો આખરી ઓપ લઈ રહ્યો છે. ભારત અને જર્મની વચ્ચે લાંબા સમયથી પ્રસ્તાવિત અતિ મહત્વકાંક્ષી ‘પ્રોજેક્ટ 75(I)’ હેઠળ છ અદ્યતન પરંપરાગત સબમરીન નિર્માણ માટે જર્મન સરકારે પોતાની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને મંજૂરી આપી દીધી છે. નવી દિલ્હી ખાતે જર્મન રાજદૂત-નિયુક્ત ડૉ. જેસ્પર વેઇકે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જર્મન પક્ષે આંતર-સરકારી કરાર સહિત તમામ કાનૂની અને તકનીકી દસ્તાવેજો પર મંજૂરીની મહોર મારી દીધી છે. હવે સમગ્ર દડો ભારત સરકારના કોર્ટમાં છે અને માત્ર કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) ની સત્તાવાર મંજૂરી મળતાં જ દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.

આ મેગા ડિફેન્સ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹૭૦,૦૦૦ કરોડથી ₹૯૦,૦૦૦ કરોડ (આશરે ૧૦.૫ બિલિયન યુએસ ડોલર) જેટલો છે. પ્રોજેક્ટ હેઠળ ભારતના જાહેર ક્ષેત્રના પ્રતિષ્ઠિત શિપબિલ્ડર 'માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ' (MDL) અને જર્મનીની પ્રખ્યાત કંપની 'થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ' (TKMS) સંયુક્ત ભાગીદારીમાં ભારતીય શિપયાર્ડમાં જ આ તમામ છ અદ્યતન સબમરીનનું નિર્માણ કરશે. આ સોદા માટેની સત્તાવાર વાટાઘાટો સપ્ટેમ્બર ૨૦૨૫ થી ચાલી રહી હતી. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એર-ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) ટેકનોલોજી છે, જે સબમરીનને બેટરી ચાર્જ કરવા માટે દર બે-ત્રણ દિવસે દરિયાની સપાટી પર આવ્યા વિના સતત અઠવાડિયા સુધી પાણીની અંદર છુપાયેલા રહીને દુશ્મન પર સચોટ પ્રહાર કરવાની વિશિષ્ટ ‘સ્ટીલ્થ’ ક્ષમતા પૂરી પાડે છે.

આ સોદો માત્ર શસ્ત્રોની ખરીદી પૂરતો મર્યાદિત ન રહેતાં 'આત્મનિર્ભર ભારત' અભિયાનને એક નવો વળાંક આપશે. કરાર હેઠળ જર્મની દ્વારા ભારતને સંપૂર્ણ 'ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી' (ToT) આપવામાં આવશે, જેથી ભવિષ્યમાં ભારત સ્થાનિક સ્તરે જ આવી જટિલ સબમરીનોનું નિર્માણ કરી શકશે અને હજારો લોકોને રોજગારીની નવી તકો મળશે. ડૉ. વેઇકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે અને ભવિષ્યમાં ડ્રોન, અનમૅન્ડ સિસ્ટમ્સ તેમજ અદ્યતન રડાર અને સેન્સર જેવા અત્યાધુનિક ક્ષેત્રોમાં પણ સંયુક્ત ઉત્પાદનનો માર્ગ પ્રશસ્ત કરશે. ભારતીય નૌકાદળ માટે આ પ્રોજેક્ટ સમુદ્રી સીમાઓનું રક્ષણ કરવા અને સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ક્ષમતા વધારવા માટે માઇલસ્ટોન સાબિત થશે.

(6:39 PM IST)