<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

પશ્ચિમ એશિયાના 'જંગ' વચ્ચે ભારતની આર્થિક રફ્તાર અકબંધ: તેલની તંગી અને રૂપિયાના ઘટાડા છતાં જીડીપીમાં તેજીની આશા

વૈશ્વિક કટોકટી અને ક્રૂડ ઓઈલના ભાવ $100ને પાર કરી જતાં ભારતીય અર્થતંત્ર પર દબાણ વધ્યું, પરંતુ એસબીઆઈ રિસર્ચના મતે ભારત હજુ પણ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે : ડાયસ્પોરા બોન્ડ્સ બની શકે છે રૂપિયા માટે સંજીવની

મુંબઈ:  ભારત અને ઈરાન વચ્ચેના વધતા તણાવ અને પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં ભારતનો આર્થિક વિકાસ દર એટલે કે જીડીપી (GDP) મજબૂત રહેવાનો અંદાજ છે. એસબીઆઈ રિસર્ચના તાજેતરના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2026-27 માં ભારતનો વિકાસ દર 6.6% રહેશે. જોકે, ઈરાન સંકટને કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ $100ને વટાવી ગયા છે અને યુએસ ડોલર સામે રૂપિયો 95ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે, જે ભારતીય અર્થતંત્ર માટે એક પડકારજનક સ્થિતિ છે. આ અસ્થિરતાને રોકવા માટે એસબીઆઈ રિસર્ચ સૂચવે છે કે દેશે હવે આયાત પરની નિર્ભરતા ઘટાડી નિકાસમાં સ્પર્ધાત્મકતા વધારવા માટે માળખાકીય સુધારા કરવા પડશે.

વર્તમાન આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે એસબીઆઈ રિસર્ચ દ્વારા 'ડાયસ્પોરા બોન્ડ' (વિદેશી ભારતીયો માટેના બોન્ડ) જારી કરવાનો માસ્ટરપ્લાન રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે વિદેશમાં વસતા ભારતીયો જો ભારતમાં રોકાણ કરે, તો દેશનું વિદેશી હૂંડિયામણ ભંડાર મજબૂત થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે દેશવાસીઓને સોનાની ખરીદી ટાળવા અને ઈંધણનો બચાવ કરવાની જે ભાવનાત્મક અપીલ કરી હતી, તે આ આર્થિક રણનીતિનો જ એક ભાગ છે. જો રૂપિયો 95ના સ્તરે સ્થિર રહેશે તો $5 ટ્રિલિયન અર્થતંત્ર બનવાનું લક્ષ્ય વર્ષ 2029-30 સુધી લંબાઈ શકે છે, પરંતુ મજબૂત પાયાને કારણે ભારત આ લક્ષ્ય ચોક્કસપણે પ્રાપ્ત કરશે.

બીજી તરફ, ફિચ ગ્રુપની સંસ્થા BMI ના અહેવાલમાં થોડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમના મતે, ઈરાન અને અમેરિકા વચ્ચેના સીધા સંઘર્ષને કારણે ભારતનો વિકાસ દર અગાઉના અંદાજ 7.7% થી ઘટીને 6.7% પર આવી શકે છે. તેલના વધતા ભાવ અને પરિવહન ખર્ચમાં થયેલો તોતિંગ વધારો ભારતના નાણાકીય સંતુલનને ખોરવી શકે છે. આવી સ્થિતિમાં ભારત સરકારે સંરક્ષણ પાછળ થતા ખર્ચ અને જનતાને મળતી ઈંધણની સબસિડી વચ્ચે કડક સંતુલન જાળવવું પડશે. આ પડકારો છતાં, એસબીઆઈ રિસર્ચ માને છે કે ભારતની ઘરેલું માંગ અને યોગ્ય આર્થિક નીતિઓ તેને વૈશ્વિક મંદીના મોજાથી બચાવી લેશે.

(7:30 PM IST)