<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

ભારતનું અર્થતંત્ર વૈશ્વિક સ્તરે ધમાકો કરશે: દક્ષિણ કોરિયાના અર્થશાસ્ત્રીની મોટી આગાહી, આગામી બે દાયકા સુધી ભારતની આર્થિક ક્રાંતિને કોઈ રોકી નહીં શકે!

IMF, વિશ્વ બેંક અને ADB ના પોઝિટિવ ગ્રોથ રેટ અંદાજો બાદ KIEP ના સાઉથ એશિયા હેડ ક્યુંગહૂન કિમનું મોટું ટ્વીટ: વર્ષ ૨૦૦૩-૨૦૦૭ નો રેકોર્ડ તૂટશે અને ૨૦૩૦ સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનશે

નવી દિલ્હી:   ભારતીય અર્થતંત્રના દમદાર પ્રદર્શન અને સતત મજબૂત થઈ રહેલી આર્થિક સ્થિતિએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. દક્ષિણ કોરિયાની વિખ્યાત થિંક ટેન્ક 'કોરિયા ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક પોલિસી' ખાતે દક્ષિણ એશિયા વિભાગના વડા ક્યુંગહૂન કિમે દાવો કર્યો છે કે ભારત દાયકાઓમાં પહેલીવાર ૭ ટકાથી વધુના સતત અને સૌથી લાંબા આર્થિક વિકાસ દર  તરફ આગળ વધી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રી કિમે વિગતવાર વિશ્લેષણ રજૂ કરતા જણાવ્યું હતું કે કોવિડ-૧૯ મહામારીની વૈશ્વિક મંદીમાંથી બહાર આવ્યા બાદ ભારતે જે રીતે સતત પાંચ વર્ષ સુધી ૭ ટકાથી વધુ ગ્રોથ રેટ જાળવી રાખ્યો છે, તે વૈશ્વિક અર્થતંત્ર માટે એક નવો ઇતિહાસ રચી રહ્યો છે.

કિમે શેર કરેલા આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ વચ્ચે ભારતનો સરેરાશ વાર્ષિક વિકાસ દર ૭.૮૩ ટકા રહ્યો છે, જે વર્ષ ૧૯૬૦ પછીના ભારતીય ઇતિહાસમાં બીજો સૌથી મજબૂત અને સુવર્ણ કાળ ગણાય છે. અગાઉ ૨૦૦૩ થી ૨૦૦૭ ના સમયગાળા દરમિયાન દેશે ૭.૮૯ ટકાનો દર નોંધાવ્યો હતો, પરંતુ હાલના ગ્લોબલ ટ્રેન્ડ અને અંદાજો મુજબ ભારત પોતાનો એ જૂનો રેકોર્ડ પણ તોડી નાખશે. વિશ્વ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) જેવી વિશ્વની ટોચની સંસ્થાઓએ ભારત માટે પોતાના વિકાસ અંદાજો વધારીને ૭ ટકા કે તેથી વધુ કર્યા છે. ભૌગોલિક-રાજકીય તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે પણ ભારતની આ ઝડપી આગેકૂચ આશ્ચર્યજનક છે.

સૌથી મહત્વની બાબત સ્પષ્ટ કરતા કોરિયન અર્થશાસ્ત્રીએ સમજાવ્યું કે વર્ષ ૨૦૦૭ માં ભારતનો જીડીપી માત્ર $૧ ટ્રિલિયનથી થોડો વધારે હતો, જ્યારે આજે ભારતની ઇકોનોમી $૪ ટ્રિલિયનની મજબૂત સપાટી તરફ ઝડપથી વધી રહી છે. આટલી મોટી અર્થવ્યવસ્થા પર ૭ ટકાનો વિકાસ દર હોવો એટલે અર્થતંત્રમાં ખૂબ જ મોટો અને વ્યાપક નાણાકીય ઉમેરો થવો. જો ભારતની આ જ ઝડપ અને ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવામાં આવશે, તો ૨૦૩૦ ની આસપાસ ભારત જાપાન અને જર્મની જેવા દેશોને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બની જશે.

(8:03 PM IST)