તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
દક્ષિણ ચીન સમુદ્રમાં ડ્રેગનની દાદાગીરી સામે ભારતનો વિસ્ફોટક પ્રહાર: ચાણક્ય નીતિના 5 માસ્ટરસ્ટ્રોકથી શી જિનપિંગનું સિંહાસન ડોલ્યું!
અત્યાર સુધી મૌન રહેલા ભારતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ ક્ષેત્રમાં મજબૂત વલણ અપનાવતાં જ બેઇજિંગના શાસકોમાં ભારે ખળભળાટ; એશિયન દેશોને મળ્યું નવું શક્તિશાળી છત્ર

નવી દિલ્હી : દક્ષિણ ચીન સમુદ્રના અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક પાણીમાં ચીનની વર્ષો જૂની દાદાગીરી અને ગુંડાતત્વો જેવી વર્તણૂકનો કાયમી અંત આણવાનો આખરી સમય આવી પહોંચ્યો છે. અત્યાર સુધી આ સમગ્ર વિવાદથી મુત્સદ્દીપૂર્વક સન્માનજનક અંતર જાળવી રાખનાર ભારતે હવે આરપારની લડાઈના મૂડમાં વિસ્ફોટક પ્રવેશ કર્યો છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે ભારતનું આ આક્રમક પગલું ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમની લશ્કરી છાવણી માટે ભારે આંચકારૂપ સાબિત થયું છે. ભારતની પાંચ આક્રમક ચાણક્ય નીતિઓ સામે હવે ડ્રેગનનો ડંડો કચડાઈ જશે અને ચીનના ત્રાસથી પીડાતા ના નાના એશિયન દેશોને નવી સંજીવની પ્રાપ્ત થશે.
ભારતનું સ્પષ્ટ અને આક્રમક વલણ
ભારતે દક્ષિણ ચીન સમુદ્ર અંગે વૈશ્વિક મંચ પરથી સ્પષ્ટ શબ્દોમાં સંકેત આપી દીધો છે કે આ વિસ્તારના તમામ વિવાદોનો ઉકેલ કોઈ લશ્કરી ધમકીથી નહીં પરંતુ શાંતિપૂર્ણ વાટાઘાટોથી જ આવવો જોઈએ. આ સાથે જ મુક્ત, ખુલ્લા અને સુરક્ષિત ભારત-પ્રશાંત ક્ષેત્ર માટે આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાઓનું પાલન સર્વોપરી ગણાવ્યું છે. ભારતની ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થા અને સુરક્ષા હિતો હવે ઈન્ડો-પેસિફિક સાથે સીધા જોડાયેલા છે. ભારતના કુલ દરિયાઈ વેપારનો અડધાથી વધુ હિસ્સો આ જ માર્ગ પરથી પસાર થતો હોવાથી, આ પ્રદેશની સુરક્ષા પર પોતાનો અવાજ ઉઠાવવાનો ભારતને પૂર્ણ અધિકાર છે.
૨૦૧૬ના આંતરરાષ્ટ્રીય ચુકાદાને ફગાવનારું ઘમંડી ચીન
ચીનની સરમુખત્યારશાહીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ૨૦૧૬માં 'ધ હેગ' સ્થિત આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે તેની વિવાદિત "નાઈન-ડેશ લાઈન"ને ફગાવી દીધી હતી. ટ્રિબ્યુનલે સ્પષ્ટ કહ્યું હતું કે આ સમુદ્ર પર ચીનનો કોઈ ઐતિહાસિક કે કાનૂની અધિકાર નથી. તેમ છતાં, ચીને આંતરરાષ્ટ્રીય કાયદાઓ (UNCLOS)ની ધજાગિયા ઉડાડીને આ નિર્ણયને "કચરાનો ટુકડો" ગણાવી ફગાવી દીધો હતો. ફિલિપાઈન્સ દ્વારા શરૂ કરાયેલા આ કેસમાં ભાગ લેવાને બદલે ચીને બળજબરીથી કૃત્રિમ ટાપુઓ બનાવીને લશ્કરી અડ્ડા ઊભા કરી દીધા હતા.
આસિયાન દેશોની નબળાઈનો ચીને ઉઠાવ્યો ગેરલાભ
દક્ષિણ ચીન સમુદ્ર સાથે સરહદ ધરાવતા આસિયાન (ASEAN) દેશોમાં રહેલા આંતરિક મતભેદો અને જૂથવાદનો ચીને પૂરો ફાયદો ઉઠાવ્યો છે. ફિલિપાઈન્સ, વિયેતનામ, મલેશિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશો સાર્વભૌમત્વના મુદ્દે એકજૂથ થઈ શક્યા ન હતા. ચીને તેની "ગ્રે-ઝોન" અને "સલામી-કાપણી" (ધીમે ધીમે બીજાનો વિસ્તાર પચાવી પાડવાની) ગંદી નીતિથી આ નાના દેશોને સતત ડરાવ્યા છે. અમેરિકા અને તેના મિત્ર દેશોની હાજરી હોવા છતાં ચીનની આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે અટકી શકી નહોતી.
ભારતના ૫ 'ચાણક્ય માસ્ટરસ્ટ્રોક' જે ચીનનું કમરતોડ નુકસાન કરશે:
૧. બ્રહ્મોસ મિસાઈલનો શક્તિશાળી ઘેરાવો:
ભારતે ફિલિપાઈન્સને પોતાની અત્યંત ઘાતક સુપરસોનિક એન્ટી-શિપ 'બ્રહ્મોસ' મિસાઈલ સોંપી દીધી છે અને હવે વિયેતનામ તથા ઈન્ડોનેશિયા સાથે વાતચીત અંતિમ તબક્કામાં છે. ચીની નૌકાદળ પાસે માત્ર સબસોનિક મિસાઈલો સામે રક્ષણ છે, પરંતુ અવાજ કરતાં પણ ઝડપી બ્રહ્મોસનો સામનો કરવો ચીન માટે અશક્ય બની જશે. આ મિસાઈલોના તૈનાત થવાથી દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન માટે લશ્કરી ઘેરાબંધી સર્જાઈ ગઈ છે.
૨. અમેરિકી ષડયંત્રના બહાનાનો અંત:
ચીન અત્યાર સુધી વૈશ્વિક મંચ પર એવો પ્રચાર કરતું હતું કે અમેરિકા તેનો વિકાસ રોકવા માટે દક્ષિણ ચીન સમુદ્રમાં વિવાદો ભડકાવી રહ્યું છે. પરંતુ ભારત જેવા તટસ્થ, સ્વતંત્ર વિદેશ નીતિ ધરાવતા અને કોઈ ચોક્કસ લશ્કરી જૂથમાં ન જોડાયેલા દેશના પ્રવેશથી ચીનનું આ બહાનું સંપૂર્ણપણે ખુલ્લું પડી ગયું છે.
૩. મલક્કા સ્ટ્રેટ પર આર્થિક નાકાબંધીની તલવાર:
ચીન પોતાની તેલની જરૂરિયાતનો ૮૦% હિસ્સો મલક્કા સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) દ્વારા આયાત કરે છે. ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ આ માર્ગના પ્રવેશદ્વાર પર જ આવેલ છે. જો યુદ્ધ કે તણાવની સ્થિતિ સર્જાય તો ભારત ક્ષણવારમાં ચીનની આ આર્થિક અને ઊર્જાસભર 'લાઈફલાઈન' બંધ કરી શકે તેમ છે.
૪. ASEAN દેશોને મળ્યો શક્તિશાળી 'મોટો ભાઈ':
ચીનની આર્થિક અને લશ્કરી ધમકીઓથી ડરતા નાના દેશોને હવે ભારતના રૂપમાં એક ભરોસાપાત્ર અને લોકશાહી ભાગીદાર મળ્યો છે. ભારત આ દેશોને માત્ર દૌત્ય સમર્થન જ નથી આપતું, પરંતુ આધુનિક શસ્ત્રો, પેટ્રોલિંગ જહાજો અને લશ્કરી તાલીમ આપીને ચીન સામે મજબૂતીથી ઊભા રહેવાની શક્તિ પૂરી પાડી રહ્યું છે.
૫. 'સ્ટ્રિંગ ઓફ પર્લ્સ'નો જડબાતોડ જવાબ:
ચીન લાંબા સમયથી શ્રીલંકા, માલદીવ અને પાકિસ્તાનમાં બંદરો વિકસાવીને ભારતને ઘેરવાની 'સ્ટ્રિંગ ઓફ પર્લ્સ' નીતિ ચલાવી રહ્યું હતું. હવે ભારતે ચીનના જ 'પાછલા બાગ' ગણાતા દક્ષિણ ચીન સમુદ્રમાં સીધો પ્રવેશ કરીને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે. આનાથી ચીને પોતાની નૌકાદળની તાકાત બે અલગ અલગ મોરચે વહેંચવાની ફરજ પડી છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
