<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

ભારતનું પ્રથમ ભૂગર્ભ સુપર કંટ્રોલ રૂમ: ઈરાન યુદ્ધમાંથી બોધપાઠ લઈ સેના, નૌકાદળ અને વાયુસેના હવે એક જ અભેદ્ય કિલ્લામાંથી દુશ્મનનો ખાતમો કરશે

દિલ્હીના કર્તવ્ય ભવન નીચે મે 2026 સુધીમાં કાર્યરત થશે હાઈટેક ટ્રાઇ-સર્વિસ સંયુક્ત કામગીરી કેન્દ્ર : જે મિસાઈલ હુમલાઓ વચ્ચે પણ ભારતની સંરક્ષણ પ્રણાલીને રાખશે અજેય

નવી દિલ્હી : ભારત તેની સૈન્ય તાકાતમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા જઈ રહ્યું છે. CDS જનરલ અનિલ ચૌહાણે જાહેરાત કરી છે કે મે 2026ના અંત સુધીમાં ભારતનું પ્રથમ "ટ્રાઇ-સર્વિસ સંયુક્ત કામગીરી કેન્દ્ર" કાર્યરત થઈ જશે. નવી દિલ્હીમાં કર્તવ્ય ભવનની નીચે ઊંડા ભૂગર્ભમાં બનેલું આ સેન્ટર ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ જેવી આધુનિક લડાઈઓમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયું છે. આ મજબૂત કમાન્ડ સેન્ટરનો હેતુ હવાઈ હુમલા કે બોમ્બમારા વચ્ચે પણ ભારતના ત્રણેય સશસ્ત્ર દળો વચ્ચે અતૂટ સંકલન જાળવી રાખવાનો છે, જેથી યુદ્ધના મેદાનમાં ત્વરિત અને સચોટ નિર્ણયો લઈ શકાય.

આ સેન્ટર ભારત માટે 'થિયેટર કમાન્ડ' તરફનું સૌથી મોટું સીમાચિહ્ન સાબિત થશે. અત્યાર સુધી સેના, નૌકાદળ અને વાયુસેના અલગ-અલગ કમાન્ડ સેન્ટરોથી કાર્યરત હતી, પરંતુ હવે ત્રણેય સેવાઓના ટોચના અધિકારીઓ એક જ છત નીચે બેસીને દુશ્મનની હિલચાલ પર 24 કલાક નજર રાખશે. આ એકીકરણથી યુદ્ધ આયોજનમાં થતો વિલંબ દૂર થશે અને સંસાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનશે. વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહના પ્રસ્તાવથી નિર્મિત આ કેન્દ્ર દુશ્મનની મિસાઈલ પણ તોડી ન શકે તેટલું સુરક્ષિત છે.

ભવિષ્યની રણનીતિ મુજબ, ભારત ચીન સરહદ માટે ઉત્તરીય, પાકિસ્તાન માટે પશ્ચિમી અને દરિયાઈ સુરક્ષા માટે મેરિટાઈમ કમાન્ડ એમ ત્રણ થિયેટર કમાન્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ચીને 2015માં જ આ સિસ્ટમ અપનાવી લીધી હતી, જેના જવાબમાં ભારતનો આ સુધારો અત્યંત આવશ્યક માનવામાં આવે છે. મે મહિનાના અંત સુધીમાં આ ભૂગર્ભ કમાન્ડ સેન્ટર શરૂ થતા જ ભારત વિશ્વના એવા શક્તિશાળી દેશોની યાદીમાં સામેલ થશે જેમના કમાન્ડ સેન્ટર ગમે તેવા ભીષણ હુમલામાં પણ કાર્યરત રહી શકે છે.

(9:56 PM IST)