<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

યુદ્ધની અસર છતાં ભારતનો જીડીપી ગ્રોથ ૬.૫ ટકા રહેશેઃ આઈએમએફ

વૈશ્વિક ગ્રોથનો અંદાજ તેણે ૩.૩ ટકાથી ઘટાડીને ૩.૧ ટકા કર્યો

વોશિંગ્‍ટન,તા.૧૫: ઈન્‍ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)એ કહ્યું છે કે ઈરાન યુદ્ધની ક્રાઈસીસ છતાં ચાલુ વર્ષે ભારતનો જીડીપી ગ્રોથ અગાઉના તેના ૬.૪ ટકાના અંદાજ કરતાં વધારે ૬.૫ ટકા રહેશે. ગત જાન્‍યુઆરીમાં તેણે ૬.૪ ટકા ગ્રોથનો અંદાજ આપ્‍યો હતો, જેમાં તેણે વધારો કર્યો છે. જોકે વૈશ્વિક ગ્રોથનો અંદાજ તેણે ૩.૩ ટકાથી ઘટાડીને ૩.૧ ટકા કર્યો છે. ૨૦૨૫માં વાસ્‍તવિક વૈશ્વિક ગ્રોથ ૩.૪ ટકા રહ્યો હતો.

આઈએમએફે કહ્યું કે વર્ષ ૨૦૨૬ માટે તેણે ભારતના ગ્રોથનો અંદાજ ૦.૧ ટકા વધાર્યો છે. ૨૦૨૫માં મજબૂત ગ્રોથની અસર અને અમેરિકન ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરાયો તે મુખ્‍ય કારણ છે. આ કારણથી ઈરાન યુદ્ધની આડઅસર ઓછી જોવા મળશે. આગામી વર્ષ ૨૦૨૭-૨૮માં ભારતનો ગ્રોથ ૬.૫ ટકા રહેશે.

ફુગાવાના મોરચે આઈએમએફે કહ્યું કે મોંઘવારી નોંધપાત્ર વધશે. વર્ષ ૨૦૨૬-૨૭માં રિટેલ ફુગાવાનો દર વધીને ૪.૭ ટકા થશે તેવો અંદાજ છે. ૨૦૨૭-૨૮માં તે ઘટીને ૪ ટકા થશે. ચીનમાં ફુગાવો નીચા લેવલથી વધવાનું શરૂ થશે જ્‍યારે ભારતમાં તે વધીને ટારગેટ લેવલ (૪ ટકા)ની આસપાસ પહોંચશે.

આઈએમએફે કહ્યું હતું કે ઈરાન યુદ્ધે વૈશ્વિક આર્થિક મોમેન્‍ટમ ઠપ કરી દીધું છે અને ૨૦૨૫ના ગ્રોથ કરતાં નીચો ગ્રોથ રહેશે. તેણે વૈશ્વિક ગ્રોથનો અંદાજ ૩.૩ ટકાથી ઘટાડીને ૩.૧ ટકા કર્યો છે. ૨૦૨૫માં વાસ્‍તવિક વૈશ્વિક ગ્રોથ ૩.૪ ટકા રહ્યો હતો. તેના મતે વૈશ્વિક ફુગાવાનો દર વધીને ૪.૪ ટકા થશે જે ૨૦૨૫માં ૪.૧ ટકા હતો. જાન્‍યુઆરીમાં તેણે ૩.૮ ટકાનો અંદાજ આપ્‍યો હતો.

આઈએમએફે આ અંદાજ એવી ધારણા સાથે મૂક્‍યો છે કે યુદ્ધ ટૂંક સમયમાં પૂરું થશે અને એનર્જી પ્રાઈસ આ વર્ષે સાધારણ ૧૯ ટકા જ વધશે. મતલબ કે તેના કરતાં પણ સ્‍થિતિ વધારે વણસી શકે છે. તેણે કહ્યું કે સૌથી ખરાબ સંજોગોમાં વિશ્વની સેન્‍ટ્રલ બેન્‍કો ફુગાવો કાબૂમાં લેવા માટે વ્‍યાજદર વધારશે અને તેવી સ્‍થિતિમાં વૈશ્વિક ગ્રોથ ૨૦૨૬માં ઘટીને ૨ ટકા થઈ શકે છે અને ૨૦૨૭માં પણ ૨ ટકા જ રહેશે. તેણે કહ્યું કે યુદ્ધવિરામના અહેવાલો છતાં નુકસાન તો થઈ જ ચૂક્‍યું છે અને ગ્રોથ ઘટવાનું જોખમ વધ્‍યું છે.

આઈએમએફે કહ્યું કે અમેરિકાનો ગ્રોથ ચાલુ વર્ષે ૨.૩ ટકા રહેશે. યુરોપના ૨૧ દેશોનો સરેરાશ ગ્રોથ ૧.૧ ટકા રહેશે, જે ૨૦૨૫માં ૧.૪ ટકા હતો. આફ્રિકાનો ગ્રોથ ૪.૩ ટકા રહેશે, જે જાન્‍યુઆરીમાં તેણે ૪.૬ ટકાનો અંદાજ આપ્‍યો હતો. યુદ્ધના સંજોગોમાં એકમાત્ર ફાયદો રશિયાને થઈ રહ્યો છે અને એટલે જ રશિયાના ગ્રોથનો અંદાજ તેણે વધારીને ૧.૧ ટકા કર્યો છે.(૪૦.૧૬)

(10:11 AM IST)