News of Thursday, 26th November 2026
ભારતનો ગોલ્ડ લોન પોર્ટફોલિયો રૂ. ૨૩.૩ લાખ કરોડના ઐતિહાસિક સ્તરે
ગોલ્ડ લોન માર્કેટમાં બે વર્ષમાં બમણાથી વધુનો ઉછાળો સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં દેશમાં ૫.૬ કરોડ લોનધારકો અને અંદાજે ૧૦.૨ કરોડ સક્રિય ગોલ્ડ લોન ખાતા નોંધાયા

નવી દિલ્હી તા.૨૬: ભારતનું ગોલ્ડ લોન બજાર ઝડપથી વધી રહ્યું છે. એક તરફ તાજેતરમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ દેશનું ગોલ્ડ લોન માર્કેટ અભૂતપૂર્વ ગતિએ વિસ્તરી રહ્યું છે. નવેમ્બર ૨૦૨૬માં જાહેર થયેલા CRIF ના તાજા અહેવાલ મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં ભારતનો કુલ બાકી ગોલ્ડ લોન પોર્ટફોલિયો રૂ. ૨૩.૩ લાખ કરોડ ના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો છે.
આંકડાકીય રીતે જોઈએ તો, સપ્ટેમ્બર ૨૦૨૪માં દેશનું ગોલ્ડ લોન માર્કેટ રૂપિયા ૧૦.૭ લાખ કરોડ હતું, જે સપ્ટેમ્બર ૨૦૨૬માં વધીને રૂપિયા ૨૩.૩ લાખ કરોડ થઈ ગયું છે. એટલે કે, માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં આ બજાર બમણા કરતાં પણ વધારે વિસ્તર્યું છે. વાર્ષિક ધોરણે તેમાં ૬૦.૬% નો જંગી વધારો નોંધાયો છે.
જો માર્ચ ૨૦૨૬ના આંકડાઓ પર નજર કરીએ તો, તે સમયે રૂપિયા ૧૮.૬ લાખ કરોડના ગોલ્ડ લોન પોર્ટફોલિયોએ રૂપિયા ૧૬.૫ લાખ કરોડના પર્સનલ લોન માર્કેટને પણ પાછળ છોડી દીધું હતું. નિષ્ણાતોના મતે, જો આ જ રફતાર જળવાઈ રહેશે તો માર્ચ ૨૦૨૮ સુધીમાં આ બજાર રૂપિયા ૩૦ લાખ કરોડનો આંકડો પાર કરી જશે. વૈશ્વિક સ્તરે કોઈ સત્તાવાર રેન્કિંગ ન હોવા છતાં, ભારત આજે વિશ્વના સૌથી મોટા ગોલ્ડ લોન બજારોમાં અગ્ર સ્થાને આવી ગયું છે.
ગોલ્ડ લોન હવે માત્ર કટોકટીના સમયનો સહારો નથી રહી, પરંતુ નાના વેપારીઓ અને પરિવારો માટે મૂડી ઊભી કરવાનું મુખ્ય માધ્યમ બની છે. સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં દેશમાં ૫.૬ કરોડ લોનધારકો અને અંદાજે ૧૦.૨ કરોડ સક્રિય ગોલ્ડ લોન ખાતા નોંધાયા છે. તેમાં સૌથી વધારે મહત્વની વાત એ છે કે, કુલ લોનધારકોમાં ૨.૪ કરોડ મહિલાઓ સામેલ છે, જે સમગ્ર પોર્ટફોલિયોમાં ૪૨.૨% જેટલો મોટો હિસ્સો ધરાવે છે.
વધારે વિગતે જોઈએ તો, ટિયર-૩ અને તેનાથી નાના શહેરોમાં ૩.૭ કરોડ લોકોએ સોના પર લોન લીધી છે, જેમાં છેલ્લા ૩ વર્ષમાં ૧૬.૧ ટકા ના ચક્રવૃદ્ધિ દરે વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૭ના બીજા ક્વાર્ટરમાં અપાયેલી નવી ગોલ્ડ લોનની કુલ કિમતમાં નાના શહેરોનો હિસ્સો ૬૩.૪% રહ્યો છે.
ભારતના કુલ ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં દક્ષિણના પાંચ રાજ્યોનો હિસ્સો લગભગ ૭૨ ટકા છે. જેમાં રાજ્યોની સ્થિતિ અંગે વાત કરીએ તો, ૬.૯ લાખ કરોડ સાથે તમિલનાડુ મોખરે છે, ત્યારબાદ ૩.૭ લાખ કરોડ સાથે આંધ્રપ્રદેશ, ૨.૪ લાખ કરોડ સાથે કર્ણાટક અને ૧.૭ લાખ કરોડ સાથે કેરળનો ક્રમ આવે છે.
માર્ચ ૨૦૨૬ સુધીના આંકડા મુજબ, દેશની ત્રણ મોટી ગોલ્ડ લોન કંપનીઓ મુથૂટ ફાઇનાન્સ, મણપ્પુરમ ફાઇનાન્સ અને IIFL ફાઇનાન્સ પાસે ગ્રાહકોનું કુલ ૩૩૪ ટન સોનું ગીરવે પડેલું હતું. આ જથ્થો ભારતીય રિઝર્વ બેંકના ૮૮૦.૫૨ ટનના સત્તાવાર સુવર્ણ ભંડારના આશરે ૩૮ ટકા જેટલો થાય છે. જોકે, આ સોનું બેંકો કે કંપનીઓની માલિકીનું નહીં, પરંતુ સામાન્ય ગ્રાહકોની અમાનત છે.
RBI ૨૦૨૫ની કોલેટરલ (ગીરો મૂકેલી સંપત્તિ) અંગેની માર્ગદર્શિકા ૦૧ એપ્રિલ, ૨૦૨૬થી ફરજિયાત બની છે. લોન-ટુ-વેલ્યુ મર્યાદાની વાત કરીએ તો, રૂપિયા ૨.૫ લાખ સુધીની વપરાશલક્ષી લોન માટે ૮૫ ટકા, રૂપિયા ૨.૫ લાખથી વધુ અને રૂપિયા ૫ લાખ સુધીની લોન માટે ૮૦ ટકા અને રૂપિયા ૫ લાખથી વધુની લોન માટે ૭૫ ટકા. લોનની ચુકવણી થઈ ગયા બાદ, ગીરો મૂકેલું સોનું નિર્ધારિત કાર્યદિવસોની અંદર પરત કરી દેવું આવશ્યક છે
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
