News of Thursday, 29th October 2026
ઊર્જા ક્ષેત્રે ભારતની મહાક્રાંતિ: મોંઘા તેલથી મળશે મુક્તિ : ૨૦૩૦ સુધીમાં ₹૧ લાખ કરોડની થશે જંગી બચત!
નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ ૫૦ મિલિયન મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જન ઘટશે : ₹૮ લાખ કરોડથી વધુનું રોકાણ આવશે અને ૬ લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન થશે

નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે કાચા તેલના અસ્થિર ભાવ અને ઊર્જા ક્ષેત્રે વિદેશી દેશો પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારતે એક આક્રમક અને મેગા પ્લાન તૈયાર કર્યો છે. ગલ્ફ યુદ્ધ પછીના અનુભવોમાંથી પાઠ શીખીને દેશે ઊર્જા આત્મનિર્ભરતા તરફ કદમ વધાર્યા છે, જેના ભાગરૂપે 'રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન' ને અત્યંત વેગ આપવામાં આવી રહ્યો છે. સત્તાવાર ફેક્ટશીટ અનુસાર, ભારતે ૨૦૩૦ સુધીમાં વાર્ષિક ૫ મિલિયન મેટ્રિક ટન (5 MMT) ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. આ મહત્વાકાંક્ષી યોજનાથી ભારતનો અશ્મિભૂત ઇંધણ (Fossil Fuel) આયાત ખર્ચ વાર્ષિક આશરે ₹૧ લાખ કરોડ ઘટી જશે, જે દેશના અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
ગ્રીન હાઇડ્રોજન મિશન માત્ર પર્યાવરણ અને ઊર્જા સુરક્ષા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવવા માટે પણ સજ્જ છે. સરકારના અંદાજ મુજબ, આ ક્ષેત્રમાં ₹૮ લાખ કરોડથી વધુનું જંગી વિદેશી અને સ્થાનિક રોકાણ આકર્ષાશે, જેનાથી ઉત્પાદન, માળખાકીય સુવિધાઓ અને સંશોધન જેવા ક્ષેત્રોમાં ૬,૦૦૦,૦૦૦ (૬ લાખ) થી પણ વધુ નવી રોજગારીની તકો ઉભી થશે. આ ઉપરાંત, આ પ્રમાણમાં ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન અને વપરાશથી દર વર્ષે ૫૦ મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન રોકી શકાશે, જે ક્લાઇમેટ ચેન્જ સામેની ભારતની વૈશ્વિક લડાઈને વધુ મજબૂત બનાવશે.
ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ભારતને ગ્લોબલ હબ બનાવવા માટે દેશના વિવિધ રાજ્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ ભાગીદારી જોવા મળી રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોએ પોતાની સમર્પિત ગ્રીન હાઇડ્રોજન નીતિઓ જાહેર કરી દીધી છે. વૈશ્વિક સ્તરે, ભારતે ઓસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાન્સ, સાઉદી અરેબિયા, UAE અને યુએસએ જેવા અગ્રણી દેશો સાથે મહત્વપૂર્ણ કરારો કર્યા છે. ગ્રીન હાઇડ્રોજન માટે પારદર્શક સર્ટિફિકેશન સિસ્ટમ અને ડિજિટલ પોર્ટલ શરૂ થવાથી ભારતીય ઉત્પાદકોને વૈશ્વિક બજારોમાં નિકાસ માટે ખૂબ મોટો લાભ મળશે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
