તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
ભારતની હરિત ક્રાંતિ: છેલ્લા એક દાયકામાં નવીનીકરણીય ઉર્જા ક્ષમતા ૨૮૮ ગીગાવોટને પાર, દેશમાં રોકાણનો ધમધમાટ!
૨૦૧૪ માં માત્ર ૭૬ ગીગાવોટથી વધીને જંગી ઉછાળો: સૌર ઉર્જા એકલી ૧૬૨ ગીગાવોટે પહોંચી; રાજ્યસભામાં કેન્દ્ર સરકારનો સત્તાવાર દાવો

નવી દિલ્હી : ભારતમાં ક્લીન અને ગ્રીન એનર્જી (હરિત ઉર્જા) ના ક્ષેત્રે એક અદ્ભુત ક્રાંતિ જોવા મળી રહી છે. દેશમાં નવીનીકરણીય ઉર્જા (Renewable Energy) ની સ્થાપિત ક્ષમતામાં છેલ્લા દસ વર્ષમાં ચાર ગણો વિરાટ ઉછાળો નોંધાયો છે. વર્ષ ૨૦૧૪ માં જે ક્ષમતા માત્ર ૭૬ ગીગાવોટ હતી, તે આ વર્ષે ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં વધીને ૨૮૮ ગીગાવોટથી વધુ થઈ ગઈ છે.
રાજ્યસભામાં એક લેખિત જવાબ આપતાં નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ યેસો નાઈકે આ આંકડા રજૂ કરતાં જણાવ્યું હતું કે, ભારત આજે સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બની રહ્યું છે.
સૌર ઉર્જાનો સૌથી મોટો દબદબો
કેન્દ્રીય મંત્રી દ્વારા આપવામાં આવેલા ક્ષેત્રવાર આંકડા અનુસાર:
· સૌર ઉર્જા (Solar Power): ૧૬૨ ગીગાવોટથી વધુ
· પવન ઉર્જા (Wind Power): લગભગ ૫૮ ગીગાવોટ
· જળ ઉર્જા (Hydro Power): ૫૭ ગીગાવોટ
· બાયો પાવર (Bio Power): ૧૧ ગીગાવોટથી વધુ
૪૬ અબજ ડોલરનું જંગી વિદેશી રોકાણ
ઉર્જા ક્ષેત્રે થયેલી આ પ્રગતિ પાછળ દેશી અને વિદેશી રોકાણકારોનો ભારે વિશ્વાસ રહેલો છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ થી ૨૦૨૫-૨૬ ના સમયગાળા દરમિયાન આ ક્ષેત્રમાં લગભગ ૪૬ અબજ ડોલરનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) આકર્ષાયું છે.
આ ઉપરાંત, દેશની ૧૨ જાહેર ક્ષેત્રની બેંકો, IREDA, PFC, REC, IIFCL, NabFID અને SIDBI જેવી સ્થાનિક નાણાકીય સંસ્થાઓએ પણ નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સ માટે ૧૨ લાખ કરોડ રૂપિયાથી વધુનું ધિરાણ પૂરું પાડ્યું છે, જેનાથી ભારત પોતાના નેટ-ઝીરો કાર્બન લક્ષ્યાંક તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
