News of Saturday, 21st November 2026
સર્વાઇકલ કેન્સર સામે ભારતની ઐતિહાસિક છલાંગ: ૯ મહિનાથી ઓછા સમયમાં ૧ કરોડથી વધુ HPV રસીના ડોઝ અપાયા!
ગુજરાત સહિત ૬ રાજ્યોએ હાંસલ કર્યું ૧૦૦ ટકા રસીકરણ કવરેજ : જેપી નડ્ડાએ આ સિદ્ધિને બિરદાવતા માતા-પિતાને ૧૪ વર્ષની દીકરીઓને U-WIN અને સરકારી કેન્દ્રો પર મફત સિંગલ-ડોઝ રસી અપાવવા કરી અપીલ

નવી દિલ્હી : ભારતે મહિલા સ્વાસ્થ્ય અને સર્વાઇકલ કેન્સર નિવારણની દિશામાં એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરતાં રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાન હેઠળ નવ મહિનાથી પણ ઓછા સમયમાં ૧ કરોડ (૧૦ મિલિયન) થી વધુ કિશોરીઓને રસી આપીને મોટો રેકોર્ડ સર્જ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૬માં શરૂ કરાયેલા આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત પ્રથમ વર્ષમાં આશરે ૧.૨ કરોડ (૧૨ મિલિયન) છોકરીઓના રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાંથી અત્યાર સુધીમાં લગભગ ૮૭ ટકા લક્ષ્ય સિદ્ધ થઈ ચૂક્યું છે. હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) ચેપ સર્વાઇકલ કેન્સરનું મુખ્ય કારણ બની શકે છે, ત્યારે નાની ઉંમરે અપાતી આ રસી ભવિષ્યમાં ગંભીર બીમારીનું જોખમ ઘટાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ કવચ પૂરું પાડે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ સિદ્ધિની જાણકારી આપતાં જણાવ્યું હતું કે ગુજરાત, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મિઝોરમ, મધ્ય પ્રદેશ અને બિહાર એમ કુલ છ રાજ્યોએ ૧૦૦ ટકા રસીકરણ કવરેજ પ્રાપ્ત કરીને દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે, જ્યારે અન્ય ૧૨ રાજ્યોએ ૮૦ ટકાનો આંકડો વટાવી દીધો છે. તેમણે આ ઝડપી પ્રગતિનો શ્રેય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો, આરોગ્યસંભાળ વ્યાવસાયિકો, ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ તેમજ જાગૃત માતા-પિતાની સામૂહિક પ્રતિબદ્ધતાને આપ્યો હતો, જેમના સહયોગથી ભારત સર્વાઇકલ કેન્સર મુક્ત ભવિષ્ય તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે.
આ અભિયાન હેઠળ ૧૪ વર્ષ અને તેથી વધુ ઉંમરની પાત્ર છોકરીઓને માતા-પિતાની સંમતિથી સરકારી આરોગ્ય કેન્દ્રો અને 'U-WIN' ડિજિટલ પ્લેટફોર્મ મારફતે સંપૂર્ણપણે મફત, સલામત અને સ્વૈચ્છિક સિંગલ-ડોઝ રસી આપવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ ખાસ સંદેશ જારી કરીને માતા-પિતાને અપીલ કરી છે કે જો તેમના ઘરમાં ૧૪ વર્ષની દીકરી હોય, તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને આ મફત સિંગલ-ડોઝ રસીકરણનો લાભ અવશ્ય લેવો, કારણ કે દરેક ડોઝ દીકરીઓને ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
