<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

વિન્ડ પાવરમાં ભારતનો પ્રચંડ ઉછાળો: ૨૦૩૦ પહેલાં જર્મનીને પાછળ ધકેલી વિશ્વમાં ત્રીજું સ્થાન મેળવવાની પ્રબળ તૈયારી દેશભરમાં જોરશોરથી શરૂ

૧૦૭ ગીગાવોટ પાર કરવાની દોડ; ૪૩ ગીગાવોટ યોજનાઓ નિર્માણાધીન, વાર્ષિક ટર્બાઇન ઉત્પાદન ક્ષમતા ૨૪ ગીગાવોટે પહોંચી, હરિત ઊર્જાને મળશે વેગ

નવી દિલ્હી : ભારત પવનશક્તિની સ્થાપિત ક્ષમતામાં જર્મનીને પાછળ ધકેલી વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયના સંયુક્ત સચિવ રાજેશ કુલ્હારીએ જણાવ્યું કે ભારતની સ્થાપિત પવનશક્તિ ક્ષમતા જુલાઈના અંતે ૫૮.૧૪ ગીગાવોટ થઈ છે. જર્મનીની ક્ષમતા હાલમાં આશરે ૭૭ ગીગાવોટ છે.

ભારતે આ વર્ષે બ્રાઝિલને પાછળ રાખી વિશ્વમાં ચોથું સ્થાન મેળવ્યું છે. હાલ ચીન લગભગ ૭૦૦ ગીગાવોટ સાથે પ્રથમ અને અમેરિકા ૧૬૦ ગીગાવોટથી વધુ ક્ષમતા સાથે બીજા ક્રમે છે. ભારત ૨૦૩૦ પહેલાં જર્મનીને વટાવી શકે છે અને તેની ક્ષમતા ૧૦૭ ગીગાવોટથી ઉપર પહોંચવાની સંભાવના છે.

દેશમાં હાલમાં અંદાજે ૪૩ ગીગાવોટની પવન ઊર્જા યોજનાઓ બાંધકામ અથવા અમલીકરણના તબક્કામાં છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વિક્રમજનક ૬.૦૫ ગીગાવોટ નવી ક્ષમતા ઉમેરાઈ હતી. વર્ષ ૨૦૩૦ સુધી આશરે ૧૦૦ ગીગાવોટ અને ૨૦૩૫ સુધી ૧૫૫ ગીગાવોટ ક્ષમતા હાંસલ કરવાનો ઉદ્યોગનો લક્ષ્યાંક છે.

ભારતની વાર્ષિક પવન ટર્બાઇન ઉત્પાદન ક્ષમતા ૨૦૧૪ના ૧૦ ગીગાવોટથી વધીને ૨૪ ગીગાવોટ થઈ છે. સાધનોમાં ૭૦થી ૮૦ ટકા સ્થાનિક મૂલ્યવર્ધન થાય છે. પવન ઊર્જાનાં સાધનોની નિકાસ નાણાકીય વર્ષ દરમિયાન લગભગ ૫૦ ટકા વધીને ૧૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ થઈ છે.

(11:31 PM IST)