<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

રશિયા-યુક્રેન યુદ્ધ ઉકેલવા ભારતની મહત્ત્વની પહેલ: "જો જરૂર પડશે તો મધ્યસ્થી કરવા તત્પર", કિવમાં વિદેશ મંત્રી એસ. જયશંકરનો મોટો ધડાકો!

કાળા સમુદ્રમાં ભારતીય જહાજ પર હુમલા અને નાવિકોના મોત વચ્ચે જયશંકરની યુક્રેન મુલાકાત; યુક્રેનિયન વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં યુદ્ધ વિરામ અને સુરક્ષા મુદ્દે ગંભીર ચર્ચા

કિવ : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ અને વધતા જતાં વૈશ્વિક તણાવ વચ્ચે ભારતે ફરી એકવાર શાંતિ દૂતના રૂપમાં મોટી ભૂમિકા ભજવવાનો સંકેત આપ્યો છે. યુક્રેનની મહત્વપૂર્ણ મુલાકાતે પહોંચેલા ભારતના કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કિવ ખાતે પત્રકારો સાથે વાતચિત કરતા સત્તાવાર જાહેરાત કરી છે કે, રશિયા-યુક્રેન યુદ્ધનો કાયમી ઉકેલ લાવવા અને શાંતિ સ્થાપવા માટે જો જરૂર પડશે તો ભારત મધ્યસ્થી કરવા તેમજ કોઈપણ પ્રકારની મદદ કરવા સંપૂર્ણપણે તૈયાર છે.

 

આ મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે યુક્રેનના વિદેશ મંત્રી આન્દ્રી સિબિહા અને પોલેન્ડના નાયબ વડા પ્રધાન રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય પરામર્શ કર્યો હતો. સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, યુક્રેનિયન વિદેશ મંત્રી સાથેની સંયુક્ત વાટાઘાટોમાં જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "જો ભારત શાંતિ પ્રક્રિયામાં કોઈપણ રીતે યોગદાન આપી શકે તેમ હોય, તો અમે તે માટે હંમેશા તત્પર છીએ." ભારતે પુનરોચ્ચાર કર્યો હતો કે કોઈ પણ યુદ્ધનો ઉકેલ રણભૂમિમાં નહીં પરંતુ સંવાદ અને રાજદ્વારી વાટાઘાટો દ્વારા જ શક્ય છે.

 

આ મુલાકાત એટલા માટે પણ અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તાજેતરમાં કાળા સમુદ્ર (Black Sea) અને યુક્રેનના ઓડેસા બંદર પર વેપારી જહાજો પર થયેલા હુમલામાં ભારતીય નાવિકો ભોગ બન્યા હતા, જેમાં એક ભારતીયનું મોત થયું હતું અને અન્ય ઘાયલ થયા હતા. બેઠક દરમિયાન બંને મંત્રીઓએ કાળા સમુદ્રમાં વાણિજ્યિક શિપિંગની સુરક્ષા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે વૈશ્વિક દરિયાઈ માર્ગો પર ભારતીય નાવિકોની સલામતી સુનિશ્ચિત કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. ડૉ. જયશંકરની આ કિવ મુલાકાતથી વૈશ્વિક ભૂ-રાજનીતિમાં ભારતની શાંતિપ્રિય અને મધ્યસ્થ તરીકેની છબી વધુ મજબૂત બની છે.

 

(9:06 PM IST)