<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

રશિયામાં ભારતના 'કાવેરી' ડ્રાય એન્જિનનો ઐતિહાસિક ચમત્કાર: પાઇલટ વગરના ઘાતક સ્ટીલ્થ ડ્રોનને મળશે સ્વદેશી તાકાત!

લક્ષ્યાંક કરતાં વધુ થ્રસ્ટ પેદા કરીને રશિયાના કઠિન પરીક્ષણોમાં સફળ સાબિત થયું દેશી એન્જિન: ડીઆરડીઓની ઘાતક યુસીએવી (UCAV) પરિયોજનાને મળશે નવી ઊંચાઈ

મોસ્કો : ભારતીય રક્ષા ક્ષેત્ર માટે એક અત્યંત ગર્વ અને ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે. ભારતમાં સ્વદેશી ટેક્નોલોજીથી વિકસાવવામાં આવેલું 'કાવેરી ડ્રાય એન્જિન' રશિયામાં સફળ પરીક્ષણો પાર પાડીને નવો ઇતિહાસ રચ્યો છે. રશિયાની વિષમ અને અત્યાધુનિક પરિસ્થિતિઓમાં કરવામાં આવેલા હાઈ-એલ્ટિટ્યુડ તથા ફ્લાઈટ ટ્રાયલ્સમાં આ એન્જિને અપેક્ષા કરતા પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સફળતાથી ભારતના આગામી સમયના પાઇલટ વગરના ઘાતક ડ્રોન પ્રોજેક્ટને એક મજબૂત અને સ્વદેશી પાવર સોર્સ મળી ગયો છે.

 

ધારણા કરતાં વધુ થ્રસ્ટ પેદા કરવામાં કાવેરી એન્જિન રહ્યું સફળ

 

મળતી માહિતી મુજબ, આ અદ્યતન એન્જિન ૪૮.૫ કિલોન્યૂટન થ્રસ્ટ પેદા કરવામાં સફળ સાબિત થયું છે, જ્યારે તેનું લક્ષ્ય ૪૬ કિલોન્યૂટન થ્રસ્ટ પેદા કરવાનું હતું. 'ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટેબ્લિશમેન્ટ' (GTRE) દ્વારા તૈયાર કરાયેલા આ એન્જિનનું ડ્રાય વર્ઝન ડ્રોન જેવા પ્લેટફોર્મ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. રશિયાના ઊંચાઈવાળા વિસ્તારોમાં કરવામાં આવેલા કઠિન પરીક્ષણોમાં આ એન્જિને પૂરવાર કરી દીધું છે કે તેની ડિઝાઇન અને એન્જિનિયરિંગ અત્યંત મજબૂત છે. આફ્ટરબર્નર વગરના આ એન્જિનથી ડ્રોન લાંબા સમય સુધી સ્થિરતા પૂર્વક પૂરતો થ્રસ્ટ જાળવી રાખી શકે છે.

 

એરવર્થિનેસ સર્ટિફિકેટ બાદ એચએએલ દ્વારા મોટા પાયે થશે ઉત્પાદન

 

હવે આ એન્જિન માટે 'સેન્ટર ફોર મિલિટરી એરવર્થિનેસ એન્ડ સર્ટિફિકેશન્સ' (CEMILAC) ની અંતિમ મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. સર્ટિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થતાં જ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરવામાં આવશે. ડીઆરડીઓ (DRDO) ના મહત્ત્વાકાંક્ષી સ્ટીલ્થ ડ્રોન 'ઘાતક યુસીએવી' (UCAV) માટે આ સ્વદેશી એન્જિન દેશની રક્ષા ક્ષમતાને આત્મનિર્ભર બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે, જેનાથી દુશ્મન દેશોની સીમામાં જઈને મિશન પાર પાડવાની ભારતની તાકાત અનેકગણી વધી જશે.

(7:24 PM IST)