<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

આકાશી યુદ્ધના ગ્લોબલ રેન્કિંગમાં ભારતનો ડંકો: ડ્રેગનને પછાડીને ભારતીય વાયુસેના વિશ્વમાં ત્રીજા ક્રમે; જાણો નંબર-૧ અને ૨ પર કોણ?

WDMMA ૨૦૨૬ના ગ્લોબલ રેટિંગમાં પાંચમી વખત ચીનને ધૂળ ચટાવતી ભારતીય વાયુસેના; સુપરપાવર અમેરિકા અને રશિયા બાદ ભારતની એરફોર્સ સૌથી તાકાતવર, કાફલામાં સામેલ છે ૧,૭૧૬ યુદ્ધવિમાનો

નવી દિલ્હી : ભારતીય સરહદોની રાત-દિવસ રક્ષા કરતી અને દુશ્મનોના કાળજા કંપાવતી ભારતીય વાયુસેનાએ (IAF) વૈશ્વિક સ્તરે ફરી એકવાર ભારતનું ગૌરવ વધાર્યું છે. લશ્કરી વિમાનોનું મૂલ્યાંકન કરતી પ્રતિષ્ઠિત વૈશ્વિક સંસ્થા 'વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોર્ડન મિલિટરી એરક્રાફ્ટ' (WDMMA) દ્વારા વર્ષ ૨૦૨૬નું વૈશ્વિક રેન્કિંગ જારી કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય યાદીમાં ભારતીય વાયુસેનાએ ચીનને જોરદાર પછડાટ આપીને ગ્લોબલ લીડરબોર્ડમાં પોતાનું ત્રીજું સ્થાન મજબૂતાઈથી જાળવી રાખ્યું છે. ૨૦૨૨ પછી આ સતત પાંચમી વખત છે જ્યારે ભારતે સામરીક અને તકનીકી ક્ષમતામાં ચીની વાયુસેનાને પાછળ છોડી દીધી છે.

WDMMA ના સત્તાવાર અહેવાલ મુજબ, વિશ્વમાં માત્ર બે જ દેશોની વાયુસેના ભારતીય વાયુસેના કરતાં આગળ છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સ (USAF) પ્રથમ ક્રમે અને રશિયન એરફોર્સ બીજા ક્રમે છે. આ રેન્કિંગ માત્ર વિમાનોની સંખ્યાના આધારે નહીં, પરંતુ સંસ્થાની જટિલ 'ટ્રુ વેલ્યુ રેટિંગ' (TVR) સિસ્ટમ દ્વારા નક્કી થાય છે, જે કાફલાની વિવિધતા, આધુનિકીકરણ, લોજિસ્ટિક્સ અને યુદ્ધ લડવાની એકંદર ક્ષમતાનું વિશ્લેષણ કરે છે.

ભારતીય કાફલાનું શક્તિશાળી ગણિત: ૧,૭૧૬ વિમાનોનું લોખંડી કવચ

ભારતીય વાયુસેના પાસે હાલમાં દરેક પ્રકારની કટોકટીને પહોંચી વળવા માટે અત્યંત સંતુલિત અને આધુનિક કાફલો છે.

 

વાયુસેનાના કાફલાનું વિગતવાર વિશ્લેષણ:

· ફાઇટર એરક્રાફ્ટ: કાફલામાં સાત અલગ-અલગ પ્રકારના ૫૪૨ અત્યાધુનિક ફાઇટર વિમાનો સામેલ છે (જેમાં સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં નિવૃત્ત થનારા મિગ-૨૧નો પણ સમાવેશ થાય છે).

· હેલિકોપ્ટર વિંગ: ભારતીય આકાશમાં ૪૯૮ હેલિકોપ્ટર તૈનાત છે, જેમાં ૨૨૨ પ્રખ્યાત Mi-17 અને ૧૧૧ ભારત નિર્મિત સ્વદેશી HAL 'ધ્રુવ' તથા 'રુદ્ર' હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે.

· ટ્રાન્સપોર્ટ અને ટ્રેનિંગ: સેનાના પરિવહન માટે ૨૮૨ ટ્રાન્સપોર્ટ વિમાન અને પાયલોટોને સજ્જ કરવા માટે ૩૭૪ તાલીમ (ટ્રેનિંગ) વિમાન છે.

· સ્પેશિયલ મિશન એરક્રાફ્ટ: દુશ્મન પર નજર રાખવા માટે એરબોર્ન પ્રારંભિક ચેતવણી પ્રણાલી (AWACS), જાસૂસી પ્લેટફોર્મ અને હવામાં જ ઇંધણ ભરતા (એરિયલ રિફ્યુઅલિંગ) ૨૦ ખાસ વિમાનો સામેલ છે.

અમેરિકા કેમ છે મહાસત્તા અને શું છે ગ્લોબલ સ્કોર?

આ રિપોર્ટમાં રેન્કિંગમાં ટોચ પર રહેલી અમેરિકન વાયુસેનાની તાકાતનું પણ વિશ્લેષણ કરાયું છે. અમેરિકાના કુલ કાફલામાં ૩૨ ટકા ફાઇટર વિમાનો છે, પરંતુ જો તેમાં બોમ્બર્સ અને ક્લોઝ એર સપોર્ટ એરક્રાફ્ટ ઉમેરવામાં આવે તો આ આંકડો સીધો ૪૧ ટકા પર પહોંચી જાય છે, જે તેને દુનિયાની સૌથી ઘાતક એરફોર્સ બનાવે છે.

WDMMA ૨૦૨૬: વિશ્વની ટોચની ૧૦ વાયુસેના (TVR સ્કોર)

ભારતે આ રેન્કિંગમાં મેળવેલી સફળતા પાછળ તેનું 'ઓપરેશન સિંદૂર' જેવી કપરી પરિસ્થિતિઓમાં આપેલું પ્રદર્શન, ભવિષ્યની ડિફેન્સ ડીલ્સ અને ભારતના પોતાના સ્વદેશી એરોસ્પેસ ઉદ્યોગ (મેક ઇન ઇન્ડિયા) ની વધતી તાકાત મુખ્ય કારણો છે, જેણે ચીન જેવા પડોશી દેશને આંચકો આપ્યો છે.

(9:40 PM IST)