News of Sunday, 19th April 2026
ટ્રમ્પના ‘ટેરિફ વૉર’ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન: વોશિંગ્ટનમાં લખાશે નવો વેપાર ઇતિહાસ
ટ્રમ્પના દરેક દેશ પર ૧૦% ટેરિફ લાદવાના આક્રમક નિર્ણય બાદ ભારતીય અધિકારીઓની ટીમ અમેરિકા દોડી : પલટાયેલા સંજોગોમાં $૫૦૦ બિલિયનના મહા-સોદાને નવો ઓપ આપવા મથામણ

નવી દિલ્હી: વૈશ્વિક વેપારના મેદાનમાં જ્યારે અમેરિકાએ ૧૦ ટકા ટેરિફનો નવો દાવ ખેલ્યો છે, ત્યારે ભારત પણ પોતાની રણનીતિ બદલવા સજ્જ થયું છે. વાણિજ્ય વિભાગના અધિક સચિવ દર્પણ જૈનની આગેવાનીમાં ૧૨ ઉચ્ચ અધિકારીઓની ટીમ ૨૦ એપ્રિલથી વોશિંગ્ટન ડીસીમાં ધામા નાખશે. આ મુલાકાત માત્ર ઔપચારિક નથી, પરંતુ અમેરિકા સાથેના દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ને ફરીથી લખવા માટેની એક નિર્ણાયક કવાયત છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ૨૪ ફેબ્રુઆરીથી જે ૧૫૦ દિવસીય ટેરિફ લાગુ કર્યો છે, તેણે જૂના તમામ સમીકરણો બદલી નાખ્યા છે. ભારત હવે નવા વાતાવરણમાં પોતાની નિકાસને સુરક્ષિત કરવા અને અમેરિકા પાસેથી ઊર્જા તેમજ ટેકનોલોજીના બદલામાં વધુ ફાયદાકારક શરતો મંજૂર કરાવવા માટે વાટાઘાટો કરશે.
ફેબ્રુઆરીમાં નક્કી થયેલા માળખા મુજબ, અમેરિકા ભારત પરના ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવા સંમત થયું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ અને ત્યારબાદ ટ્રમ્પના નવા આદેશોએ કરાર પર હસ્તાક્ષર થાય તે પહેલા જ તેને સમીક્ષા હેઠળ લાવી દીધો છે. ભારતનો પ્રસ્તાવ ઘણો મોટો છે; આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી ૫૦૦ બિલિયન ડોલરના ઉર્જા ઉત્પાદનો, એરક્રાફ્ટ અને કોકિંગ કોલ ખરીદવાનો ભારતનો ઈરાદો છે. આના બદલામાં ભારત અમેરિકાના કૃષિ ઉત્પાદનો, વાઇન અને બદામ જેવા માલ પરની આયાત ડ્યુટી ઘટાડવા તૈયાર છે. જોકે, હવે જ્યારે અમેરિકાએ તમામ ભાગીદારો માટે સમાન ૧૦ ટકા ટેરિફની નીતિ અપનાવી છે, ત્યારે ભારત પોતાના સ્પર્ધકો કરતા શ્રેષ્ઠ સ્થાન મેળવવા માટે નવા કરારમાં કઈ છૂટછાટો મેળવે છે તેના પર સૌની નજર રહેશે.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ચીન ફરીથી ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બનતા દિલ્હી માટે ચિંતા વધી છે. અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ પણ ૪૦.૮૯ બિલિયન ડોલરથી ઘટીને ૩૪.૪ બિલિયન ડોલર થઈ ગયો છે, જે દર્શાવે છે કે અમેરિકા સાથે વેપાર વધારવા માટે આક્રમક રણનીતિ અનિવાર્ય છે. વોશિંગ્ટનમાં યોજાનારી આ ત્રણ દિવસીય બેઠકમાં યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા ભારત સામે કરાયેલી તપાસોને રદ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવશે. આ મંત્રણા માત્ર આર્થિક નથી, પરંતુ ભૌગોલિક-રાજકીય રીતે પણ અત્યંત મહત્વની છે કારણ કે ભારત ટ્રમ્પના "અમેરિકા ફર્સ્ટ" ના અભિગમ વચ્ચે "મેક ઇન ઇન્ડિયા" ને વૈશ્વિક સ્તરે ટકાવી રાખવા મથામણ કરી રહ્યું છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
