<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

યુરોપના બજારો પર કબજો કરવા ભારતનો માસ્ટરપ્લાન: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ૩ દેશોની ઐતિહાસિક મુલાકાત; મોલ્ડોવા, રોમાનિયા અને ઉત્તર મેસેડોનિયા બનશે ભારતીય બિઝનેસના 'મહા-પ્રવેશદ્વાર'!

૩૦ વર્ષ બાદ કોઈ ભારતીય રાષ્ટ્રપતિ રોમાનિયાની ધરતી પર; વેપાર, ટેકનોલોજી અને ટુરિઝમના '3 Ts' ફોર્મ્યુલાથી ચીનને અપાશે મ્હાત, ભારત-EU મુક્ત વેપાર કરાર બાદ આર્થિક ક્રાંતિની આશા

નવી દિલ્હી : વૈશ્વિક મંચ પર ભારત પોતાની રાજદ્વારી અને આર્થિક તાકાતનો વિસ્તાર કરવા માટે એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી ૧૯ થી ૨૫ જુલાઈ દરમિયાન મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની સાત દિવસની ઐતિહાસિક મુલાકાતે રવાના થઈ રહ્યા છે. વિદેશ મંત્રાલય (MEA) ના જણાવ્યા અનુસાર, પૂર્વી યુરોપના આ દેશોની મુલાકાત માત્ર રાજદ્વારી સૌજન્ય પૂરતી સીમિત નથી, પરંતુ તે ભારતીય ઉદ્યોગપતિઓ અને વ્યવસાયો માટે યુરોપિયન યુનિયન (EU) ના વિશાળ બજારોમાં પ્રવેશવા માટે એક સુવર્ણ તક સાબિત થશે. વિદેશ મંત્રાલયે આ દેશોને યુરોપના "કુદરતી પ્રવેશદ્વાર" તરીકે ગણાવ્યા છે.

વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ ત્રણ દેશોનું ભૌગોલિક અને વ્યાપારી મહત્વ અત્યંત વધારે છે. તે એશિયા અને યુરોપ વચ્ચેની ગ્લોબલ સપ્લાય ચેઈનને જોડતી મજબૂત કડી છે અને આ મુલાકાત ભારતની વૈશ્વિક વેપાર નીતિમાં એક નવો વળાંક લાવશે.

વેપાર, ટેકનોલોજી અને પર્યટન: ભારતનો ત્રિશૂળ પ્લાન્ટ (3 Ts)

ભારત આ પ્રવાસ દરમિયાન મુખ્યત્વે ત્રણ મહત્વના સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરશે જેને સચિવ સિબી જ્યોર્જે '3 Ts' (Trade, Technology, Tourism - વેપાર, ટેકનોલોજી અને પર્યટન) તરીકે ઓળખાવ્યા છે. દક્ષિણ-પૂર્વ અને મધ્ય યુરોપને જોડતા આ રાષ્ટ્રો સુવિકસિત હાઇવે, રેલવે નેટવર્ક અને ઊર્જા કોરિડોરના કેન્દ્રબિંદુ (ક્રોસરોડ્સ) પર આવેલા છે. આથી, બાલ્કન ક્ષેત્રના આ દેશો દ્વારા ભારતીય સામાન ખૂબ જ સરળતાથી અને સસ્તા ભાડામાં પશ્ચિમ યુરોપના સમૃદ્ધ બજારો સુધી પહોંચાડી શકાશે. આ દેશો પોતે પણ ભારતીય રોકાણકારોને આવકારવા માટે અત્યંત આતુર છે.

રોમાનિયા: એશિયા અને યુરોપને જોડતું 'મહા લોજિસ્ટિક્સ હબ'

બાલ્કન્સ વેપાર માર્ગ કેવી રીતે ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે, તે સમજાવતા સચિવ જ્યોર્જે ખાસ કરીને રોમાનિયાના લોજિસ્ટિક્સ ફાયદાઓ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું, "રોમાનિયા પશ્ચિમ યુરોપને એશિયા અને મધ્ય પૂર્વ સાથે જોડતું એક મુખ્ય પરિવહન કેન્દ્ર (Transport Hub) છે. તેનું પ્રખ્યાત 'કોન્સ્ટેન્ટા બંદર' (Constanta Port) કાળા સમુદ્ર (Black Sea) દ્વારા મધ્ય એશિયા અને દૂર પૂર્વના બજારો માટે મોટો પ્રવેશમાર્ગ પૂરું પાડે છે. તદુપરાંત, 'સેન્ટ્રલ કોરિડોર' નામનો વેપાર માર્ગ રેલ અને સમુદ્ર મારફતે કનેક્ટિવિટી વધારે છે. આજના આધુનિક બિઝનેસમાં કનેક્ટિવિટી જ સૌથી મોટું હથિયાર છે."

ભારત-EU FTA ની અસર અને નવા દૂતાવાસો અંગે સ્પષ્ટતા

આ મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે આ વર્ષે જાન્યુઆરીમાં ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) ની ચર્ચાઓ સકારાત્મક રીતે પૂર્ણ થઈ છે. કરારના અમલીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી ચાલી રહી છે, જે આ પ્રવાસને વધુ મજબૂતાઈ આપશે.

જો કે, આ ક્ષેત્રમાં ભારતની વધતી સક્રિયતા વચ્ચે મોલ્ડોવા કે અન્ય દેશોમાં નવા દૂતાવાસો ખોલવાની અટકળો પર વિદેશ મંત્રાલયે પૂર્ણવિરામ મૂકતા સ્પષ્ટ કર્યું છે કે હાલમાં આવા કોઈ પ્રસ્તાવો વિચારણા હેઠળ નથી. છેલ્લા ત્રણ દાયકા (૩૦ વર્ષ) કરતાં વધુ સમયમાં કોઈ ભારતીય રાષ્ટ્રપતિની રોમાનિયાની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે, જેના પર વૈશ્વિક મીડિયા અને ખાસ કરીને ચીનની પણ બાજ નજર ટકેલી છે.

 

(7:47 PM IST)