<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

વૈશ્વિક બજારમાં ભારતનો માસ્ટરસ્ટ્રોક: 15 જુલાઈથી ભારત-યુકે હિસ્ટોરિક FTA અમલમાં : લંડનની સુપરમાર્કેટ્સમાં ભારતીય ચા-મસાલા અને દવાઓ સસ્તા ભાવે ખરીદશે જ્યારે ભારતીય નિકાસકારો અબજોની કમાણી કરશે

ભારતીય વેપારીઓની તિજોરી છલકાશે : ભારતમાં પણ યુકેથી આવતી હાઇ-ટેક મશીનરી, તબીબી સાધનો, ઓટોમોબાઇલ પાર્ટ્સ અને પ્રીમિયમ સ્કોચ વ્હિસ્કી પરની ડ્યુટી ઘટશે

નવી દિલ્હી: ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચેનો ઐતિહાસિક મુક્ત વેપાર કરાર આગામી 15 જુલાઈથી સત્તાવાર રીતે અમલી બનવા જઈ રહ્યો છે, જે બંને દેશોના આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય લખશે. આ મહા-સોદા હેઠળ બ્રિટિશ બજારમાં ભારતીય ઉત્પાદનો પર લાગતી આયાત જકાત (ઇમ્પોર્ટ ડ્યુટી) કાં તો નાબૂદ થશે અથવા ભારે ઘટાડો કરાશે, જેનાથી લંડનથી લઈને માન્ચેસ્ટર સુધી ભારતીય ચીજવસ્તુઓ અત્યંત સસ્તી અને સ્પર્ધાત્મક બનશે. જે બ્રિટિશરોએ ભારતીયોને ચા પીતા શીખવ્યું હતું, તેઓ હવે ભારતીય ચા, મસાલા, બાસમતી ચોખા અને જીવનરક્ષક જેનેરિક દવાઓ સસ્તા ભાવે વાપરશે, જેનાથી બ્રિટિશ ગ્રાહકોની ખરીદશક્તિનો સીધો આર્થિક ફાયદો ભારતના સ્થાનિક અર્થતંત્રને તિજોરીઓ ભરીને મળશે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, આ કરાર ભારતીય નિકાસકારો માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે કારણ કે બ્રિટિશરો સસ્તા ભાવે માલ ખરીદશે તેમ છતાં ઊંચી ખરીદશક્તિને લીધે ભારતીય વેપારીઓનો નફો અને ઓર્ડર્સ અનેકગણા વધી જશે. કાપડ, ફાર્માસ્યુટિકલ્સ, આઇટી, એન્જિનિયરિંગ અને હેન્ડલૂમ જેવા અગ્રણી ક્ષેત્રોમાં નવી રોજગારીની લાખો તકો ઊભી થશે. સામે પક્ષે, ભારતમાં પણ યુકેથી આવતી હાઇ-ટેક મશીનરી, તબીબી સાધનો, ઓટોમોબાઇલ પાર્ટ્સ અને પ્રીમિયમ સ્કોચ વ્હિસ્કી પરની ડ્યુટી ઘટશે, જેનાથી ભારતીય ઉદ્યોગોને અદ્યતન બ્રિટિશ ટેકનોલોજીનો સીધો લાભ મળશે.

આ ડીલ માત્ર માલસામાન પૂરતી સીમિત નથી, પરંતુ યુકેમાં સ્થાયી થયેલા અને ત્યાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સ માટે પણ જેકપોટ સમાન સાબિત થશે. નવી સામાજિક સુરક્ષા વ્યવસ્થા હેઠળ હવે ભારતીય આઇટી અને મેડિકલ પ્રોફેશનલ્સ પરથી બેવડા ટેક્સ અને સામાજિક સુરક્ષા ફંડનો બોજ હટી જશે, જેથી તેઓ બ્રિટનમાં કમાયેલા કરોડો રૂપિયાની મોટી બચત કરીને ભારત પરત લાવી શકશે. વૈશ્વિક વેપાર તણાવની વચ્ચે ભારત અને યુકે વચ્ચેનો આ મુક્ત વેપાર કરાર ભારતીય કંપનીઓને વૈશ્વિક પ્લેટફોર્મ પર સુપરપાવર બનાવવાની દિશામાં સૌથી મોટું હથિયાર સાબિત થશે.

(11:20 PM IST)