તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
ભારતનું ‘મેગા રેસ્ક્યુ’ ઓપરેશન: પશ્ચિમ એશિયાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ૧૧ લાખથી વધુ ભારતીયોની ઘરવાપસી, એરસ્પેસના અવરોધો વચ્ચે સુરક્ષિત રૂટ શોધી કાઢ્યા
યુદ્ધવિરામનો સમય પૂર્ણ થવાના આરે ત્યારે એરલાઇન્સ એક્શન મોડમાં: ઈરાન, ઈઝરાયેલ અને ગલ્ફ દેશોમાં ફસાયેલા નાગરિકો માટે ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત, વિદ્યાર્થીઓ અને માછીમારોની વહારે આવી સરકાર

નવી દિલ્હી, તા.૨૨: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ૨૨ એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહેલા બે અઠવાડિયાના યુદ્ધવિરામ વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. વિદેશ મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, ૨૮ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં અંદાજે ૧૧,૩૦,૦૦૦ (૧૧.૩ લાખ) મુસાફરો પશ્ચિમ એશિયાના વિવિધ દેશોમાંથી સુરક્ષિત રીતે ભારત પાછા ફર્યા છે. ભારત સરકારે વૈકલ્પિક રૂટ અને સતત ફ્લાઈટ ઓપરેશન દ્વારા આ ભગીરથ કાર્ય પાર પાડ્યું છે.
કયા દેશમાંથી કેવી રીતે થઈ રહી છે મુસાફરી?
વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (અખાત) અસીમ મહાજને જણાવ્યું હતું કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ્યાં એરસ્પેસ ખુલ્લી છે ત્યાંથી ફ્લાઈટ્સ ચાલુ રખાઈ છે:
• UAE: ભારત અને યુએઈ વચ્ચે આજે અંદાજે ૧૧૦ ફ્લાઈટ્સનું સંચાલન થવાની ધારણા છે.
• કતાર અને ઓમાન: કતારનું હવાઈ ક્ષેત્ર આંશિક રીતે ખુલ્લું હોવાથી કતાર એરવેઝની ૧૦ થી ૧૧ ફ્લાઈટ્સ કાર્યરત છે. સાઉદી અરેબિયા અને ઓમાનના એરપોર્ટ્સ પરથી પણ ભારતીયોની અવરજવર ચાલુ છે.
• કુવૈત: કુવૈતનું એરસ્પેસ બંધ હોવા છતાં, જઝીરા અને કુવૈત એરવેઝ સાઉદીના દમ્મામ એરપોર્ટ પરથી ભારતીયોને લાવવા માટે વિશેષ ફ્લાઈટ્સ ચલાવી રહી છે.
ઈરાનથી આર્મેનિયા થઈને સ્થળાંતર
તેહરાનમાં ભારતીય દૂતાવાસ અત્યારે સૌથી મુશ્કેલ કામગીરી કરી રહ્યું છે. ઈરાનથી ભારતીય નાગરિકોને આર્મેનિયા અને અઝરબૈજાનના રસ્તે ભારત લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨,૪૨૩ ભારતીયોને આ માર્ગે સુરક્ષિત ખસેડાયા છે, જેમાં ૧,૦૯૧ વિદ્યાર્થીઓ અને ૬૫૭ માછીમારોનો સમાવેશ થાય છે. ઈઝરાયેલથી આવતા મુસાફરો માટે જોર્ડન અને ઇજિપ્તના રૂટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ચોવીસ કલાક હેલ્પલાઈન અને સ્પેશિયલ કંટ્રોલ રૂમ
ભારત સરકારે પશ્ચિમ એશિયાના વિશાળ ભારતીય સમુદાય માટે એક સમર્પિત 'સ્પેશિયલ કંટ્રોલ રૂમ' શરૂ કર્યો છે. મંત્રાલયના અધિકારીઓ ચોવીસ કલાક હેલ્પલાઈન દ્વારા લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી રહ્યા છે. ભારતીય નાવિકો (Seafarers) ના કલ્યાણને ઉચ્ચ પ્રાથમિકતા આપીને તેમને તમામ પ્રકારની કોન્સ્યુલર સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
વ્યૂહાત્મક પ્રયાસો અને આર્થિક હિતોનું રક્ષણ
આ ગંભીર પરિસ્થિતિમાં ભારતની સક્રિયતા માત્ર સ્થળાંતર પૂરતી મર્યાદિત નથી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે તાજેતરમાં જ સાઉદી અરેબિયાની મુલાકાત લઈને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. ગલ્ફમાં રહેતા લાખો ભારતીયોની સુરક્ષા અને ભારતની ઊર્જા આયાત (ક્રૂડ ઓઈલ) પર કોઈ વિપરીત અસર ન પડે તે માટે ભારત ઇઝરાયેલ, પેલેસ્ટાઈન અને ઈરાન જેવા તમામ હિસ્સેદારો સાથે સતત સંપર્કમાં છે.
યુદ્ધના આ વાદળો વચ્ચે ભારતનું આ સફળ સ્થળાંતર અભિયાન વિશ્વભરમાં ભારતની 'સિટિઝન ફર્સ્ટ' નીતિ અને મજબૂત વિદેશ નીતિનું ઉદાહરણ પૂરું પાડે છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
