News of Tuesday, 29th September 2026
વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની મર્કન્ડાઈઝ નિકાસમાં ચમકારો: વર્તમાન નાણાકીય વર્ષમાં ૨૧ સપ્ટેમ્બર સુધી નિકાસમાં જબરદસ્ત ૧૫ ટકાનો વધારો!
મધ્ય પૂર્વમાં યુદ્ધના વિષમ સંજોગો વચ્ચે પણ દેશની નિકાસ મજબૂત: વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે ગુડ્સ અને સર્વિસીસ નિકાસ ૧ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ

નવી દિલ્હી : મધ્ય પૂર્વ અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ અને દરિયાઈ વેપાર માર્ગો પર દબાણ હોવા છતાં ભારતની નિકાસ ક્ષેત્રે દમદાર કામગીરી ચાલુ રહી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ગત ૨૧મી સપ્ટેમ્બર સુધીમાં દેશની મર્કન્ડાઈઝ (માલસામાન) નિકાસમાં ૧૫ ટકા જેટલો નોંધપાત્ર વધારો નોંધાયો છે. રોકાણ પરની ૧૪મી ભારત-યુએઈ (UAE) ટાસ્ક ફોર્સની બેઠક બાદ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે આ અંગેની મહત્ત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) મેળવવામાં વિશ્વમાં સાતમો ક્રમાંક ધરાવે છે અને આગામી નજીકના ભવિષ્યમાં ૨૫ અબજ ડૉલરનું રોકાણ મળવાની પ્રબળ શક્યતા છે.
ભૂ-રાજકીય તણાવ વચ્ચે પણ ભારતીય વેપારનો ડંકો વાગ્યો
વાણિજ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે એક તરફ રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વના તણાવ વચ્ચે સપ્લાય ચેઈન અને મુખ્ય દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ' ભારે દબાણ હેઠળ છે, તેવા સંજોગોમાં પણ ભારતની નિકાસમાં આ વૃદ્ધિ જોવા મળી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન નિકાસ ૧૭.૮૫ ટકા વધીને ૨૧૫.૯૧ અબજ ડૉલરની સપાટીએ પહોંચી હતી, જ્યારે આયાત ૧૮.૨૧ ટકા વધીને ૩૬૩ અબજ ડૉલર રહી હતી. એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના આયાત-નિકાસના અધિકૃત અને આખરી આંકડા ઓક્ટોબરના મધ્યમાં જાહેર કરવામાં આવશે.
ઓટોમોબાઈલ ક્ષેત્રે ભારત બન્યું નેટ એક્સપોર્ટર: ૧ ટ્રિલિયન ડૉલરનો મોટો લક્ષ્યાંક
તાજેતરમાં ભારતે વિવિધ દેશો સાથે કરેલા મુક્ત વેપાર કરારો (FTA) નિકાસ વૃદ્ધિમાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહ્યા છે, જેનાથી ઓટોમોબાઈલ ઉદ્યોગને મોટો ટેકો મળ્યો છે. પીયૂષ ગોયલે ઉદાહરણ આપતા કહ્યું કે અગાઉ એક સમય હતો જ્યારે જાપાનથી કાર ભારતમાં આવતી હતી, પરંતુ આજે મારુતિ સુઝુકીએ એકલા જાપાન ખાતે ૧ લાખ કારની નિકાસ કરી છે, જે દર્શાવે છે કે ભારત હવે ઓટોમોબાઈલ ક્ષેત્રે ચોખ્ખો નિકાસકાર દેશ બની ગયો છે. વાણિજ્ય મંત્રાલય વર્તમાન નાણાકીય વર્ષમાં ગુડ્સ અને સર્વિસીસની કુલ નિકાસ આગલા વર્ષના ૮૬૩ અબજ ડૉલરથી વધારીને ૧ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડવાના મોટા લક્ષ્યાંક સાથે નિકાસકારો સાથે મળીને કામ કરી રહ્યું છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
