તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
અવકાશ ક્ષેત્રે ભારતનો નવો ઈતિહાસ: ઈસરો દ્વારા દેશના પ્રથમ અદ્યતન ઈમેજિંગ સેટેલાઈટ EOS-05 નું સફળ પ્રક્ષેપણ, કવિ કુમાર વિશ્વાસે શાયરાના અંદાજમાં શુભેચ્છા પાઠવી!
GSLV-F17 વ્હીકલ દ્વારા ૨૩૦૦ કિલોથી વધુ વજન ધરાવતા ઉપગ્રહને ૩૬,૦૦૦ કિમીની ઊંચાઈએ સફળતાપૂર્વક સ્થાપિત કરાયો: દેશની સરહદો પર રાખશે ચોવીસે કલાક નજર

નવી દિલ્હી, તા.૦૪: ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ અંતરિક્ષની દુનિયામાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઈસરોએ શુક્રવારે વહેલી સવારે દેશના સૌથી અદ્યતન અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ EOS-05 નું GSLV-F17 રોકેટ દ્વારા સફળ પ્રક્ષેપણ કર્યું છે. આ ભવ્ય સફળતા બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે, ત્યારે પ્રખ્યાત કવિ અને રાજકારણી ડૉ. કુમાર વિશ્વાસે સોશિયલ મીડિયા પર કાવ્યાત્મક અંદાજમાં 'સ્વર્ગ કે સમ્રાટ કો જાકર ખબર કર દો, રોજ હી આકાશ ચઢતે જા રહે હૈં હમ' લખીને ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.
'આકાશમાં ઉડતી આંખ' - ૩૬,૦૦૦ કિમીની ઊંચાઈથી રાખશે નજર:
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ૨૭ કલાકના કાઉન્ટડાઉન બાદ સવારે ૨:૫૫ વાગ્યે ૫૧.૭ મીટર ઊંચા GSLV-F17 રોકેટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાની માત્ર ૧૮ મિનિટમાં જ EOS-05 ઉપગ્રહ સફળતાપૂર્વક રોકેટથી અલગ થઈ ભૂ-સમન્વયિત ભ્રમણકક્ષા (Geosynchronous Orbit) માં ગોઠવાઈ ગયો હતો.
સામાન્ય રીતે પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહો લો અર્થ ઓર્બિટ (LEO) માં ગોઠવવામાં આવે છે, પરંતુ આ ૨૩૦૦ કિલોગ્રામ વજન ધરાવતો શક્તિશાળી સેટેલાઈટ પૃથ્વીથી ૩૬,૦૦૦ કિલોમીટરની ઊંચાઈએ રહીને પૃથ્વીની પરિભ્રમણ ગતિ સાથે સુમેળ સાધીને કામ કરશે. વૈજ્ઞાનિકોએ તેને "આકાશમાં ઉડતી આંખ" તરીકે વર્ણવ્યો છે.
કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન અને સરહદી સુરક્ષામાં ક્રાંતિકારી ફેરફાર:
આ સેટેલાઈટ ભારતની સરહદો પર ચોવીસે કલાક રિયલ-ટાઈમ હાઈ-રિઝોલ્યુશન ઈમેજ પૂરી પાડશે, જેનાથી દેશની વ્યુહાત્મક દેખરેખ ક્ષમતામાં અનેકગણો વધારો થશે. આ ઉપરાંત, કુદરતી આપત્તિઓ વખતે રાહત-બચાવ કાર્યો અને કૃષિ ક્ષેત્રે હવામાન તથા પાકની સ્થિતિનું સચોટ આકલન કરવામાં પણ આ ઉપગ્રહ મહત્વપૂર્ણ સાબિત થશે.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
