<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ભારતની નવી 'એસ-૪૦૦': DRDO એ લાંબા અંતરની ઘાતક મિસાઈલ 'કુશા'નું પ્રથમ ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડ્યું!

ઓડિશાના કલામ આઇલેન્ડ પરથી ડાયરેક્ટ હિટ: દુશ્મનના ફાઇટર જેટ, ડ્રોન અને મિસાઇલોનો આકાશમાં જ ખાતમો બોલાવશે ભારતનું નવું એર ડિફેન્સ કવચ

બાલાસોર/ભુવનેશ્વર : ભારતની આકાશ સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે આજે એક ઐતિહાસિક અને ગૌરવશાળી ક્ષણ નોંધાઈ છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ આજે ઓડિશાના કાંઠે આવેલા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ટાપુ પરથી લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી (LRSAM) સ્વદેશી મિસાઈલ 'કુશા' (Kusha) નું સફળ પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું છે. આ સફળતા સાથે જ ભારતે દુશ્મન દેશોની કોઈપણ હવાઈ નાપાક હિલચાલને આકાશમાં જ નેસ્તનાબૂદ કરવાની અચૂક ક્ષમતા હાસલ કરી લીધી છે.

હાઇ-સ્પીડ ઈલેક્ટ્રોનિક ટાર્ગેટને આકાશમાં જ રૅંજમાં લીધું

સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર:

·         ચોક્કસ નિશાન: આ પ્રથમ પરીક્ષણ દરમિયાન અત્યંત હાઈ-સ્પીડ અને વધુ ઊંચાઈ પર ઉડતા એક ઇલેક્ટ્રોનિક હવાઈ લક્ષ્ય (ટાર્ગેટ) પર સચોટ પ્રહાર કરવામાં આવ્યો હતો.

·         બહુવિધ ખતરાઓ સામે રક્ષણ: 'કુશા' મિસાઈલ સિસ્ટમ દુશ્મનના ઘાતક ફાઈટર જેટ્સ, કૂઝ અને બેલેસ્ટિક મિસાઈલો, માનવરહિત ડ્રોન (UAVs) અને વિશાળ સૈન્ય વિમાનોને ખૂબ જ લાંબા અંતરે અને ભારે ઊંચાઈ પર જ પિનપોઈન્ટ એક્યુરસી સાથે તોડી પાડવા માટે સક્ષમ છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાઠવ્યા અભિનંદન

આ ઐતિહાસિક સિદ્ધિ બદલ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDO ની સમગ્ર ટીમ, વૈજ્ઞાનિકો અને ભારતીય સેનાને સોશિયલ મીડિયા પર મુક્તકંઠે અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, "આ સફળ પરીક્ષણ ભારતની સંરક્ષણ સંશોધન અને સ્વનિર્ભરતાની દિશામાં એક સુવર્ણ સીમાચિહ્નરૂપ છે. વિશ્વના આંગળીના વેઢે ગણાય તેટલા ખૂબ જ જૂજ દેશો પાસે આટલા લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવવાની ક્ષમતા છે. 'કુશા' સિસ્ટમ ભારતના સંરક્ષણ આયાત પરના બોજને ઘટાડશે અને આપણી હવાઈ સુરક્ષાને અભેદ્ય કવચ પૂરું પાડશે."

'મેક ઇન ઇન્ડિયા' અને આત્મનિર્ભર ભારતનું નવું શિખર

'પ્રોજેક્ટ કુશા' હેઠળ વિકસાવવામાં આવી રહેલી આ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ભારતીય સશસ્ત્ર દળો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. ભારતની ભૌગોલિક સ્થિતિ અને સરહદી પડકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી આ સિસ્ટમ આકાશમાં સેંકડો કિલોમીટર દૂર સુધી સુરક્ષાચક્ર રચશે.

(9:12 PM IST)