<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

વૈશ્વિક દબાણ સામે ભારતની 'પાવર ગેમ': રશિયન LNG સ્વીકારવાનો ઈનકાર કરતા મધદરિયે ફસાયું રશિયન જહાજ, અમેરિકાના પ્રતિબંધોને કારણે દહેજ ટર્મિનલ પર એન્ટ્રી ન મળી!

વડાપ્રધાન મોદીની ઈંધણ બચતની અપીલ વચ્ચે ભારતનો મોટો નિર્ણય; પ્રતિબંધિત પોર્ટોવાયા પ્લાન્ટના ગેસને ભારતે નકાર્યો, રશિયન નાયબ ઉર્જા મંત્રીની મુલાકાત છતાં નિયમોમાં કોઈ બાંધછોડ નહીં

નવી દિલ્હી, તા.૧૩: યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારતની ઊર્જા રાજનીતિ એક નવા વળાંક પર પહોંચી છે. રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના તણાવમાં ભારતે અત્યંત સાવચેતીપૂર્વકનું વલણ અપનાવીને રશિયા પાસેથી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ખરીદવાનો ઈનકાર કરી દીધો છે. આ નિર્ણયને કારણે રશિયાનું એક વિશાળ ટેન્કર અત્યારે ગંતવ્ય સ્થાન વિના સમુદ્રમાં ભટકી રહ્યું હોવાના અહેવાલ છે.

દહેજ આવતું રશિયન જહાજ સિંગાપોર તરફ વળ્યું

પ્રાપ્ત વિગતો અનુસાર, 'કુનપેંગ' નામનું રશિયન LNG ટેન્કર રશિયાના પોર્ટોવાયા પ્લાન્ટમાંથી ગેસ લઈને ગુજરાતના દહેજ ટર્મિનલ પર આવવાનું હતું. જોકે, આ પ્લાન્ટ યુએસ પ્રતિબંધોની યાદીમાં હોવાથી ભારતીય અધિકારીઓએ આ શિપમેન્ટ સ્વીકારવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. શિપિંગ ડેટા અનુસાર, હવે આ જહાજ દહેજને બદલે સિંગાપોરના પાણીની નજીક કોઈ પણ ચોક્કસ ગંતવ્ય વિના ઊભું છે. ૩૦ એપ્રિલના રોજ રશિયન નાયબ ઉર્જા મંત્રી પાવેલ સોરોકિનની નવી દિલ્હીની મુલાકાત દરમિયાન ભારત સરકારે આ કડક વલણની જાણ કરી દીધી હતી.

તેલ ખરીદી ચાલુ પણ LNG પર કેમ બ્રેક?

ભારત અત્યારે પણ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે, પરંતુ LNGના કિસ્સામાં સ્થિતિ અલગ છે. નિષ્ણાતોના મતે, ક્રૂડ ઓઈલના કાર્ગોને સમુદ્રમાં એક જહાજમાંથી બીજા જહાજમાં ફેરવીને તેની ઓળખ છુપાવી શકાય છે, પરંતુ LNG શિપમેન્ટનું સેટેલાઇટ ટ્રેકિંગ અત્યંત સચોટ હોય છે. આથી, અમેરિકાના 'સેકન્ડરી સેન્ક્શન' (ગૌણ પ્રતિબંધો) થી બચવા માટે ભારત કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી. ભારત માત્ર એવો જ ગેસ ખરીદશે જે કોઈ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હેઠળ ન હોય.

ઊર્જા સુરક્ષા અને પીએમ મોદીની અપીલ

ભારત પોતાની જરૂરિયાતનો ૫૦ ટકા કુદરતી ગેસ આયાત કરે છે, જેમાંથી મોટો હિસ્સો હોર્મુઝની સામુદ્રધુની દ્વારા આવે છે. ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને કારણે આ માર્ગ અસ્થિર બન્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને બિનજરૂરી આયાત ઘટાડવા અને ઈંધણની બચત કરવા અપીલ કરી હતી. ભારત અત્યારે રશિયા સાથે ખાતર અને અન્ય લાંબા ગાળાના ગેસ કરારો માટે ચર્ચા કરી રહ્યું છે, પરંતુ પ્રતિબંધિત શિપમેન્ટને નકારીને ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાની ઊર્જા સુરક્ષા અને વૈશ્વિક નિયમો વચ્ચે સંતુલન જાળવી રાખશે.

(3:32 PM IST)