<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

ચીન અને પાકિસ્તાન સામે બાથ ભીડવા ભારતની મહાતૈયારી: દેશની સુરક્ષા કાજે ૩ વર્ષમાં ૨૬ નવા પરમાણુ બોમ્બ બનાવ્યા: ભારત દ્વારા અચાનક ૧૨ પરમાણુ હથિયારોને તૈનાત કરી દેવાયા

​નવી દિલ્હી: ભારત દેશની સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ કરવા માંગતું નથી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સ મુજબ ભારતે છેલ્લા ત્રણ વર્ષમાં ૨૬ નવા પરમાણુ હથિયારો વિકસાવ્યા છે. એટલું જ નહીં, ૧૨ જેટલા પરમાણુ બોમ્બને અચાનક સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત પણ કરી દેવામાં આવ્યા છે. ચીન અને પાકિસ્તાન દ્વારા સતત ઉભી થતી સરહદી અને આંતરિક સુરક્ષાની ચિંતાઓને પહોંચી વળવા માટે સંરક્ષણ ક્ષેત્રે આ એક મોટું અને આક્રમક પગલું માનવામાં આવે છે. બંને પાડોશી દેશોની હિલચાલ પર બાજનજર રાખીને ભારતે પોતાની પરમાણુ તાકાતમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

​સ્વીડનની સંસ્થા સિપ્રી (સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) અને અન્ય વૈશ્વિક સંરક્ષણ અહેવાલો દર્શાવે છે કે એશિયામાં પરમાણુ હથિયારોની સ્પર્ધા તેજ બની છે. ચીન પોતાના હથિયારોનો જથ્થો ઝડપથી વધારી રહ્યું છે, ત્યારે ભારતે પણ પોતાની સુરક્ષા નીતિ વધુ મજબૂત બનાવી છે. ભારતે પોતાની પરમાણુ ક્ષમતામાં પાકિસ્તાન કરતા પણ વધુ સ્પીડથી વધારો કર્યો છે અને જખીરો મોટો કર્યો છે.

​સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ ૨૬ નવા હથિયારોના ઉમેરા સાથે ભારતનો કુલ પરમાણુ જથ્થો હવે ૧૭૨ થી વધુ થઈ ગયો છે. ચીન જેવા શક્તિશાળી દેશને કાઉન્ટર કરવા અને પાકિસ્તાન દ્વારા થતી આતંકવાદી ગતિવિધિઓને દબાવી રાખવા આ ડરામણું શસ્ત્રબળ અત્યંત જરૂરી છે. અચાનક ૧૨ બોમ્બની તૈનાતી દર્શાવે છે કે ભારતીય સેના ગમે તે ઘડીએ કોઈપણ પડકારનો સામનો કરવા સંપૂર્ણ રીતે સજ્જ છે.

 

(9:31 AM IST)