<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

સાત સમુદ્ર પાર ભારતનો ડંકો: ન્યૂયોર્કના પ્રખ્યાત ટાઇમ્સ સ્ક્વેર પર છવાયા પીએમ મોદી, વડાપ્રધાનના બર્થડેનું પ્રવાસી ભારતીયોએ કર્યું ભવ્ય સેલિબ્રેશન!

અમેરિકાની અગ્રણી ભારતીય-અમેરિકન સંસ્થાઓનું એકતાનું પ્રદર્શન: વિશાળ બિલબોર્ડ પર બર્થડે મેસેજ ઝળકતાં જ ન્યૂયોર્કની શેરીઓમાં ઉજવાયો અનોખો ઉત્સવ

ન્યૂયોર્ક : દુનિયાના સૌથી વ્યસ્ત અને પ્રતિષ્ઠિત ગણાતા ન્યૂયોર્કના 'ટાઇમ્સ સ્ક્વેર' પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે એક અત્યંત અનોખો અને ગૌરવપૂર્ણ નજારો જોવા મળ્યો હતો. અમેરિકામાં વસતા ભારતીય સમુદાય (Indian Diaspora) દ્વારા પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતો એક ખાસ મેસેજ ટાઇમ્સ સ્ક્વેરના મહાકાય બિલબોર્ડ પર ડિસ્પ્લે કરવામાં આવ્યો હતો. આ ભવ્ય નજારો જોતાં જ ત્યાંથી પસાર થતા હજારો સ્થાનિકો અને પ્રવાસીઓનું ધ્યાન ખેંચાયું હતું અને સમગ્ર વિસ્તાર ભારતમય બની ગયો હતો.

 

આ યાદગાર આયોજન પાછળ અમેરિકાની અગ્રણી સામાજિક સંસ્થાઓનો મોટો સહયોગ રહ્યો હતો. ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન્સ (FIA), જયપુર ફૂટ USA, 'ધ ડાયાસ્પોરા બાય-વીકલી', ગુજરાતી એસોસિએશન્સ ઓફ નોર્થ અમેરિકા (GANA), FISANA, વડતાલ ધામ (ન્યૂ જર્સી) અને બિહાર ઝારખંડ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (BAJANA) જેવી અગ્રણી સંસ્થાઓએ એકજૂથ થઈને આ ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું.

 

બિલબોર્ડ પર પીએમ મોદીનો જન્મદિવસનો સંદેશ ઝળકતાં જ ઉપસ્થિત પ્રવાસી ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદેશી ધરતી પર વસતા ભારતીયોએ જણાવ્યું હતું કે, આ માત્ર એક શુભેચ્છા મેસેજ નથી પરંતુ ભારતની વધતી વૈશ્વિક તાકાત, ભારતીય સમુદાયની એકતા અને વડાપ્રધાનના નેતૃત્વ પ્રત્યેનો અમારો કૃતજ્ઞતાભાવ છે. તમામ સંસ્થાઓએ વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને રાષ્ટ્રસેવામાં સતત સફળતા માટે પ્રાર્થના કરી હતી. સોશિયલ મીડિયા પર પણ ટાઇમ્સ સ્ક્વેરનો આ વીડિયો વાયરલ થયો છે અને દેશ-વિદેશમાં વસતા ભારતીયો આ પહેલની ભારે પ્રશંસા કરી રહ્યા છે.

 

(5:37 PM IST)