<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

ભારતના જાણીતા કાનૂની વિદ્વાન પ્રો. ડૉ. બિમલ પટેલ આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી (ITLOS) માં જજ તરીકે ચૂંટાયા : વૈશ્વિક સ્તરે દેશનું ગૌરવ વધ્યું

યુએન ઇન્ટરનેશનલ લો કમિશનના સભ્ય અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર તરીકે સેવા આપતા પ્રો. ડૉ. બિમલ પટેલની ન્યૂયોર્ક ખાતે પ્રતિષ્ઠિત પદ પર વરણી : સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશને આપી બહુમતીથી જીતની બધાઈ

 યુનાઇટેડ નેશન્સ:  ભારતના જાણીતા અને પ્રતિષ્ઠિત કાનૂની વિદ્વાન પ્રો. ડૉ. બિમલ પટેલ આંતરરાષ્ટ્રીય અદાલત ‘ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી’ (ITLOS) ના જજ તરીકે ચૂંટાયા છે. ન્યૂયોર્ક ખાતે યોજાયેલી આ પ્રતિષ્ઠિત ચૂંટણીમાં તેમની ભવ્ય જીત થઈ છે. પ્રો. ડૉ. બિમલ પટેલ હાલમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) ના ઇન્ટરનેશનલ લો કમિશનના સભ્ય છે અને ‘સક્સેસન ઓફ સ્ટેટ્સ ઇન રિસ્પેક્ટ ઓફ સ્ટેટ રિસ્પોન્સિબિલિટી’ પરના વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત છે. આ ઉપરાંત, તેઓ ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ના વાઇસ-ચાન્સેલર અને પબ્લિક ઇન્ટરનેશનલ લો ના પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ વડાપ્રધાન કાર્યાલય (PMO) ના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અંતર્ગત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય પણ છે. તેમની આ વૈશ્વિક વરણીથી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું કાનૂની કદ વધુ મજબૂત બન્યું છે.

 

  ભારતના કાયમી મિશને આપી શુભેચ્છા, બહુપક્ષવાદ પ્રત્યે પ્રતિબદ્ધતા દોહરાવી:

પ્રો. ડૉ. બિમલ પટેલની આ ઐતિહાસિક પસંદગી બાદ સંયુક્ત રાષ્ટ્ર ખાતેના ભારતના કાયમી મિશને ગુરુવારે સત્તાવાર અભિનંદન પાઠવ્યા હતા. મિશને જણાવ્યું હતું કે, ન્યૂયોર્ક ખાતે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી (ITLOS) ના જજ તરીકે ચૂંટાવા બદલ પ્રો. ડૉ. બિમલ પટેલને ખૂબ ખૂબ અભિનંદન. તેમની આ ચૂંટણી બહુપક્ષવાદ અને સમુદ્રી કાયદા (લો ઓફ ધ સી) પ્રત્યે ભારતની કાયમી અને અડગ પ્રતિબદ્ધતાને વધુ આગળ ધપાવે છે. ભારતીય મિશને આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારતને સમર્થન આપનારા તમામ સભ્ય દેશોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો, સાથે જ યુએનસીએલઓએસ (UNCLOS) પ્રત્યે પોતાની દ્રષ્ટિ અને પ્રતિબદ્ધતા દર્શાવનારા અન્ય તમામ ઉમેદવારોના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા.

 

  ત્રણ દાયકાથી વધુની શાનદાર કાનૂની અને શૈક્ષણિક કારકિર્દી:

પ્રો. ડૉ. બિમલ પટેલ દેશ અને દુનિયાના અગ્રણી શિક્ષણશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રી અને વહીવટકર્તા તરીકે જાણીતા છે. ત્રણ દાયકાથી વધુ લાંબી તેમની વ્યાવસાયિક કારકિર્દી દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. તેઓ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) ના ડિરેક્ટર તરીકે લાંબો સમય સેવા આપી ચૂક્યા છે, જ્યાં તેમના નેતૃત્વમાં સંસ્થાએ મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. આ ઉપરાંત, તેઓ ભારતના ૨૧મા લો કમિશન (કાયદા પંચ) ના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ પ્રોફાઈલ અનુસાર, પ્રો. ડૉ. બિમલ પટેલે નેધરલેન્ડના ધ હેગ ખાતે આવેલી ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ (OPCW) અને યુનાઈટેડ નેશન્સ ઓફ યુથ જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક સંસ્થાઓમાં આશરે ૧૫ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસનીય કામગીરી કરી છે.

 

  શું છે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ (ITLOS) અને તેનું મહત્વ?

ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી (ITLOS) એ એક સ્વતંત્ર ન્યાયિક સંસ્થા છે. જેની સ્થાપના ૧૯૮૨ ના સંયુક્ત રાષ્ટ્રના સમુદ્રી કાયદાઓ અંગેના સંમેલન (UNCLOS) અંતર્ગત કરવામાં આવી હતી. આ ટ્રિબ્યુનલ પાસે સમુદ્રી કાયદાઓ અને સંમેલનોના અર્થઘટન અથવા તેના અમલીકરણને લગતા કોઈપણ આંતરરાષ્ટ્રીય વિવાદોના નિકાલ માટેની કાનૂની સત્તા અને અધિકારક્ષેત્ર છે. વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ, સમુદ્રી ક્ષેત્રોનું સીમાંકન, નેવિગેશન (નૌકાનયન), દરિયાઈ જીવંત સંસાધનોનું સંરક્ષણ અને વ્યવસ્થાપન, દરિયાઈ પર્યાવરણનું રક્ષણ-જાળવણી તેમજ દરિયાઈ વૈજ્ઞાનિક સંશોધનોને લગતા દેશો-દેશો વચ્ચેના વિવાદો આ અદાલતમાં ચલાવવામાં આવે છે. આ વૈશ્વિક ટ્રિબ્યુનલમાં કુલ ૨૧ સ્વતંત્ર સભ્યો (જજ) હોય છે, જેની ચૂંટણી સંમેલનના સભ્ય દેશો દ્વારા ગુપ્ત મતદાન પદ્ધતિથી કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના કાનૂની ક્ષેત્રના અગ્રણી નેતા નેરુ ચાઢા હાલમાં આ વૈશ્વિક ટ્રિબ્યુનલના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે.

(4:27 PM IST)