<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

યુએનમાં ભારતની ગર્જના: FATF ની તપાસથી ડરતા દેશો આંતરરાષ્ટ્રીય મંચ પર રાજકારણ કરવાનું બંધ કરે; આતંકવાદીઓને આશ્રય આપનારાઓ સામે ભારતે નામ લીધા વિના પાકિસ્તાનને તબડતોડ ધોઈ નાખ્યું!

'આતંકવાદનું ધિરાણ હવે હાઈટેક થયું... સોશિયલ મીડિયા સ્ટાર્સ, પોઈન્ટ્સ અને ક્રાઉડફંડિંગથી મોકલાય છે નાણાં'; યુએન એન્ટી-ટેરરિઝમ વીકમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશનું સનસનાટીભર્યું નિવેદન

ન્યૂયોર્ક : સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મંચ પરથી ભારતે આતંકવાદ અને તેના નાણાકીય નેટવર્ક (Terror Funding) ને લઈને પાકિસ્તાનનું નામ લીધા વિના તેની આકરી ઝાટકણી કાઢી છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે વૈશ્વિક વોચડોગ ગણાતી સંસ્થા 'ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ' (FATF) નો મજબૂત બચાવ કર્યો છે. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે, જે દેશો FATF ની ચકાસણી અને ગ્રે લિસ્ટના મૂલ્યાંકનથી નાખુશ છે, તેઓ વાસ્તવિક સુધારા કરવાને બદલે આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દાનું રાજકીયકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે આતંકવાદને આશ્રય આપતા દેશો પોતાની સરહદો અને નાણાકીય પ્રણાલીઓનો દુરુપયોગ અટકાવે અને દુનિયામાં અસ્થિરતાની નિકાસ કરવાનું બંધ કરે.

૨૦૨૬ આતંકવાદ વિરોધી સપ્તાહમાં ભારતની કડક ભૂમિકા

સંયુક્ત રાષ્ટ્રમાં ભારત અને ફ્રાન્સના કાયમી મિશન, UNOCT અને CTED દ્વારા સંયુક્ત રીતે આયોજિત "વિકસતા ખતરા અને ઉભરતી ટેકનોલોજીના સંદર્ભમાં આતંકવાદના ધિરાણનો સામનો" વિષય પર યોજાયેલી ખાસ બેઠકમાં પી. હરીશે ભારપૂર્વક પક્ષ રાખ્યો હતો.

ભારતે સ્પષ્ટ કર્યું કે FATF એ વૈશ્વિક મની લોન્ડરિંગ વિરોધી માળખાનો અત્યંત મહત્વનો સ્તંભ છે. તેનું કાર્ય સંપૂર્ણપણે ટેકનિકલ અને પુરાવા-આધારિત છે. ભૂતકાળમાં વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ દરમિયાન FATF ની ગ્રે લિસ્ટમાં રહી ચૂકેલા પાકિસ્તાન તરફ આડકતરો ઈશારો કરીને ભારતે કહ્યું કે, પ્રતિકૂળ મૂલ્યાંકનથી બચવાનો એકમાત્ર રસ્તો સંસ્થાને નબળી પાડવાનો નથી, પરંતુ પોતાના દેશમાં આતંકવાદી નેટવર્ક્સ સામે કડક અને અપરિવર્તનીય પગલાં લેવાનો છે.

ડિજિટલ યુગમાં આતંકવાદી ભંડોળની નવી ચાલ

ભારતે વૈશ્વિક સમુદાયને જાગૃત કરતા જણાવ્યું કે ડિજિટલ ટેકનોલોજીના વિકાસ સાથે આતંકવાદી સંગઠનોએ ભંડોળ મેળવવાના રસ્તા પણ બદલી નાખ્યા છે.

·         નવા ડિજિટલ હથિયાર: હવે આતંકવાદીઓ ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ, પ્રીપેડ નાણાકીય સાધનો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મળતા ડિજિટલ 'ટોકન્સ', 'સ્ટાર્સ' અને 'પોઈન્ટ્સ' જેવી રિવોર્ડ સિસ્ટમનો ઉપયોગ કરીને ટેરર ફંડિંગની આખી નવી ઇકોસિસ્ટમ ચલાવી રહ્યા છે.

·         નિયમનકારી પડકાર: આ પદ્ધતિઓ સસ્તી, ઝડપી અને નિયમોની પકડથી બહાર હોવાથી સરકારો માટે તેના પર જોખમ-આધારિત કડક નિયંત્રણો લાદવા અનિવાર્ય બન્યા છે.

એન્ટી-મની લોન્ડરિંગમાં ભારત વિશ્વનું માર્ગદર્શક

ભારત વર્ષ ૨૦૧૦ થી FATF નું સક્રિય સભ્ય છે. ભારતે આ ક્ષેત્રે લીધેલા પ્રશંસનીય નિર્ણયોનો ઉલ્લેખ કરતા હરીશે જણાવ્યું કે, ભારતે તમામ વર્ચ્યુઅલ એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ક્રિપ્ટો વગેરે) ને તેના એન્ટી-મની લોન્ડરિંગ કાયદા હેઠળ લાવી દીધા છે અને સેન્ટ્રલાઈઝ્ડ એક્સચેન્જો માટે વેરિફિકેશનના નિયમો અત્યંત કડક કર્યા છે. નોંધનીય છે કે, હજુ આ જ મહિને ભારતના કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ વિવેક અગ્રવાલની જુલાઈ ૨૦૨૬ થી જૂન ૨૦૨૭ ના કાર્યકાળ માટે FATF ના ઉપ-પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, જે વૈશ્વિક સ્તરે ભારતની મજબૂત પકડ દર્શાવે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો દુરુપયોગ: યુએન ચીફની ચિંતા

આ હાઈ-લેવલ કોન્ફરન્સમાં યુએનના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે પણ વિશ્વમાં વધી રહેલી અસ્થિરતા અને આતંકવાદના ફેલાવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ગુટેરેસે ચેતવણી આપી હતી કે અલ-કાયદા અને દા'ઈશ (ISIS) જેવા સંગઠનો આફ્રિકા, દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ પ્લેટફોર્મ અને ડ્રોન (માનવરહિત શસ્ત્રો) નો ઉપયોગ કરીને નવા સભ્યોની ભરતી અને હુમલાઓનું આયોજન કરી રહ્યા છે. તેમણે તમામ દેશોને આ વૈશ્વિક આફત સામે એક થઈને લડવા આહવાન કર્યું હતું.

(7:58 PM IST)