તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
ભારતનો પાકિસ્તાનને સણસણતો જવાબ: 'આતંકવાદ બંધ નહીં થાય ત્યાં સુધી સિંધુ જળ સંધિ શરૂ થવાનો સવાલ જ નથી'
પાકિસ્તાનની ગર્ભિત ધમકીઓને ફગાવીને સ્પષ્ટ કર્યું કે સરહદ પારથી ચાલતી આતંકવાદી ગતિવિધિઓ વચ્ચે કોઈ વાટાઘાટો શક્ય નથી : આ સાથે ચીન-મ્યાનમાર-બાંગ્લાદેશ કોરિડોર પર કડક નજર રાખવાની અને અફઘાનિસ્તાન પર ઇસ્લામાબાદના હવાઈ હુમલાની સખત નિંદા કરી

નવી દિલ્હી: ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અને ચીનની મેલી મુરાદો સામે અત્યંત આક્રમક અને કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી સરહદ પારથી થતો આતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ નહીં થાય, ત્યાં સુધી સિંધુ જળ સંધિ ને પુનઃસ્થાપિત કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. પાકિસ્તાન તરફથી તાજેતરમાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનો અને પાણીને લઈને ભારત પર મુકાયેલા પાયાવિહોણા આરોપોનો જડબાતોડ જવાબ આપતાં ભારતે મક્કમતાપૂર્વક કહ્યું કે, "આતંક અને ચર્ચા બંને ક્યારેય એકસાથે ચાલી શકે નહીં." ભારત પોતાના રાષ્ટ્રીય હિતો અને સુરક્ષા સાથે કોઈ પણ સંજોગોમાં સમજૂતી કરવા તૈયાર નથી.
બીજી તરફ, ચીનની વિસ્તારવાદી નીતિઓ પર પ્રહાર કરતા ભારતે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) હેઠળ પ્રસ્તાવિત 'ચીન-મ્યાનમાર-બાંગ્લાદેશ કોરિડોર' અંગે પણ પોતાનું વલણ સાફ કરી દીધું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત આ ક્ષેત્રમાં થઈ રહેલી તમામ વ્યૂહાત્મક અને રાજદ્વારી હિલચાલ પર ખૂબ જ બારીકાઈથી નજર રાખી રહ્યું છે. પ્રવક્તાએ ભારપૂર્વક કહ્યું કે જ્યારે પણ અને જ્યાં પણ દેશની અખંડિતતા કે રાષ્ટ્રીય સુરક્ષા જોખમાતી જણાશે, ત્યારે ભારત સરકાર કોઈપણ વિલંબ વિના જરૂરી અને કડક પગલાં લેવામાં સહેજ પણ ખચકાશે નહીં. ડ્રેગનની આ નવી ચાલ સામે ભારત પોતાની સાર્વભૌમત્વ રક્ષવા માટે સંપૂર્ણ સજ્જ છે.
આ જ બ્રીફિંગમાં ભારતે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની સરહદ પર કરવામાં આવેલા ઘાતકી હવાઈ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી છે અને આ મામલે કાબુલ (તાલિબાન સરકાર) નું ખુલ્લું સમર્થન કર્યું છે. પાકિસ્તાની સૈન્યના આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત અંદાજે ૨૮ નિર્દોષ નાગરિકોના મોત થયા છે, જેને ભારતે 'બેજવાબદાર વર્તન અને આક્રમણ' ગણાવ્યું છે. ભારતે પીડિત અફઘાન પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા અફઘાનિસ્તાનની પ્રાદેશિક અખંડિતતાને પોતાનું પુરેપુરું સમર્થન જાહેર કર્યું છે અને મુશ્કેલીના સમયમાં ત્યાંના નાગરિકો માટે માનવતાવાદી સહાય તેમજ વિકાસ કાર્યો ચાલુ રાખવાની કટિબદ્ધતા દોહરાવી છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પડોશી દેશોની દાદાગીરી સામે ભારત હવે બેકફૂટ પર રહેવાના મૂડમાં નથી.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
