તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
અમેરિકી એજન્સીના રિપોર્ટ પર ભારતનો આકરો પ્રહાર: ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ભારતે અમેરિકાને ફટકાર્યું
વિદેશ મંત્રાલયે અમેરિકી પંચને પક્ષપાતી અને રાજકીય એજન્ડાવાળી સંસ્થા ગણાવી, યુએસમાં ભારતીયો પર થતા હેટ ક્રાઇમ્સ સામે મૌન રહેવા પર ઉઠાવ્યા ગંભીર સવાલો

નવી દિલ્હી : વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન અમેરિકી આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પંચ (USCIRF) દ્વારા ભારતમાં ધાર્મિક સ્થળો અને અલ્પસંખ્યકોની સ્થિતિ અંગે કરવામાં આવેલા દાખલાઓ અને ટિપ્પણીઓને સખત શબ્દોમાં ફગાવી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભારતે અમેરિકી પંચને અત્યંત પક્ષપાતી અને અધૂરી માહિતી ધરાવતી સંસ્થા ગણાવતા જણાવ્યું હતું કે આ એજન્ડા આધારિત પંચે ક્યારેય પોતાના જ દેશ એટલે કે અમેરિકામાં ભારતીય સમુદાય અને હિન્દુ કે અન્ય ધાર્મિક સ્થળો પર થતા નફરતના અપરાધો (હેટ ક્રાઇમ્સ) તથા વંશીય હુમલાઓ સામે અવાજ ઉઠાવ્યો નથી.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જે સંસ્થા પોતાના જ દેશમાં ભારતીય ડાયસ્પોરા અને લઘુમતીઓ સામેના ભેદભાવ તથા હિંસા પર આંખ આડા કાન કરતી હોય, તેવી પક્ષપાતી સંસ્થાની ટીકાઓને ગંભીરતાથી લઈ શકાય નહીં.
અમેરિકી પંચના કેટલાક કમિશનરો દ્વારા ભારતમાં ગુરુદ્વારાઓ અને પૂજાસ્થળોને નિશાન બનાવવામાં આવતા હોવાના આક્ષેપો કરાયા હતા, જેના જવાબમાં ભારતે કડક વલણ અપનાવતા આ તમામ આક્ષેપોને પાયાવિહોણા અને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે.
ભારત સરકાર દ્વારા અગાઉ પણ આવા અહેવાલો અને આંતરરાષ્ટ્રીય પંચોની દખલગીરીને નકારી કાઢવામાં આવી છે, કારણ કે ભારતની બહુસાંસ્કૃતિક, લોકશાહી અને સર્વસમાવેશક પરંપરાઓ વિશ્વભરમાં અનુકરણીય રહી છે.
આગામી સમયમાં ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને કૂટનીતિક સ્તરે આ પ્રકારના અહેવાલો સામે ભારતનું મજબૂત વલણ યથાવત રહેશે તેવી પૂરી સંભાવના છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
