<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

વૈશ્વિક સોફ્ટવેર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે ભારતની પ્રતિભાનો વાગ્યો ડંકો: આઈઆઈટી વારાણસીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અનિલ ચક્રવર્તી "એડોબ"ના નવા ગ્લોબલ સીઈઓ તરીકે નિયુક્ત; ૧૮ વર્ષથી જવાબદારી સંભાળતા શાંતનુ નારાયણ હવે એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે

​કંપનીમાં આંતરિક સ્તરેથી પસંદ કરાયેલા અનુભવી તજજ્ઞ સામે એઆઈ યુગમાં વધતી હરીફાઈ વચ્ચે સોફ્ટવેર સામ્રાજ્યને નવી ઊંચાઈએ પહોંચાડવાનો અને શેરબજારના રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો મોટો પડકાર

​સાન જોસ (કેલિફોર્નિયા): ટેકનોલોજી અને ડિઝાઈન સોફ્ટવેર ક્ષેત્રની વૈશ્વિક અગ્રણી કંપની એડોબ (Adobe) દ્વારા પોતાના સર્વોચ્ચ નેતૃત્વમાં મોટો અને ઐતિહાસિક ફેરફાર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કંપનીના વરિષ્ઠ અધિકારી અને ભારતીય મૂળના અનિલ ચક્રવર્તીને એડોબના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આગામી ૧ ડિસેમ્બરથી વિધિવત રીતે આ પદભાર ગ્રહણ કરશે. છેલ્લા ૧૮ વર્ષ કરતાં પણ વધુ સમયથી કંપનીની કમાન સફળતાપૂર્વક સંભાળી રહેલા શાંતનુ નારાયણ હવે બોર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેની નવી ભૂમિકા ભજવશે.

​એઆઈ ટેકનોલોજીના ઝડપી વિકાસ વચ્ચે એડોબ સામ્રાજ્ય સામે ઊભા થયેલા પડકારો અને સિલિકોન વેલીમાં વધતી તીવ્ર હરીફાઈને ધ્યાનમાં રાખીને કંપનીના સ્વતંત્ર નિયામક ફ્રેન્ક કાલ્ડેરોનીના નેતૃત્વ હેઠળની ખાસ સમિતિ દ્વારા આંતરિક અને બાહ્ય ઉમેદવારોની સઘન સમીક્ષા કર્યા બાદ સર્વાનુમતે અનિલ ચક્રવર્તી પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

 

​હાલના સમયમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ના આગમનને કારણે સોફ્ટવેર ક્ષેત્રે મોટો બદલાવ આવ્યો છે. સામાન્ય કમાન્ડ દ્વારા ઈમેજ, વીડિયો અને પ્રેઝન્ટેશન તૈયાર કરી આપતા અદ્યતન એઆઈ ટૂલ્સના કારણે પરંપરાગત ડિઝાઈન સોફ્ટવેર માર્કેટમાં 'કેનવા' અને 'ફિગ્મા'  જેવા નવા પડકારો ઊભા થયા છે. આ પરિસ્થિતિ વચ્ચે એડોબના શેરોમાં સતત દબાણ જોવા મળ્યું હતું. વર્ષ ૨૦૨૫ માં કંપનીના શેરમાં ૨૧ ટકાથી વધુનો ઘટાડો નોંધાયા બાદ વર્ષ ૨૦૨૬ માં પણ તેમાં ૧૮ ટકા જેટલું ગાબડું પડ્યું છે. આ સંજોગોમાં રોકાણકારોની ચિંતા દૂર કરીને એઆઈ આધારિત પ્રોડક્ટ્સ થકી નવી આવક ઊભી કરવી એ નવા સીઈઓ માટે સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે.

 

​પડકારો હોવા છતાં એડોબની નાણાકીય સ્થિતિ મજબૂત રહી છે. કંપનીએ તાજેતરના ત્રિમાસિક ગાળામાં ૬.૬૨ બિલિયન ડોલર  (અંદાજે ₹૫૫,૦૦૦ કરોડથી વધુ) ની વિક્રમી આવક નોંધાવી છે, જે ગત વર્ષની સરખામણીએ ૧૩ ટકાનો વધારો દર્શાવે છે. ખાસ કરીને કંપનીની એઆઈ આધારિત સેવાઓમાંથી મળતી વાર્ષિક આવક ઝડપથી વધીને $૫૦૦ મિલિયનને વટાવી ગઈ છે. જુલાઈ મહિનામાં કંપનીએ પોતાના વાર્ષિક નફાના અંદાજમાં વધારો કરતાં ૨૦૨૬ ના નાણાકીય વર્ષ માટે $૨૬.૫ બિલિયનથી $૨૬.૬ બિલિયનની આવકનો લક્ષ્યાંક રાખ્યો છે.

 

​અનિલ ચક્રવર્તી ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ વૈશ્વિક આઈટી ક્ષેત્રે મોટું નામ કમાયા છે. તેમણે ભારતની પ્રતિષ્ઠિત આઈઆઈટી વારાણસીમાંથી કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ ટેકનોલોજીની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે અમેરિકાની વિશ્વપ્રસિદ્ધ મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતેથી માસ્ટર ઓફ સાયન્સ અને પીએચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી હતી.

 

​પોતાની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત મેકિન્સી એન્ડ કંપની થી કરનાર અનિલ ચક્રવર્તીએ વર્સાઈન અને સિમેન્ટેક જેવી જાણીતી કંપનીઓમાં વરિષ્ઠ હોદ્દાઓ સંભાળ્યા હતા. એડોબમાં જોડાતા પહેલા તેઓ ક્લાઉડ ડેટા મેનેજમેન્ટ ક્ષેત્રની અગ્રણી કંપની 'ઈન્ફોર્મેટિકા'માં ૨૦૧૫ થી ૨૦૨૦ સુધી ચાર વર્ષ માટે સીઈઓ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે, જ્યાં તેમણે કંપનીને ક્લાઉડ મોડેલમાં સફળતાપૂર્વક રૂપાંતરિત કરી હતી.

 

​જાન્યુઆરી ૨૦૨૦ માં એડોબમાં જોડાયા બાદ અનિલ ચક્રવર્તીએ કંપનીના ડિજિટલ એક્સપિરિયન્સ બિઝનેસનું નેતૃત્વ કર્યું હતું. ત્યારબાદ તેમની જવાબદારી વધારીને ગ્લોબલ સેલ્સ, પ્રોફેશનલ સર્વિસીસ અને કસ્ટમર સક્સેસ ટીમ સહિત વૈશ્વિક કામગીરી સોંપાઈ હતી. તેમના કાર્યકાળ દરમિયાન 'એડોબ સીએક્સ એન્ટરપ્રાઇઝ', 'જેનસ્ટુડિયો' અને 'બ્રાન્ડ વિઝિબિલિટી' જેવી એઆઈ-સંચાલિત મહત્વપૂર્ણ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્કફ્રન્ટ અને સેમરશ જેવી કંપનીઓના સંપાદન અને એકીકરણમાં પણ તેમની ભૂમિકા મહત્વની રહી હતી.

 

​એડોબના નેતૃત્વમાં ભારતીય મૂળના અધિકારીઓનું વર્ચસ્વ કંપની અને ભારત વચ્ચેના ઊંડા સંબંધોને દર્શાવે છે. હૈદરાબાદમાં જન્મેલા શાંતનુ નારાયણ બાદ હવે વારાણસીમાં અભ્યાસ કરનાર અનિલ ચક્રવર્તી કંપનીનું સુકાન સંભાળશે. ભારતમાં એડોબના ૮,૦૦૦ થી વધુ કર્મચારીઓ કાર્યરત છે, જે અમેરિકા બહાર કંપનીનું સૌથી મોટું કેન્દ્ર છે. નોઈડા ખાતે કંપનીએ તાજેતરમાં જ પોતાનું ૭મું કેમ્પસ શરૂ કર્યું છે. કંપનીના વૈશ્વિક રિસર્ચ અને ઇનોવેશન એજન્ડામાં ત્રીજા ભાગથી વધુ યોગદાન ભારતના સંશોધકો આપી રહ્યા છે.

 

​પોતાની નિમણૂક અંગે ઉત્સાહ વ્યક્ત કરતા અનિલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, "એડોબના વિકાસના આ અત્યંત મહત્વપૂર્ણ તબક્કે કંપનીનું નેતૃત્વ કરવાની તક મળવી એ મારા માટે ગૌરવની વાત છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટીના નવા યુગમાં એડોબની લીડરશિપને વધુ મજબૂત કરવા હું ઉત્સુક છું. શાંતનુ નારાયણના દૂરંદેશી નેતૃત્વને કારણે જ આજે કંપની મજબૂત સ્થિતિમાં છે અને અમે ભવિષ્યના નવા આયામો સર કરવા માટે સજ્જ છીએ."

 

(11:34 AM IST)