<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

અમેરિકાના પ્રસ્તાવિત નવા ટેરિફ સામે ભારતનું કડક વલણ: વેપાર જગતમાં મચી ખળભળાટ

​ભારતે અમેરિકી પ્રશાસનને આકરા શબ્દોમાં અપીલ કરી: પુરાવા વિનાના 12.5 ટકા વધારાના ટેરિફનો નિર્ણય પાછો ખેંચવા અને દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવા પર ભાર

​નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ક્ષેત્રે ફરી એકવાર તણાવની સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા ભારત સહિતના 60 દેશો પર 12.5 ટકા વધારાનો ટેરિફ લાદવાના પ્રસ્તાવને પગલે વૈશ્વિક વેપાર જગતમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. આ મામલે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરતા અમેરિકાને આ દરખાસ્ત પર પુનઃવિચાર કરવા અને તેને પાછી ખેંચવા માટે સત્તાવાર વિનંતી કરી છે.

​અમેરિકાનો તર્ક અને ભારતનો જવાબ

અમેરિકાનો આરોપ છે કે જે 60 દેશો પર આ વધારાનો ટેરિફ લાદવાનો પ્રસ્તાવ છે, તેઓ ‘ફોર્સ લેબર’ (બળજબરીપૂર્વકનું શ્રમ) દ્વારા ઉત્પાદિત વસ્તુઓની આયાતને રોકવા માટે પૂરતા પગલાં લઈ રહ્યા નથી. જોકે, ભારતે આ આક્ષેપને નકારી કાઢતા જણાવ્યું છે કે, અમેરિકી તંત્ર પાસે આ બાબતે કોઈ મજબૂત પુરાવા કે ભારત-વિશિષ્ટ વિશ્લેષણ નથી. ભારતનું કહેવું છે કે, ભારતીય નિકાસી ઉત્પાદનો અને બળજબરીપૂર્વકના શ્રમ વચ્ચે કોઈ કાયદાકીય કે વ્યવહારિક કડી સાબિત થઈ નથી, તેથી આ નિર્ણય એકતરફી અને અયોગ્ય છે.

​દિગ્ગજ કંપનીઓની ચેતવણી: અમેરિકાને જ પડશે માર

આ પ્રસ્તાવિત ટેરિફ સામે માત્ર ભારત જ નહીં, પરંતુ અમેરિકાની પોતાની દિગ્ગજ કંપનીઓએ પણ વાંધો ઉઠાવ્યો છે. ઇન્ટેલ, આઈબીએમ, ડેલ, ફોર્ડ અને જીઈ એપ્લાયન્સીસ જેવી અમેરિકી જાયન્ટ કંપનીઓએ યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવને ચેતવણી આપી છે કે, આ વધારાનો ટેરિફ ગ્રાહકો અને અમેરિકી વ્યવસાયો માટે ખર્ચાળ સાબિત થશે. કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે, આ પગલાથી અમેરિકી મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર બિનજરૂરી બોજ વધશે અને ઉત્પાદન ખર્ચમાં ધરખમ ઉછાળો આવશે, જે અંતે અમેરિકાની પોતાની અર્થવ્યવસ્થા માટે નુકસાનકારક રહેશે.

​વાટાઘાટોના દરવાજા ખુલ્લા

ભારત સરકારે જટિલ મુદ્દાઓને ઉકેલવા માટે દ્વિપક્ષીય સંવાદનો માર્ગ અપનાવ્યો છે. ભારતનું માનવું છે કે કોઈપણ પ્રકારના ટેરિફ લાદતા પહેલા સંબંધિત દેશોની ચોક્કસ નીતિઓનું ગહન વિશ્લેષણ કરવું જરૂરી છે. હાલમાં આ પ્રસ્તાવ માત્ર પરામર્શ (consultation)ના તબક્કે છે અને હજુ તેનો અમલ થયો નથી. ભારત આ મુદ્દે અમેરિકી પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવા અને તમામ ચિંતાઓનું નિવારણ લાવવા માટે તૈયાર છે.

​આ સમગ્ર પ્રકરણ એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) અંગે વાટાઘાટો ચાલી રહી છે. વેપાર નિષ્ણાતોનું માનવું છે કે, ટેરિફના આ દબાણની યુક્તિઓ પાછળ અમેરિકાનો આશય વેપાર વાટાઘાટોમાં પોતાનું પલ્લું ભારે કરવાનો હોઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે અમેરિકી પ્રશાસન પોતાની દિગ્ગજ કંપનીઓના દબાણ અને ભારતના તર્કને સ્વીકારીને આ પ્રસ્તાવ પર શું નિર્ણય લે છે.

(8:16 PM IST)