તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
LPG ને ટક્કર આપશે 'દેશી ઇંધણ': હવે રસોડામાં ગેસ નહીં, ઇથેનોલની જ્વાળા પ્રગટશે!
મોંઘા ગેસ સિલિન્ડરોથી છુટકારો મેળવવા સરકારનો માસ્ટર પ્લાન: હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ઇથેનોલનો ઉપયોગ કરવા માટે તૈયાર કરાયો શ્વેતપત્ર: LPG કરતા ₹30 થી વધુ સસ્તું પડશે આ નવું બળતણ

ભારતમાં સતત વધતા LPG ના ભાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં પુરવઠાની અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્ર સરકાર હવે એક મોટું પરિવર્તન લાવવા જઈ રહી છે. વ્યાપારી હેતુઓ માટે ઇથેનોલનો ઉપયોગ કરવાની દિશામાં ગંભીરતાથી વિચારણા શરૂ કરવામાં આવી છે. સરકારની યોજના મુજબ, આગામી સમયમાં હોટલ, રેસ્ટોરન્ટ અને મોટા વ્યાપારી મથકોમાં ગેસ સિલિન્ડરને બદલે ઇથેનોલ આધારિત ચૂલાઓ જોવા મળી શકે છે. આ માટે આશરે 1,000 કરોડ લિટર વધારાની ઇથેનોલ ક્ષમતાનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેનાથી વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટશે અને સ્વદેશી ઉત્પાદનને વેગ મળશે.
આ નવી ટેકનોલોજીમાં 'હાઇડ્રોસ ઇથેનોલ'નો ઉપયોગ કરવામાં આવશે, જે સામાન્ય LPG કરતા ઘણું સસ્તું સાબિત થઈ શકે છે. વર્તમાન આંકડા મુજબ, કોમર્શિયલ LPG ની કિંમત આશરે ₹103 પ્રતિ કિલો છે, જ્યારે તેની સામે હાઇડ્રોસ ઇથેનોલ માત્ર ₹70 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ થઈ શકે તેમ છે. જોકે ઇથેનોલની ઉર્જા ક્ષમતા ગેસ કરતા થોડી ઓછી છે, પરંતુ તેની ઓછી કિંમત અને સરળ ઉપલબ્ધતા તેને હોટલ ઉદ્યોગ માટે ફાયદાકારક બનાવે છે. આ ઇંધણ મુખ્યત્વે શેરડી, મકાઈ અને તૂટેલા ચોખામાંથી બનાવવામાં આવતું હોવાથી તે ખેડૂતો માટે પણ આવકનું નવું સાધન બનશે.
પશ્ચિમ એશિયામાં યુએસ-ઈરાન વચ્ચેના તણાવને કારણે જ્યારે આયાતી LPG નો પુરવઠો ખોરવાઈ રહ્યો છે, ત્યારે ભારત પોતાની ઉર્જા સુરક્ષા માટે સજ્જ થઈ રહ્યું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં સ્થાનિક ગ્રાહકોને પ્રાથમિકતા આપી રહી છે, જેના કારણે કોમર્શિયલ સેક્ટરમાં ગેસની અછત વર્તાઈ રહી છે. આ કટોકટીને પહોંચી વળવા પેટ્રોલિયમ અને માર્ગ પરિવહન મંત્રાલય સહિતની આંતર-મંત્રી પેનલ ટૂંક સમયમાં સલામતી અને તકનીકી ધોરણો નક્કી કરશે. ઉદ્યોગ જગતે પણ સરકારના આ પ્રસ્તાવને વધાવી લીધો છે અને ટ્રાયલ રન માટે તૈયારી દર્શાવી છે, જે ભારતીય રસોડાની સિકલ બદલી નાખશે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
